ગુજરાત પ્રવાસન વિભાગનો છબરડો : શાહમૃગને ગીરનું વતની બતાવ્યું !

| Updated: November 25, 2021 9:23 pm

ગુજરાત પ્રવાસન વિભાગે પ્રચાર માટે બનાવેલા વિડીયોમાં શાહમૃગને ગીરનું વતની બતાવીને પોતાની અજ્ઞાનતાનું પ્રદર્શન કર્યું છે. પ્રવાસન વિભાગે જારી કરેલા પ્રચાર વીડિયોમાં, કેટલાક પાંખ વિનાના આફ્રિકન પક્ષીઓ એશિયાટિક સિંહોના ગઢમાં સ્નેક્સ પર ચાંચ મારતાં જોવા મળે છે.


બીજા એક વિડિયોમાં વરુને રડતો બતાવાયો છે, જોકે ઇમેજ શિયાળની છે. આવાં છબરડાંથી વન્યપ્રાણી નિષ્ણાતોમાં રોષની લાગણી વ્યાપી છે. પ્રવાસન વિભાગ એવો બચાવ કરે છે કે વિડીયો જૂના છે અને પાછા ખેંચી લેવામાં આવ્યા છે.

પરંતુ વન્યપ્રાણી નિષ્ણાતો જણાવે છે કે વિડીયોની પંચલાઇન “કમ બેક ટુ લાઇફ” એટલે કે “જીવન તરફ પાછા વળો” છે.જે કોવિડના રોગચાળા બાદની સ્થિતિમાં લોકોને પ્રવાસન માટે આમંત્રણ આપતી હોય તેવી છે.
સ્ટેટ બોર્ડ ફોર વાઇલ્ડલાઇફના ભૂતપૂર્વ સભ્ય ભૂષણ પંડયાએ જણાવ્યું હતું કે પ્રવાસન વિભાગની જાહેરાતની ક્લિપ્સ વાયરલ થઈ છે.

આ વીડિયો ભારતભરમાં વન્યપ્રાણી નિષ્ણાતોના વર્તુળોમાં પણ ફરતા થયા છે. તેમણે કહ્યું કે આ ભૂલો શરમજનક છે.પ્રવાસન વિભાગને જાણકારી ન હોય તે સમજી શકાય છે પરંતું તેમણે વિડીયો જારી કરતાં પહેલા વન વિભાગના અધિકારીઓની સલાહ લેવી જોઈએ.

ગુજરાત સરકારના પ્રવાસન સચિવ હરીત શુક્લાએ જણાવ્યું હતું કે, “આ જૂની જાહેરાત છે અને ભૂલની જાણ થયા બાદ વિભાગ દ્વારા તેને પાછી ખેંચી લેવામાં આવી હતી. ગુજરાતનાં પ્રવાસન નિગમનાં એમડી જેનુ દેવને કહ્યું હતું કે, ભવિષ્યમાં આ મામલે સાવચેતી રાખવામાં આવશે. વન, પ્રવાસન વિભાગ વચ્ચે સંકલનનો અભાવ
જોકે આ છબરડાં પહેલી વારના નથી.

ભૂતકાળમાં પ્રવાસન વિભાગે તેનાં લોગો પર રાજ્યના ગૌરવ તરીકે આફ્રિકન સિંહને દર્શાવ્યા હતા. વન વિભાગના એક વરિષ્ઠ અધિકારીએ જણાવ્યું હતું કે, ગયા વર્ષે પ્રવાસન વિભાગે આવા જ છબરડાં સાથે સોશિયલ મીડિયા પર અભિયાન ચલાવ્યું હતું.

તેઓ ગુજરાતના જંગલમાં શાહમૃગ કેવી રીતે બતાવી શકે અને તે પણ ગીરમાં? તેઓ વન વિભાગને લૂપમાં રાખ્યા વિના જાહેરાતો કરતા હોય તેવું લાગે છે તેમ અધિકારીએ કહ્યું હતુ.

ગીરના એક વરિષ્ઠ અધિકારીએ આ વિડીયો વિશે કહ્યું કે એવું લાગે છે કે વિડીયોની સામગ્રી આડેધડ રીતે ઓનલાઇન મેળવવામાં આવે છે. જે એ પણ દર્શાવે છે કે વન અને પ્રવાસન વિભાગ વચ્ચે કોઈ સંકલન નથી. ગીર અભયારણ્યમાં શાહમૃગ નથી.

અધિકારીએ ઉમેર્યું હતું કે,વીડિયો બનાવનાર વ્યક્તિએ ધાર્યું હશે કે શાહમૃગનું લેન્ડસ્કેપ ગીરનું હતું.અધિકારીએ વધુમાં જણાવ્યું કે હું ગાંધીનગરમાં હતો ત્યારે મેં પ્રવાસન વિભાગના અધિકારીઓને તેમના દ્વારા હાથ ધરાતાં અભિયાનોના તથ્યોની ચકાસણી કરાવવા જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે, જો પ્રચાર સામગ્રી પહેલા વન વિભાગનાં ધ્યાન પર મુકાઇ હોત તો આવી ભૂલ થતી અટકાવી શકાઇ હોત.

Your email address will not be published. Required fields are marked *