વડા પ્રધાન નરેન્દ્ર મોદી 10 અને 18 જૂને ગુજરાતની મુલાકાતે આવશે.વડાપ્રધાન
મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલનું ઉદ્ઘાટન કરશે તેમજ નવસારી અને વડોદરા
જિલ્લામાં બે સભાઓને સંબોધન કરશે તેમ એક અધિકારીએ જણાવ્યું હતું.
વડાપ્રધાન 10 જૂને નવસારી જિલ્લાના ખુદવેલ ગામે આદિવાસીઓની સભાને સંબોધન કરશે.
સ્થાનિક વહીવટી તંત્રના જણાવ્યા મુજબ નવસારી, તાપી, ડાંગ અને વલસાડ જિલ્લા
સહિત દક્ષિણ ગુજરાતમાંથી લગભગ ત્રણ લાખ આદિવાસીઓ ચીખલી તાલુકાના ખુદવેલ ખાતે
યોજાનારા આ કાર્યક્રમમાં હાજરી આપે તેવી શક્યતા છે. આ કાર્યક્રમમાં ગુજરાતના
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ હાજરી આપશે.
નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, મોદી આ
જ દિવસે નવસારીમાં નેશનલ હાઇવે 48 પર મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલ અને એએમ
નાઈક હેલ્થકેર કેમ્પસનું ઉદ્ઘાટન કરશે.
18 મી જૂને, વડા પ્રધાન વડોદરામાં એરપોર્ટથી સરદાર એસ્ટેટ સુધી રોડ શો યોજ્યા
બાદ ચાર લાખ જેટલા લોકોને સંબોધન કરશે તેમ મ્યુનિસિપલ કમિશનર શાલિની અગ્રવાલે
જણાવ્યું હતું.
વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનની સ્ટેન્ડિંગ કમિટીનાં ચેરમેન હિતેન્દ્ર પટેલે
જણાવ્યું હતું કે,.પીએમ મોદી પંચમહાલ જિલ્લાના પાવાગઢ પર્વત પર આવેલા મહાકાળી
મંદિરમાં પૂજા-અર્ચના કર્યા બાદ સવારે વડોદરા આવશે.
ચાર કિલોમીટર લાંબા રોડ શો પછી, વડા પ્રધાન સરદાર એસ્ટેટ નજીક લેપ્રોસી
હોસ્પિટલ ગ્રાઉન્ડ ખાતે વિવિધ સરકારી યોજનાઓ જેવી કે ગ્રામીણ આવાસના લાભાર્થીઓ
સહિત લગભગ ચાર લાખ લોકોને સંબોધન કરશે. હિતેન્દ્ર પટેલે મ્યુનિસિપલ કમિશનર અને
સ્થાનિક સંસદ સભ્ય રંજન ભટ્ટ સાથે તૈયારીઓની સમીક્ષા કરવા માટે ગ્રાઉન્ડની
મુલાકાત લીધી હતી. ગુજરાત વિધાનસભાની ડિસેમ્બરમાં યોજાનારી ચૂંટણી પહેલા
વડાપ્રધાન મુલાકાતે આવી રહ્યા છે.