ગોવાના ગુજરાતી : એક ઝાંખી

| Updated: September 17, 2021 8:59 pm

શાંતિ અને અને ગુણવત્તાસભર જીવનની કામનાથી છેલ્લી પોણી સદીના સમયમાં, અનેક દેશી વિદેશી લોકો વતન છોડી ગોવામાં વસવાટ કરવા પ્રેરાયા છે. વસ્તી ગણતરીના છેલ્લા આંકડા અનુસાર, ગોવા, નોકરી-ધંધાની તલાશમાં આવેલા અમદાવાદ, કચ્છ તેમ જ સુરતથી આવીને વસેલા 6,000 વૈષ્ણવ, જૈન અને અન્ય ગુજરાતીઓનું ઘર છે. 

ઇતિહાસ કહે છે કે આદિલ શાહના સમયમાં ગુજરાતીઓને ગોવા આવ્યા. ગુજરાતીઓ શરૂઆતમાં મસાલા, કાપડનો વેપારમાં પ્રવુત્ત હતા અને બાદમાં ખાણકામ ઉદ્યોગમાં પણ ઝુકાવ્યું. વેપારકુશળ ગુજરાતીઓને પોર્ટુગીઝ સાથે પણ સારું ફાવ્યું. આવી રીતે, પારેખ, મગનલાલ અને મહેતા જેવા કેટલાક પરિવારોએ ગોવામાં સફળતાની કેડી કંડારી. એમના વારસદારોને આજે એમના પેઢીગત વ્યવસાયની ધૂરા સંભાળતા જોઈ શકાય છે. 

ગુજરાત-ગોવા સંગમની કથા  

ખાખરાપ્રેમી ગુજરાતીઓએ આ સ્વર્ગીય ધરતી પર કેવી રીતે ડગ માંડ્યા એ સમજવા માટે 1900ના દાયકામાં ડોકિયું કરવું પડશે. બાબુલાલ ઝવેરી તે સમયે શાંતિ અને અલબત્ત,સમૃદ્ધિની શોધમાં ગોવા પહોંચ્યાં અને પણજી શહેર વચ્ચે ફળોના નાના સ્ટોલથી શરૂઆત કરી. કહેવાય છે કે આ શહેરની મસાલેદાર ખુશ્બુ મહેકાવતી હવા જ કોઈને પણ પ્રેમના તાલે થીરકવા મજબુર કરી દે છે, અને બાબુલાલ સાથે પણ એવું જ બન્યું .ગોવાની એક નમણી નાર સાથે પ્રેમમાં પડીને બંને એકબીજાને પરણી ગયા. થોડા સમયમાં જ નાના સ્ટોલે એક મોટા લોજ- રેસ્ટોરન્ટનું સ્વરૂપ લઇ લીધું જેને આજની તારીખે એમની ત્રીજી પેઢી ચલાવે છે. 

મેગસનના માલિક : કિરીટ મગનલાલ 

જો વ્યક્તિ વિશ્વભરના સ્વાદિષ્ટ ખોરાકની ચાહક હોયતો એણે ઓછામાં ઓછા એક વખત મેગસન્સ સ્ટોરની મુલાકાત લીધી જ હશે. જોકે, બહુ ઓછા લોકો જાણે છે કે મેગસન્સના સીઇઓ કિરીટ મગનલાલ એક એવા ગુજરાતી છે જેમનો પરિવાર દાયકાઓ પહેલા ગોવામાં સ્થાયી થયો હતો. તેમના પરિવારની વ્યવસાયિક પ્રવૃત્તિ ખોરાકને છોડીને ઘણા ક્ષેત્રોમાં હતી. કિરીટ મગનલાલનો ખોરાક પ્રત્યેની ચાહના કારણે તેમણે લગભગ 25 વર્ષ પહેલા પોતાનો સુપરમાર્કેટ રિટેલ બિઝનેસ શરૂ કર્યો. તેમણે સ્થાનિક સ્ત્રી એન્ડ્રીયા સાથે લગ્ન કર્યા છે, જે મેગસન્સ ગ્રુપમાં મેનેજિંગ પાર્ટનર પણ છે. તેમનું યુગલ ભારતની સુંદર અને વૈવિધ્યસભર સંસ્કૃતિનું એક ઉમદા ઉદાહરણ છે. 

