મેડિકલ-પેરામેડિકલ કોલેજોનું નવી ફી માળખુ નક્કી ન થતાં વિદ્યાર્થીઓને હેરાનગતિ

| Updated: May 16, 2022 4:25 pm

અમદાવાદઃ મેડિકલ, ડેન્ટલ અને પેરામેડિકલ કોલેજોમાં સરકારની ફી રેગ્યુલેશન કમિટી દ્વારા દર ત્રણ વર્ષે નવું ફી માળખુ નક્કી કરવામાં આવે છે. પણ કોરોનાના લીધે મેડિકલ-પેરામેડિકલ કોલેજોની નવી ફી બે વર્ષથી નક્કી થઈ શકી નથી. આ વર્ષે પ્રવેશ લેનારા વિદ્યાર્થીઓ હાલ નવી ફી નક્કી ન હોવાથી હેરાન થઈ રહ્યા છે. ખાસ કરીને નર્સિંગમાં નર્સિંગમાં જૂની ફી પણ નક્કી નથી. તેનું કારણ સો જેટલી નવી કોલેજો છે અને કોલેજો વિદ્યાર્થીઓ પાસે ફી માંગી રહી છે, પરંતુ વિદ્યાર્થીઓને ખબર જ નથી કે કેટલી ફી ભરવાની છે.

મેડિકલ-પેરામેડિકલ વિવિધ કોર્સની ખાનગી કોલેજોની છેલ્લે 2017માં નવી ફી નક્કી કરવામાં આવી હતી. 2017-18, 2018-19 અને 2019-20નું ત્રણ વર્ષનું નવું ફી માળખુ નક્કી કરાયા બાદ 2021-22માં ત્રણ વર્ષ માટે નવી ફી નક્કી કરવામાં આવનાર હતી. ગયા વર્ષે ફી નક્કી કરી દેવી પડે તેમ હતી, પરંતુ એક વર્ષ બાદ હજી સુધી મેડિકલ-પેરામેડિકલ કોલેજોની નવી ફી નક્કી થઈ શકી નથી.

હાલ યુજી-પીજી મેડિકલ અને પેરામેડિકલના તમામ કોર્સમાં પ્રવેશ પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. 2021-22ના વર્ષના વિદ્યાર્થીઓએ પ્રવેશ લઈ લીધા બાદ ફીને લઈને વિદ્યાર્થીઓમાં મોટી મૂંઝવણ છે. મેડિકલમાં જીએમઇઆરએસની કોલેજોની ફી ગત જુલાઈમાં નક્કી કરી દેવાઈ હતી, પરંતુ અન્ય 15થી વધુ ખાનગી કોલેજોની ફી પ્રવેશ સમયે નક્કી ન હોવાથી ફી કમિટી દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બાંયધરી લેવાઈ હતી. આ મુજબ વિદ્યાર્થીઓ પાસેથી જૂની ફી લેવાઈ છે, પરંતુ ફી વધતા વિદ્યાર્થીઓએ ફી ભરવાની રહેશે.

મેડિકલ, ડેન્ટલ, આયુર્વેદિક અને હોમિયોપેથીમાં યુજી-પીજી અને ખાનગી કોલેજોની નવી ફી નક્કી કરવામાં આવી છે. પેરામેડિકલમાં નર્સિંગ, ફિઝિયોથેરપી સહિતના કોર્સની ખાનગી કોલેજોની ફી ફી રેગ્યુલેશન કમિટી નક્કી કરી શકતી નથી. નર્સિંગમાં 185 કોલેજોની ફી અને વિદ્યાર્થીઓએ કેટલી ફી ભરવાની તે પણ વેબસાઇટ પર પ્રવેશ સમિતિ દ્વારા દર્શાવવામાં આવ્યું નથી. આશ્ચર્યની વાત એ છે કે લાંબા સમયથી મેડિકલ કમિટીની બેઠક જ મળી નથી અને હજી પણ ક્યારે મળશે તે નક્કી નથી. આ સંજોગોમાં નવું ફી માળુ ક્યારે જાહેર કરવામાં આવશે તે પણ હજી સુધી સ્પષ્ટ થયું નથી. તેની સાથે તેના અંગેની સ્પષ્ટતાના અભાવે બધા વિદ્યાર્થીઓ હજી અંધારામાં અટવાય છે.

Your email address will not be published.