અધધધ..ગુજરાતીઓએ કોરોનાની બીજી લહેરમાં 1300 કરોડ રૂપિયા ક્યાં વાપર્યા?

| Updated: June 25, 2021 11:51 pm

કોવિડ મહામારીની બીજી લહેરમાં ગુજરાત પર મોટી આફત આવી પડી હતી. એક તરફ ગુજરાતમાં કોરોનાગ્રસ્ત દર્દીઓ માટે તેમના સ્વજનોને દવા, ટેસ્ટિંગ, ઇન્જેક્શન કે હોસ્પિટલમાં બેડ નહોતા મળી રહયા, ત્યારે બીજી તરફ સરકારની સહાયના અભાવે જંગી ખર્ચનો બોજ પણ આવી પડ્યો હતો.

આ નાણાકીય બોજ કેટલો મોટો હતો તેની ગણતરી કરવાનો વાઈબ્સ ઓફ ઇન્ડિયા દ્વારા પ્રયત્ન કરવામાં આવ્યો હતો. આ ગણતરીમાં લેબોરેટરી ટેસ્ટ, સિટી સ્કેન અને અન્ય ચીજો પાછળનો ખર્ચ ગણવામાં આવ્યો નથી. રાજ્યની મહાપાલિકામાં નક્કી કરવામાં આવેલા ખાનગી હોસ્પિટલના પેકેજમાં પણ આ ચીજો સામેલ નથી. આ તબક્કામાં કુલ નાણાબોજ રૂ.1,311.56 કરોડ જેટલો મળી આવે છે, જેમાં બે તૃતિયાંશ જેટલો હિસ્સો એટલે કે રૂ. 927.1 કરોડનો ખર્ચ માટે હોસ્પિટલ અને દવાના બિલ પાછળ જોવા મળ્યો છે.
અમારી ગણતરી વાસ્તવિક ખર્ચ કરતા લગભગ 50 ટકા જેટલો ઓછી હશે, કારણ કે હોસ્પિટલ અને ઘરે જેમની સારવાર થઇ છે (હોમકેર) તેનો સરેરાશ ખર્ચ અમારી ધારણા કરતા ઘણો વધારે હોય તેવી શક્યતા નકારી શકાય નહીં.
ગુજરાતમાં 1 એપ્રિલથી 4 મે વચ્ચે માળખાકીય તબીબી સુવિધા પડી ભાંગી હતી. ખુદ ગુજરાત હાઇકોર્ટે સ્થિતિને ‘કટોકટી’ જેવી ગણાવી સરકાર સામે સૂઓ મોટો કેસ શરૂ કરવા ફરજ પડી હતી. આ સમયગાળામાં રાજ્યમાં દૈનિક નવા દર્દીઓની સંખ્યા 12 ગણી જેટલી વધી હતી. 1 એપ્રિલના 12,996 સામે 4 મેના રોજ તે વધીને 1,49,297 પર પહોંચી હતી. આ સમયમાં કોરોનાના ટેસ્ટિંગ, સારવાર, હોસ્પિટલ બેડ, રેમડેસિવિર, એમ્બ્યુલન્સ કે ઓક્સિજન જેવી દરેક સેવા મેળવવી મુશ્કેલ બની હતી.

આ વખતે કોરોના વાયરસનો વ્યાપ અને તેની અસર વિકરાળ હતી. તેના કારણે ટેસ્ટિંગ વ્યવસ્થા પડી ભાંગી હતી. લોકોએ ટેસ્ટના સેમ્પલ કલેક્શન પછી રિપોર્ટ માટે 48 કલાક જેટલી રાહ જોવી પડતી હતી. ગુજરાત સરકારે હાઈ કોર્ટમાં રજૂ કરેલા એફિડેવિટમાં 45 દિવસ 1થી 23 એપ્રિલ અને 1થી 2 મે સુધી રાજયમાં RT PCRના આંકડા અનુસાર 14,67,439 ટેસ્ટ થયા હતા. એકપણ સેમ્પલ કોઈ દર્દીના ઘરેથી કલેક્ટ કરવામાં આવ્યું નથી તેમ ધારીએ તો પણ આ ટેસ્ટિંગનો નાણાકીય બોજ 190.74 કરોડ જેટલો થાય છે.
જે દર્દીનો તાવ ઉતરે નહીં અને પ્રાથમિક સારવારની કોઈ અસર જોવા મળતી નહોતી એમને રેમડેસિવિરના ઇન્જેક્શન થકી સારું થઇ રહ્યું હોવાના તબીબી તારણ પછી સમગ્ર દેશ અને ગુજરાતમાં આ ઇન્જેક્શનની અછત ઉભી થઇ હતી. સમગ્ર દેશમાં આ ઇન્જેક્શનનું વિતરણ રાજ્ય સરકારે પોતાના હસ્તક લઇ લીધું હતું.

