ગુજરાતમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસાની શરૂઆત 15 જૂનની નિર્ધારિત તારીખ કરતાં આગળ થાય તેવી શક્યતાઓ સેવાઇ રહી છે. રાજ્યમાં સોમવાર, 13 જૂનના રોજ ચોમાસું પહોંચી શકે છે.
ભારતીય હવામાન વિભાગ (આઈએમડી) અનુસાર, દક્ષિણ-પશ્ચિમ ચોમાસાએ હાલમાં મુંબઈની સાથે કોંકણને આવરી લીધું છે અને ચોમાસાની આ સ્થિતિ સૂચવે છે કે, તે સોમવાર, 13 જૂન સુધીમાં ગુજરાતની સીમામાં પ્રવેશ કરશે અને ધીમે ધીમે રાજ્યના અન્ય જિલ્લાઓમાં પહોંચશે.
જોકે, શનિવારે ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં પ્રિ-મોન્સુન ગતિવિધિઓ ચાલુ રહી હતી. અમદાવાદના આનંદનગર, ગોતા અને એસજી હાઈવે વિસ્તારો સહિત રાજ્યના ઘણા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટા પડ્યા હતા. આ ઉપરાંત શનિવારે સાંજે 6 કલાક સુધીમાં ગીર-સોમનાથ જિલ્લાના ગીર-ગઢડામાં 54 મીમી, ડાંગના સુબીર તાલુકામાં 48 મીમી અને તાપી જિલ્લાના કુકરમુડામાં 35 મીમી વરસાદ નોંધાયો હતો.
તાપમાનની વાત કરીએ તો શનિવારના રોજ, અમદાવાદ ગુજરાતમાં સૌથી વધુ 41 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે સૌથી ગરમ સ્થળ હતું. અમદાવાદ બાદ ગાંધીનગર મહત્તમ તાપમાન 40.4 ડિગ્રી સેલ્સિયસ સાથે બીજા સ્થાને અને ડીસા 40.2 ડિગ્રી સેલ્સિયસ સાથે રાજ્યમાં ત્રીજા સ્થાને રહ્યું હતું.
ભારતમાં વરસાદ:
આ દરમિયાન, હવામાન વિભાગે શનિવારના રોજ દેશના 15થી વધુ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં વરસાદની આગાહી કરી છે. આઈએમડી મુજબ જે રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં આગામી પાંચ દિવસ સુધી વરસાદ થવાની સંભાવના છે, તેમાં અરુણાચલ પ્રદેશ, આસામ, નાગાલેન્ડ, મણિપુર, મેઘાલય, ત્રિપુરા, મિઝોરમ, સિક્કિમ, પશ્ચિમ બંગાળ, કર્ણાટક, કેરળ, આંધ્ર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા, પુડુચેરી અને લક્ષદ્વીપનો સમાવેશ થાય છે.
આ ઉપરાંત હવામાન વિભાગ જણાવ્યા અનુસાર, બિહાર, ઝારખંડ, ઓડિશા, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના કેટલાક ભાગોમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.