ગુજરાત ‘ હર ઘર તિરંગા‘ અભિયાન હેઠળ એક કરોડ રાષ્ટ્રધ્વજ ફરકાવશે

| Updated: August 1, 2022 12:09 pm

કેન્દ્ર સરકાર દ્વારા આઝાદી કા અમૃતોત્સવના 75 વર્ષની ઉજવણીના અભિયાનમાં ગુજરાત પણ જોરશોરથી ફાળો લઈ રહ્યું છે. આના સંદર્ભમાં જ ગુજરાત ‘ હર ઘર તિરંગા‘ અભિયાન હેઠળ એક કરોડ રાષ્ટ્રધ્વજ ફરકાવશે.

ગુજરાત સરકારે તેની સત્તાવાર યાદીમાં જણાવ્યું હતું કે 13થી 15 ઓગસ્ટ દરમિયાન લોકો તેમના ઘર અને ઓફિસ પર રાષ્ટ્રધ્વજ ફરકાવશે, સરકારી ઇમારતો અને સરકારી ઓફિસરોના ક્વાર્ટરો અને ઘરો પર પણ તિરંગો ફરકાવવામાં આવશે.

ગુજરાતમાં સાત સ્થળોએ રાજ્ય સરકાર સત્તાવાર કાર્યક્રમો યોજશે. આ સ્થાન ભારતીય સ્વતંત્રતા ચળવળ સાથે પણ જોડાયેલા છે. ભાવનગર, સુરત, અમદાવાદ, પોરબંદરમાં કીર્તિમંદિર, નર્મદામાં સ્ટેચ્યુ ઓફ યુનિટી અને નવસારીમાં દાંડી ખાતેને સોલ્ટ સત્યાગ્રહ મેમોરિયલ અને કચ્છમાં શ્યામજી કૃષ્ણવર્મા મેમોરિયલની પસંદગી કરવામાં આવી છે.

ભાવનગરની પસંદગી એટલા માટે કરવામાં આવી છે, કારણ કે સામાજિક કાર્યકર અને મહાત્મા ગાંધીના અનુયાયી ઠક્કર બાપા ભાવનગર જિલ્લાના વતની હતા. આ જ રીતે અસહકાર ચળવળ અને ભારત છોડો ચળવળમાં ભાગ લેનારા જાણીતા ગાંધીવાદી ડો. ઉષા મહેતા સુરતના વતની છે. અમદાવાદમાં પણ સ્વતંત્રતા સંગ્રામ સાથે અનેક સ્થળો સંકળાયેલા છે, એમ આ યાદીમાં જણાવાયું હતું.

સરકાર દ્વારા તેને લઈને પહેલી ઓગસ્ટથી જ જોરશોરથી અભિયાન છેડવામાં આવ્યુ છે. રાજ્યના લગભગ દરેક જિલ્લાના સરકારી અધિકારીઓને તેના માટેની તૈયારીમાં લાગી જવા જણાવાયું છે. જ્યારે દરેક જિલ્લાના શિક્ષણ અધિકારી (ડીઇઓ)ને સૂચના આપવામાં આવી છે કે દરેક સરકારી શાળા પર 13થી 15 ઓગસ્ટ દરમિયાન રાષ્ટ્રધ્વજ લહેરાય. તેની સાથે દરેક સરકારી ઇમારતો એટલે કે પંચાયતથી લઈને દરેક મ્યુનિસિપલ ઓફિસો અને રાજ્ય સરકારની કચેરીઓ પર પણ આ ત્રણ દિવસ દરમિયાન તિરંગો લહેરાવવા માટે કહેવામાં આવ્યું છે. રાજ્યના દરેક નાગરિકમાં રાષ્ટ્રવાદની ભાવના પ્રબળ બને તે હેતુથી સરકાર દ્વારા આ પગલું ભરવામાં આવ્યું છે.

Your email address will not be published.