રાજ્ય સરકારના એફિડેવિટ અનુસાર 1 એપ્રિલથી 5 મે વચ્ચે ગુજરાતમાં 7,70,928 રેમડેસિવિર ઇન્જેક્શનનું વિતરણ કરવામાં આવ્યું હતું. વિવિધ કંપનીઓએ નક્કી કરેલા ભાવ અનુસાર આ ઇન્જેક્શનનો બોજ 121.20 કરોડ જેટલો થાય છે.
દરેક વ્યક્તિ એટલી નસીબદાર ન હતી કે તેમને હોસ્પિટલમાં બેડ મળે. ઘણાએ પોતાના ઘરે જ સારવાર લેવાની ફરજ પડી હતી. “દરેક દર્દીને દાખલ કરવાની જરૂર હતી નહીં. એવું કોઈ ચોક્કસ માપદંડ કે સરેરાશ નથી કે જેના આધારે કહી શકાય કે કેટલા દર્દીઓને દાખલ કરવામાં આવ્યા હશે. એવી જ રીતે ઘરે હોય એ દરેક દર્દીને હોમ કેર કે તબીબી હસ્તક્ષેપની જરૂર પડી હોય એવું પણ નથી. પણ એમ કહી શકાય કે બીજા તબક્કામાં જેટલા લોકો ઘરે હતા તેમાંથી 30 ટકાને ઘરે સારવાર લેવી પડી હશે. એવું પણ જોવા મળ્યું હતું કે કેટલાક દર્દીઓ માત્ર ત્રણથી ચાર દિવસમાં સાજા થઇ જતા હતા,” એમ અમદાવાદ હોસ્પિટલ એન્ડ નર્સિંગ હોમ એસોસિએશનના પ્રમુખ ડૉ. ભરત ગઢવી જણાવે છે.

