દેશમાં એપ્રિલ શરૂ થતાની સાથે જ ગરમીનો પારો વધવાના આસાર સેવાઇ રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ (આઈ.એમ.ડી.) અનુસાર, ભારતના ઉત્તર-પશ્ચિમ, મધ્ય અને ઉત્તર-પૂર્વીય પ્રદેશોમાં સામાન્ય કરતાં વધુ તાપમાન નોંધાવાની શક્યતા છે.
આઇએમડીના જણાવ્યા અનુસાર, “એપ્રિલ મહીના દરમિયાન ઉત્તર પશ્ચિમ, મધ્ય અને ઉત્તર પૂર્વ ભારતના મોટાભાગના ક્ષેત્રોમાં લઘુત્તમ તાપમાનમાં સામાન્ય કરતાં વધારે અથવા સામાન્ય વધારાની શક્યતા છે.” જોકે, આઇએમડીના જણાવ્યાં અનુસાર, દેશના દક્ષિણ દ્વીપકલ્પ, મધ્ય ભારતના પૂર્વ ભાગો અને ઉત્તર પૂર્વ ભારતના અત્યંત દક્ષિણ ભાગોમાં લઘુત્તમ તાપમાન સામન્ય કરતાં નીચું રહેવાની શક્યતા છે.
જોવા જઈએ તો, ગુજરાત અને રાજસ્થાનના કેટલાક વિસ્તારોમાં માર્ચ મહિનામાં જ સામાન્ય કરતાં છથી સાત ડિગ્રી સેલ્સિયસ વધુ તાપમાન નોંધાયું હતું, જેના કારણે બંને રાજ્યોમાં માર્ચ મહિનામાં જ હીટવેવ ચેતવણી જાહેર કરવામાં આવી હતી.
તારીખ 31 માર્ચ, 2022, ગુરુવારના રોજથી ગુજરાત આ વર્ષના ઉનાળાની ત્રીજી હીટવેવની શક્યતા જારી કરવામાં આવી છે. તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસને વટાવાની સાથે રાજ્યના ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો સૌથી વધુ અસરગ્રસ્ત જિલ્લાઓ હતા અને રહેશે.
જ્યારે કોઈ પ્રદેશમાં 40 ડિગ્રી સેલ્સિયસ અથવા તેનાથી વધુ તાપમાન નોંધાય છે, ત્યારે આઈ.એમ.ડી દ્વારા ‘હીટવેવ’ની ચેતવણી જારી કરવામાં આવે છે. જો કોઈ પણ પ્રદેશમાં મહત્તમ તાપમાન સામાન્ય કરતાં 6.4 ડિગ્રી સેલ્સિયસથી વધુ હોય, તો હવામાન વિભાગ દ્વારા ‘તીવ્ર હીટવેવ’ની ચેતવણી જાહેર કરવામાં આવે છે.