સફળતાનું સ્ટેશન : સ્ટેશનરીની સફળતા  

કચ્છી ભાઈ -બહેન મનોજ અને કીર્તિ જેઠવા સ્ટેશનરી સ્ટોર ચલાવે છે. મનોજ કહે છે કે તેમના દાદા પહેલા ગોવા આવ્યા ત્યારે તેમણે મોટી લોટરી જીતી હતી. એમણે  ગોવામાં સુકામેવાની દુકાન ખોલી જે ખુબ ચાલી અને ગોવાની મુક્તિ પછી  ભાંગી. ભારે આર્થિક નુકસાન છતાં કુટુંબ મુશ્કેલીઓમાંથી બહાર તરી આવ્યું મક્કમ નિર્ધાર સાથે બીજું સાહસ શરુ કર્યું. મનોજના પિતાએ  માપુસા કોર્ટ પાસે સ્ટેશનરીની દુકાન શરૂ કરી. મનોજ અને કીર્તિ તેમના પિતા સાથે જોડાયા અને સેન્ટ ઝેવિયર્સ કોલેજ પાસેના ઢાળ  પર બીજો સ્ટોર ખોલ્યો. 

ગુજરાતમાં રહેતા પરિવાર સિવાય આ બંને અહીં રહે છે. VoI ની સાથે વાત કરતા મનોજ કહે છે કે એમને ગુજરાતી ભોજનની તલબ રહે છે અને દર છ મહિને કચ્છની મુલાકાત લઇ પરિવારને મળે જ છે. કોરોનકાળ દરમિયાન તેમણે જે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો તે વિશે પૂછવામાં આવતાં એમણે સ્મિત કર્યું, “હું એક બહારની વ્યક્તિ છું અને મને હંમેશા સ્થાનિક લોકો સાથે વાત કરવી મુશ્કેલ લાગે છે કારણ કે હું કોંકણી (સ્થાનિક ભાષા) સમજી શકતી નથી, પરંતુ ગોવાનીઝ લોકો એવા આશ્ચર્યજનક અને અતિથિભાવ વાળા છે કે આપણી ખામીઓ હોવા છતાં ક્યારેય આપણી મજાક ઉડાવતા નથી અને તેના બદલે મારા ભાઈ અને મને સમજવાના પ્રયત્નો કરે છે. ” તેમણે એમ પણ કહ્યું કે, દુકાનના માલિકે તેમના માટે થોડા મહિનાનું ભાડું માફ કરી દીધું હતું.. સંપૂર્ણ લોકડાઉન દરમિયાન જ્યારે આવક શૂન્ય થઇ ગઈ હતી એવામાં તેમને તેમના ભાડાના મકાનમાં રહેવાની પણ ચાલુ રખાયું હતું. 

જ્યારે તેમને પૂછવામાં આવ્યું કે તે બેમાંથી કયા રાજ્યને સૌથી વધુ ચાહે છે, ત્યારે કીર્તિએ જવાબ આપ્યો, “ગુજરાતમાં મારા મૂળીયા છે અને તે હંમેશા રહેશે જ , પરંતુ ગોવા તે જગ્યા છે જ્યાં અમે અમારી પાસે છે એ બધું જ ઉભું કર્યું છે. અમને અહીંની આબોહવા, અને શાંતિ ગમે છે; ભોજન લિજ્જતદાર અને સ્વાદિષ્ટ છે. ગુજરાત મારી જન્મભૂમિ છે અને આ મારી કર્મભૂમિ છે, મને બંને માટે આદર છે.” 

રોજિંદા જીવન માટે જરૂરી :ગોવાની સંસ્કૃતિ સાથે તાલમેલ 

ગુજરાતીઓ તેમના સુદ્રઢ સાંસ્કૃતિક મૂળ માટે જાણીતા  છે, ખાસ કરીને તેમની રાંધણકળા જે ગુજરાતના એક ભાગથી બીજા ભાગમાં સાવ અલગ છે. દાખલા તરીકે, જ્યારે કચ્છી લોકો તેમના ભોજનને થોડું મસાલેદાર પસંદ કરે છે ત્યારે સુરતી લોકો થોડું મીઠુ. પ્રદેશ પ્રમાણે સ્વાદનો સંબંધ સમગ્ર ગુજરાતમાં વ્યાપકપણે જોવા મળે છે. જ્યારે વડોદરા (મધ્ય ગુજરાત) માં તમને ખોરાકમાં સંપૂર્ણ મિશ્રણ મળશે. ગોવામાં પાકું ગુજરાતી ભાણું મળવું અઘરું છે. સંસ્કૃતિની વાત કરીએ તો, ગોવામાં ગુજરાતના વિવિધ સમાજના જૂથો કાર્યરત છે અને દરેકના હજારો સભ્યો તેમની આગવી ઓળખ જાળવવા તેમજ તેમની સંસ્કૃતિને જીવંત રાખવા માટે સાથે મળીને કામ કરે છે. 

