ગુજરાત એક જ વર્ષમાં આઠ લાખ કરોડથી વધુ નિકાસ નોંધાવી રાજ્યોમાં ટોચના ક્રમે

| Updated: May 5, 2022 2:08 pm

અમદાવાદઃ ગુજરાતે નિકાસના મોરચે બધા રેકોર્ડ તોડી નાખ્યા છે. નાણાકીય વર્ષ 2021-22માં ફેબ્રુઆરી સુધીમાં ગુજરાતે 8.37 લાખ કરોડની નિકાસ નોંધાવી છે. જ્યારે અગાઉના વર્ષે ગુજરાતની નિકાસ 4.48 લાખ કરોડ હતી. જો હવે માર્ચમાં જાહેર થનારા આંકડાને ધ્યાનમાં લઈએ તો આ આંકડો દસ લાખ કરોડને વટાવી જઈ શકે છે.

નિકાસની વાત આવે ત્યારે મહારાષ્ટ્ર હંમેશા અગ્રસ્થાને રહેતું હતું અને ગુજરાત બીજા સ્થાને રહેતું હતું. પણ 2020-21માં ગુજરાતે પહેલી વખત મહારાષ્ટ્રને ઓવરટેક કર્યુ હતું. ગુજરાતની નિકાસ ત્યારે 4.48 લાખ કરોડ રહી હતી અને મહારાષ્ટ્રની 4.31 લાખ કરોડ રહી હતી. નાણાકીય વર્ષ 2021-22માં ફેબ્રુઆરી સુધી મહારાષ્ટ્રની નિકાસ 4.90 લાખ કરોડ થઈ છે.

ડિરેક્ટર જનરલ ઓફ ફોરીન ટ્રેડ (ડીજીએફટી) ના અધિકારીઓના જણાવ્યા મુજબ ગુજરાત દ્વારા થતી નિકાસમાં પેટ્રોલિયમ, ડાયમંડ, સીરેમિક્સ, કોટન યાર્ન, વેજીટેબલ ફેટ્સ, ટેક્સ્ટાઇલ્સ, તેલીબિયા, મશીનરી, એન્જિનીયરિંગ પ્રોડક્ટ્સ અને બ્રાસ પાર્ટ્સની નિકાસનો સમાવેશ થાય છે.

વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે જીએસટીના અમલીકરણના લીધે અમને 2018-19થી રાજ્યદીઠ આંકડા મળવા માંડ્યા છે. પણ નાણાકીય વર્ષ 2021-22નું વર્ષ મોટો માપદંડ મનાય છે, તેનું કારણ એ છે કે કોરોના પૂરો થઈ ગયો છે અને જીએસટીનો પૂર્ણપણે અમલ થઈ રહ્યો છે.

ઉદ્યોગના આંતરિક વર્તુળોનું કહેવું છે કે ગયા નાણાકીય વર્ષમાં કોરોના પછી વૈશ્વિક બજાર ખુલ્લુ થયું છે અને ગુજરાત ઉત્પાદન કેન્દ્ર છે. બધા બંદરો પણ ખૂલી જતા ઉત્પાદન કેન્દ્ર પણ ધમધમવા લાગ્યુ હતું. તેના લીધે રાજ્યએ ઉત્પાદન અને નિકાસનું ટોચનું સ્તર હાંસલ કર્યુ હતું.

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીના ઉપપ્રમુખ પાર્થ ગણાત્રાએ જણાવ્યું હતું કે ગયા નાણાકીય વર્ષની તુલનાએ મારી નિકાસમાં 2021-22માં 40 ટકાની વૃદ્ધિ નોંધાઈ છે. ગુજરાતની વૃદ્ધિ વેગ પકડી રહી છે અને અમારા ચેમ્બર દ્વારા જારી કરવામાં આવતા પ્રમાણપત્રો તેનું પરિણામ છે. તેનું કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં આપણી વિશ્વસનીયતા છે અને ખરીદદાર ચીન અને વિયેનામના બદલે આપણી પ્રોડક્ટ્સ પર પસંદગી કરે છે.

ગુજરાત ભારતમાંથી થતી નિકાસમાં સૌથી વધુ હિસ્સો ધરાવે છે. તેથી ગુજરાત સરકાર ઉત્પાદકો અને નિકાસકારોને પડતી તકલીફોને ઉકેલવા ખાસ વિભાગ રચે તે સમય આવી ગયો છે અને જરૂર પડે તો કેન્દ્ર સરકાર સમક્ષ પણ આ મુદ્દા ઉઠાવે.

Your email address will not be published.