જોકે, હોમ કેર માટે ડોક્ટરની સેવા મેળવવી કપરી હતી અને એ પણ સસ્તી નહોતી. જે શહેર કે વિસ્તાર હોય, ડોક્ટર કેટલા દર્દીની સારવાર કરી રહયા હોય તેના આધારે તેની ઉપલબ્ધતા અને તેના ચાર્જ નક્કી થયા હતા. “મારા માતા-પિતા બન્ને કોરોનાગ્રસ્ત હતા. એક અગ્રણી તબીબે પોતાની પાસે ઘણા દર્દી હોવાના કારણે શરૂઆતમાં સારવાર માટે ઇન્કાર કર્યો હતો. જોકે, મારા એક મિત્રની મદદથી અંતે એ ડોક્ટર ટેલિફોનિક સારવાર માટે તૈયાર થયા હતા,” એમ એક અગ્રણી મલ્ટીનેશનલમાં કામ કરતા કુમાર કગથરા જણાવે છે.
હોમ કેરના ચાર્જ અને પેકેજ દરેક ડોક્ટર દીઠ અલગ હતા. રાજકોટમાં એક કોવિડ સેન્ટરમાં 10 દિવસની સારવાર પેકેજમાં, ડોક્ટરની છ રૂબરૂ તપાસ અને દવા સાથેનું પેકેજ રૂ. 40,000 જેટલું હતું. અમદાવાદમાં સેટેલાઇટ વિસ્તારમાં એક ડોક્ટરનો 14 દિવસ માટે ટેલીમેડિસિન કન્સલ્ટિંગનો ચાર્જ રૂ. 10,000 હતો. જેમાં દવા, ટેસ્ટિંગ કે અન્ય કોઈપણ સવલતનો સમાવેશ થતો નથી. જયારે બીજા તબક્કામાં જયારે નવા દર્દીઓની સંખ્યા પિક ઉપર હતી ત્યારે કેટલાક ડોક્ટર દવા અને ટેસ્ટ સિવાય રૂ. 25,000નો ચાર્જ પણ વસુલતા હતા.
ઓલ ઇન્ડિયન ઓરિજીન કેમિસ્ટ્સ એન્ડ ડિસ્ટ્રીબ્યુશન (AIOCD) દેશમાં ડોક્ટર પ્રિસ્ક્રિપ્શન લખી જે દવા આપે છે તેના વેચાણના ડેટા એકત્ર કરે છે. માર્ચ 2020માં ભારતમાં કોરોના દેખાયો ત્યારથી ઇન્ફેક્શન, શ્વાસને લગતા રોગોની દવા અને વિટામિનનું વેચાણ રૂ.1,875 કરોડ જેટલું નોંધાયુ છે. બીજા તબક્કામાં માર્ચથી મે સુધીના ત્રણ મહિનામાં આ દવાનું વેચાણ રૂ. 471.87 કરોડ નોંધાયું છે.
“જે દવાઓની જરૂરિયાત કોવિડની સારવાર માટે જરૂરી હતી તેના વેચાણમાં વૃદ્ધિ જોવા મળી છે. આ દવાઓનો સારવારમાં સીધો કે પરોક્ષ ઉપયોગ થતો હોય તેવી શક્યતા છે,” એમ AIOCD  AWACSના માર્કેટિંગ પ્રેસિડેન્ટ શીતલ સપાલે જણાવે છે.
હોમકેર અને હોસ્પિટલ સારવાર અંગે પૂરતી માહિતીના અભાવ અને પેકેજ ચાર્જમાં વિસંગતતાના કારણે તેના ચોક્કસ નાણાબોજની ગણતરી મુશ્કેલ છે. અમે એવી ધારણા કરી છે કે દરેક દર્દીએ  હોસ્પિટલમાં સારવાર લીધી હતી જે તબીબો અને અન્ય નિષ્ણાતોના અભિપ્રાય અનુસાર વ્યાજબી છે. બીજું, અમે એવી ધારણા રાખી છે કોઈપણ દર્દીએ આઈસીયુ કે વેન્ટિલેટર સાથેના આઇસીયુની જરૂર પડી નથી. આ ધારણા વાસ્તવિક નથી કારણ કે સમગ્ર રાજ્યમાં આવા હોસ્પિટલ બેડની અછત જોવા મળી હતી. ત્રીજું, સરકારના પેકેજ અનુસાર આ ખર્ચમાં ટેસ્ટિંગ, સિટી સ્કેન અને લેબ ટેસ્ટ જેવી ચીજોનો ખર્ચ ઉમેર્યો નથી. બીજા તબક્કામાં સામાન્ય બેડ માટે મહાનગર પાલિકામાં પ્રતિદિવસ રૂ.11,300નું મહત્તમ કિંમત સાથેનું પેકેજ નક્કી થયું હતું. દરેક દર્દીએ 10 દિવસ હોસ્પિટલમાં સારવાર મેળવવી પડી હોય તો દર્દી દીઠ આ ખર્ચ રૂ. 1,13,000 જેટલો થાય છે. એપ્રિલ અને મે મહિના દરમિયાન રાજ્યમાં એક્ટિવ કેસોની સંખ્યા સરેરાશ 80,573 હતી. એમાંથી માત્ર 50 ટકા કે 40,286 દર્દીઓએ આ પેકેજ અનુસાર સારવાર મેળવી હોય તો તેનો ખર્ચ રૂ.455.23 કરોડ થાય છે.

આઇસીયુ બેડનો ચાર્જ વેન્ટિલેટર સહીત રૂ.19,600 નક્કી કરવામાં આવ્યો હતો. માત્ર 20 ટકા દર્દીને આવી જરૂર પડી હોય એવી ધારણા રાખીએ તો કુલ બોજ રૂ.66.87 કરોડ વધી શકે છે. જોકે, કુલ નાણાકીય બોજમાં અમે આ ધારણા ઉમેરી નથી.
વધુમાં, કુલ દર્દીઓમાંથી માત્ર 30 ટકા કે 24,712ને હોમ કેરની જરૂર પડી હોય અને દવા સહીત તેનું પેકેજ રૂ. 30,000 હોય તો કુલ નાણાકીય બોજ રૂ. 72.52 કરોડ આવે છે.


Your email address will not be published.