“જ્યારે હું પહેલીવાર અહીં આવ્યો ત્યારે મને ખોરાકને કારણે એડજસ્ટ થવું ખૂબ જ મુશ્કેલ લાગ્યું. મને ગુજરાતમાં હંમેશા બહારનું ખાવાનું પસંદ હતું. શુદ્ધ શાકાહારી પરિવારમાંથી હોઈ મેં ક્યારેય માંસ ખાધું નથી, પરંતુ અહીં માંસ સ્થાનિક લોકોના ભોજનનો મહત્વનો ભાગ છે. એટલે જ તો તમને તમારી નજીકમાં ભાગ્યે જ કોઈ શુદ્ધ શાકાહારી રેસ્ટોરન્ટ મળશે. ઘણાં વર્ષો પછી, મેં એકવાર માછલીનો સ્વાદ ચાખ્યો અને મને તેનો સ્વાદ ગમ્યો. આનાથી મને એવું લાગ્યું કે મારે નોન-વેજ ફૂડ ટ્રાય કરવું જોઈએ. હવે, મને એ ખાવામાં વાંધો નથી આવતો. પોર્વોરીમના રહેવાસી રશ્મિ શાહ કહે છે કે, પરિસ્થિતિ સાથે સમાધાન એ જીવનનો નિયમ છે. 

રાજકારણમાં શું ગોવાની ગત ગુજરાતની થશે ? 

 ગોવા એ શ્રેષ્ઠ ઉદાહરણ છે કે કેવી રીતે બહુમતી કેથોલિક અને હિન્દુઓ એક સાથે વસે છે અને પોતાના મતભેદોનું સમાધાન કેળવે છે અને સાથે સાથે મુસ્લિમ, જૈન અને પારસી જેવી લઘુમતી કોમ સાથે સામંજસ્ય બનાવી રાખે છે. અહીં, ગૌમાંસ કાયદેસર છે, અને તેને ગોવાના માનીતા ભોજન તરીકે પણ ગણવામાં આવે છે. તદુપરાંત, તમે રોડની પડખે વિવિધ માંસની વાનગીઓ વેચતા ફેરિયા પણ જોઈ શકશો. બીફ, મટન અને માંસની અન્ય વાનગીઓના ઉલ્લેખ વિના અહીં રેસ્ટોરન્ટનું મેનુ કદાચ અધૂરું ગણશે. જો આપણે આની સરખામણી રાષ્ટ્રીય રાજકારણ અને બીફ પર ભાજપના વલણ સાથે કરીએ, તો સ્થિતિ તદ્દન અલગ છે. તમામ રાજકીય પક્ષોએ “બીફ કાર્ડ”નો ખેલ કર્યો છે. વાઈબ્સ ઓફ ઇન્ડિયાએ 25 વર્ષ બોમ્બેમાં મિડ-ડે અને ડેબોનેર માટે કામ કરનાર ગુજરાતી મૂળના પત્રકાર તારા નારાયણને ગોવામાં હિન્દુત્વની રાજનીતિ વિશે પૂછ્યું ત્યારે તેમણે કહ્યું, “હિંદુ ધર્મ એ એક જીવન જીવવાની રીત છે , તે આપણને નીષ્ઠા અને પરજીવ પ્રત્યે પ્રેમ શીખવે છે. શાસક પક્ષ હિંદુ ધર્મનું એવું સંસ્કરણ થોપવા પ્રયાસ કરી રહ્યો છે જેસંકીર્ણ છે અને ધર્મનું ખોટું ચિત્ર રજૂ કરે છે.” 

“ગોવા એક અદ્ભુત રાજ્ય છે જ્યાં તમને વિવિધ સંસ્કૃતિના લોકો શાંતિપૂર્ણ સહજીવન જીવતા જોવા મળશે. તમે એક હિન્દુને નાતાલ અને કેથલિકોને હોળી અને દિવાળીની ઉજવણી કરતા જોશો. મારા પતિ પોતે કેરળના છે, અને વાત કરી શકવા માટે મેં અહીં પૂરતા વર્ષો વિતાવ્યા છે કે અહીં જેવું પહેલા હતું એવું નથી રહ્યું . સંઘી વિચારસરણીના ઘણા લોકો ઉત્પીડિત હોવાની માનસિક સંકુલતા ધરાવે છે, પરંતુ સારું છે કે અહીં નફરતની જડ ફેલાઈ નથી. લોકોનો આભાર કે તેઓ વ્યવસ્થા અને બંધારણમાં વિશ્વાસ રાખે છે. અહીં કોઈ લિંચિંગની ઘટના થઇ નથી અને હું ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ તે ન થાય” એમણે ઉમેર્યું. 

 જ્યારે તેમને ગુજરાતનું શું શું વધુ યાદ આવે છે એવું પૂછ્યું ત્યારે તારાએ જવાબ આપ્યો, “મને ખરેખર મરચાંના પાવડર અને તેલ સાથે ગરમાગરમ પાપડી ના લોટની બહુ યાદ આવે છે. મારી માતા મારા બાળપણના દિવસોમાં મારા માટે તે બનાવતી હતી. એવું મન થાય છે કે કચ્છની આગલી ફ્લાઈટ પકડી લઉં અને એક જ વારમાં બધી સ્વાદિષ્ટ વસ્તુઓ ખાઈ લઉં . ” 

Your email address will not be published. Required fields are marked *