એસટીના કર્મચારીઓની હડતાલ પર ઉતરવાની ચીમકીઃ જાણો કયા મુદ્દે નારાજગી છે

| Updated: October 13, 2021 8:55 pm

ગુજરાત એસટી નિગમના કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પર ઉતરવાની તૈયારીમાં છે. રાજ્યભરના એસટી કર્મચારીઓએ ગાંધીનગર ડેપો ખાતે સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું.

એસ.ટી. કર્મચારીઓએ આજે ગાંધીનગર ડેપો પર સૂત્રોચ્ચાર સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. જેમાં ડ્રાઇવર, કંડકટર અને મિકેનિક હોદ્દાના કર્મચારીઓ સામેલ હતા.

વિરોધનાં મુખ્ય મુદ્દાઓ ખાનગીકરણ, 2018થી બાકી રહેલું એરિયર્સ, બાકી ડી. એ.ની ફાળવણી, ગ્રેડ-પેમાં વધારાની માંગ, ઓવરનાઇટ ભથ્થામાં વધારો (જે હાલમાં ફક્ત 10 રૂપિયા છે) હતા. આ સાથે કર્મચારીઓને વર્ગ 3માં સમાવેશ થાય તે બાબત પર પણ ભાર આપવામાં આવ્યો હતો.

ભારતીય મજદુર સંઘના આગેવાન કોદરભાઈ ચૌધરી અને મજુર મહાજન આગેવાન વાલજીભાઈ દેસાઇ પણ આ વિરોધ પ્રદર્શનમાં એસ. ટી. કર્મચારી મહામંડળના સમર્થનમાં ઉતરી આવ્યા હતા.

ગાંધીનગર એસ.ટી. કર્મચારીઓના કર્મચારી મહામંડળ યુનિયનના પ્રમુખ, રાજદીપસિંહ રાઠોડે જણાવ્યું હતું કે સરકાર એસ. ટી. કર્મચારીઓને હાંસિયામાં ધકેલે છે અને અમે તે વિરુદ્ધ એક થઈને લડત આપીશું. એક ડ્રાઈવરને ગ્રેડ-પે તરીકે ફક્ત 1650 રૂપિયા અપાય છે, જ્યાં કંડકટરનો ગ્રેડ-પે 1400 રૂપિયા છે. અમારા કર્મચારીઓની પગારપંચની વિસંગતાઓ અને સાતમાં પગારપંચમાં આવતાં વિવિધ એલાઉન્સ સહિત ડ્રાઇવર-કંડક્ટર ગ્રેડ પે અને 2018થી બાકી રહેલું એરીયર્સ હજુ સુધી ચુકવણી થઈ નથી. અમે પણ માંગ કરીએ છે કે સરકાર જરૂરી પગલા ભરે. આ સાથે તેમને એસ. ટી. વિભાગના થતાં ખાનગીકરણ પર પણ પ્રશ્નો ચિંધ્યા હતા.

સરકાર જરૂરી પગલાં નહીં ભરે તો રાજ્યના તમામ 45000 એસટી કર્મચારીઓ 20 ઓકટોબરની મધરાતથી સ્ટ્રાઇક પર ઉતરશે, તેમ યુનિયને જણાવ્યું હતું.

અગાઉ પણ કાળી પટ્ટી બાંધીને એસટી કર્મચારીઓએ આ બાબતો પર ગાંધીનગર ડેપો ખાતે પોતાનો વિરોધ દાખવ્યો હતો. આવામાં પરિસ્થિતિ વણસતા સરકારનું એસટી કર્મચારીઓને પ્રત્યે ઢીલું વલણ કર્મચારીઓ સાથે સાથે સામાન્ય પ્રજાને પણ મોંઘું પડી શકે છે.

Your email address will not be published. Required fields are marked *