કેનેડામાં ગુજરાતના જશને જશ મળ્યોઃ અંડર-19 ક્રિકેટ ટીમનો બન્યો કેપ્ટન

| Updated: June 30, 2022 4:58 pm

કેનેડામાં રહેતા ભારતીય મૂળના ગુજરાતી જશ શાહને અનોખો જશ મળ્યો છે. મૂળ ગુજરાતના નવસારીના વતની જશ શાહને કેનેડાની અંડર-19 ક્રિકેટ ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો છે. આ ઉપરાંત બીજા ક્રિકેટર સિદ્ધ લાડની પણ પસંદગી થઈ છે.  નવસારીના વતની અને રોટરી સંસ્થા સાથે જોડાયેલા કાંતિભાઈ શાહના કુટુંબના આ પૌત્રનું હજી આઠ મહિના પહેલા જ ટીમમાં સિલેકશન થયું હતું. હવે તે કેનેડાની અંડર-19 ટીમનું નેતૃત્વ કરશે.

મૂળ નવસારીના અને પણ કેનેડામાં 17 વર્ષથી સ્થાયી થયેલા શાહ પરિવારનો પૌત્ર વિદેશમાં પોતાની આગવી કેડી કંડારી રહ્યો છે. ક્રિકેટ ક્લબમાં અંડર-19 વર્લ્ડ કપ ટીમમાં આઠ મહિના પહેલા સિલેકશન થતાં કેનેડાથી લઈને નવસારી સુધી આનંદ વ્યાપી ગયો હતો. હવે ક્રિકેટમાં તેના શાનદાર દેખાવના પગલે કેનેડાના ક્રિકેટ અધિકારીઓએ નવસારીના જશ શાહની કેનેડાની ક્રિકેટ ટીમના કેપ્ટન તરીકે પસંદગી કરી છે. નવસારીમાં રહેતા કાંતિલાલ શાહનો પુત્ર હિમાંશુ શાહ કેનેડામાં મોટેલનો કારોબાર ચલાવે છે. તેમને એક દીકરો અને દીકરી છે.

આ પૈકી જશ શાહ હાલ બારમું ધોરણ પાસ કરીને બિઝનેસ ડિપાર્ટમેન્ટમાં અભ્યાસ કરે છે. તેને ક્રિકેટનો વારસો પણ પિતા પાસેથી જ મળ્યો છે. પિતાને પણ નાનપણથી જ ક્રિકેટ પ્રત્યે લગાવ હતો. તે જોઈ પુત્ર જશને પણ ક્રિકેટ પ્રત્યે લગાવ વધ્યો.

જશ શાહે સાત વર્ષ સુધી પુનામાં ક્રિકેટની સઘન તાલીમ લીધી હતી. જશ શાહ હવે અંડર-19 ક્રિકેટમાં કેનેડાની ધુરા સંભાળશે. આજે કેનેડામાં રહેવા છતાં પણ જશ તેના રમત અંગેના દરેક અપડેટ્સ તેના દાદાને પૂરા પાડે છે. જો કે આશ્ચર્યની વાત તો એ છે કે કેનેડાની અંડર-19 ટીમમાં કુલ 15 ખેલાડીઓમાં દસ ખેલાડીઓ તો ગુજરાતી જ છે. આમ હવે આ ગુજરાતી ક્રિકેટરો કેનેડામાં રહીને દેશનું નામ રોશન કરશે.

જશ શાહના દાદાએ તેમના પૌત્રની ઇનિંગ્સ યાદ કરતા જણાવ્યું હતું કે મારો પૌત્ર કેનેડામાં પણ ગમે તેવી સ્થિતિમાં ક્રિકેટની પ્રેક્ટિસ છોડતો ન હતો. તેણે એક સમયે તેની ટીમ વતી શાનદાર મેચ વિનિંગ ઇનિંગ રમી હતી. આ મેચમાં જશની ટીમ પરાજય તરફ ધકેલાતી હતી ત્યારે તેણે મેચવિનિંગ ઇનિંગ રમી હતી. તેણે 119 બોલમાં 12 ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી 117 રન ફટકારીને ટીમને જીતાડી હતી. કેનેડાનો કેપ્ટન બનવાની સાથે હવે તે ત્યાં ક્રિકેટનો નવો અધ્યાય આલેખશે.

Your email address will not be published.