ઇલેકશન સ્ટ્રેટેજીસ્ટ પ્રશાંત કિશોરે કોંગ્રેસ સમક્ષ કરેલા પ્રેઝન્ટેશન પર વિચાર વિમર્શ કરવા માટે સોનિયા ગાંધી દ્વારા રચવામાં આવેલી કમિટીએ તેનો અહેવાલ સોંપ્યો હતો. તેના થોડા દિવસ પછી પછી કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ સોમવારે રાજકીય પડકારોને પહોંચી વળવા એમ્પાવર્ડ એક્શન ગ્રુપ 2024 નામના વધુ એક આંતરિક ગ્રુપની રચના કરી હતી. જો કે, તેનાં સ્વરુપ અંગે જાહેરાત હજુ કરાઇ નથી.
પાર્ટીએ સત્તાવાર રીતે એવી પણ જાહેરાત કરી હતી કે તે 13થી 15 મે દરમિયાન રાજસ્થાનના ઉદયપુરમાં નવ સંકલ્પ ચિંતન શિબિરનું આયોજન કરાશે. ત્રણ દિવસના આ અધિવેશનમાં દેશભરમાંથી કોંગ્રેસના લગભગ 400 નેતાઓ ભાગ લેશે.
પ્રશાંત કિશોરની દરખાસ્તોનો અભ્યાસ કરનારા આઠ સભ્યોના જૂથને પણ સોનિયા ગાંધી મળ્યા હતા. પી.ચિદમ્બરમ, અંબિકા સોની, પ્રિયંકા ગાંધી વાડ્રા, દિગ્વિજય સિંહ, જયરામ રમેશ, મુકુલ વાસનિક, કે સી વેણુગોપાલ અને રણદીપ સુરજેવાલાએ ગયા અઠવાડિયે અનેક બેઠકો કરી હતી. અને કિશોરે રજુ કરેલા મુદ્દાઓનો અભ્યાસ કરી એક અહેવાલ તૈયાર કર્યો હતો. સૂત્રોએ જણાવ્યું હતું કે, કમિટી કિશોરનાં મોટાભાગના સૂચનો સાથે સૈદ્ધાંતિક રીતે સંમત થઈ ગઈ છે.
ઇન્ડિયન પોલિટિકલ એક્શન કમિટી અથવા આઈ-પેકએ 2023ની વિધાનસભાની ચૂંટણી માટે તેલંગાણા રાષ્ટ્ર સમિતિ (ટીઆરએસ) સાથે કોન્ટ્રાક્ટ કર્યાના એક દિવસ પછી પણ બેઠક યોજાઇ હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે કોંગ્રેસનાં ઘણા સિનિયર નેતાઓ એ બાબતથી નારાજ છે પ્રશાંત કિશોર કોંગ્રેસના ટોચના નેતૃત્વ સાથે વાતચીત કરી રહ્યા છે ત્યારે આઈ-પેકએ તેની વિરોધી પાર્ટી ટીઆરએસ સાથે કોન્ટ્રાક્ટ કર્યો છે.
દરમિયાન કોંગ્રેસ કમ્યુનિકેશન ડિપાર્ટમેન્ટનાં વડા રણદીપ સુરજેવાલાએ જણાવ્યું હતું કે, કોંગ્રેસ અધ્યક્ષે ચર્ચા બાદ આગામી રાજકીય પડકારોને પહોંચી વળવા માટે એક એમ્પાવર્ડ એક્શન ગ્રુપ બનાવવાનો નિર્ણય લીધો છે.તેમણે કહ્યું હતું કે,ઉદયપુરનાં અધિવેશનમાં સમાજ પર વર્તમાન રાજકીય અને આર્થિક સ્થિતિએ જે અસર કરી છે તેનાં પર મંથન થશે.
આ ઉપરાંત ખેડૂતો, ખેત મજૂરો,અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, ઓબીસી, ધાર્મિક અને ભાષાકીય લઘુમતી, મહિલા સામાજિક ન્યાય અને સશક્તિકરણ અને યુવાનોના કલ્યાણ અને સુખાકારીને લગતા મુદ્દાઓ પર પણ વિગતવાર ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત સંગઠનના પુનર્ગઠન અને તેને મજબુત બનાવવા પર ચર્ચા થશે.2024ની લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસની વ્યાપક વ્યૂહરચના પર પણ ચર્ચા થશે.
અધિવેશનમાં પસાર થનારા ઠરાવોનો મુસદ્દો તૈયાર કરવા માટે છ સમિતિઓની રચના કરાઇ છે. રાજકીય પ્રસ્તાવનો મુસદ્દો તૈયાર કરનારી સમિતિની અધ્યક્ષતા રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગે કરશે, જ્યારે આર્થિક સ્થિતિ પરનાં પ્રસ્તાવ માટેની સમિતિની અધ્યક્ષતા પૂર્વ નાણામંત્રી પી ચિદમ્બરમ કરશે.
ખેડૂતો અને કૃષિ સંબંધિત મુદ્દાઓ પર ચર્ચા માટેની અન્ય એક સમિતિની અધ્યક્ષતા હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપિંદર સિંહ હૂડા કરશે, જે જી -23 જીંજર ગ્રુપના સભ્ય છે. આ સમિતિમાં છત્તીસગઢના મંત્રી ટી એસ સિંહ દેવ, શક્તિસિંહ ગોહિલ, નાના પટોલે, પ્રતાપ સિંહ બાજવા, અરુણ યાદવ, અખિલેશ પ્રસાદ સિંહ, ગીતા કોરા અને અજય કુમાર લલ્લુ સભ્યો છે.
રાજકીય પ્રસ્તાવ માટેની ખડગેના નેતૃત્વવાળી સમિતિમાં વરિષ્ઠ નેતા ગુલામ નબી આઝાદ, અશોક ચવ્હાણ, એન ઉત્તમ કુમાર રેડ્ડી, શશી થરૂર, ગૌરવ ગોગોઈ, સપ્તગિરિ સંકર ઉલાકા અને રાગિની નાયકનો સભ્ય તરીકે સમાવેશ કરવામાં આવ્યો છે.
ચિદમ્બરમની આગેવાની હેઠળની સમિતિના સભ્યોમાં સિદ્ધારમૈયા, આનંદ શર્મા, સચિન પાયલટ, મનીષ તિવારી, રાજીવ ગૌડા, પ્રનિતી શિંદે, ગૌરવ વલ્લભ અને સુપ્રિયા શ્રીનાતેનો સમાવેશ થાય છે.
સામાજિક અને સશક્તિકરણ સંબંધિત મુદ્દાઓ પર અહેવાલ તૈયાર કરવા માટેની સમિતિની અધ્યક્ષતા સલમાન ખુર્શીદ કરશે. તેના સભ્યોમાં મીરા કુમાર, દિગ્વિજય સિંહ, કુમારી સેલજા, નબામ તુકી, સુખજિંદર સિંહ રંધાવા, નારણભાઈ રાઠવા, એન્ટો એન્ટની અને કે. રાજુનો સમાવેશ થાય છે.