હાર્દિક પટેલની ભડાસઃ કોંગ્રેસની માનસિકતા ગુજરાતી અને હિંદુ વિરોધી

| Updated: May 19, 2022 2:06 pm

  • હાર્દિક પટેલના કોંગ્રેસ પર ચાબખા
  • કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ તરીકેનો હોદ્દો શોભાના ગાંઠિયા સમાન
  • કોંગ્રેસને સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ચીમનભાઈ પટેલ, નરહરિ અમીન, વર્તમાન વડાપ્રધાન, અદાણી-અંબાણી બધા ગુજરાતી સામે વાંધો
  • રામમંદિર, સીએએ, એનઆરસી મુદ્દે કોંગ્રેસ ક્યારેય હિંદુઓની તરફેણમાં આગળ આવી નથી
  • કોંગ્રેસ પોતે કોમવાદી છે અને જાતિવાદથી ભરેલો પક્ષ છે
  • કોંગ્રેસની દરેક આંતરિક નિમણૂકમાં જાતિવાદને પ્રાધાન્ય આપવામાં આવે છે, કોંગ્રેસને ચિંતન નહી ચિંતા કરવાની જરૂર

અમદાવાદઃ કોંગ્રેસની માનસિકતા ગુજરાતી અને હિંદુવિરોધી છે. આ જ કારણે ગુજરાતમાં કોંગ્રેસ સત્તામાં વનવાસ ધરાવે છે. કોંગ્રેસ એકદમ કોમવાદી અને આંતરિક રીતે જાતિવાદી પક્ષ છે, આ શબ્દો છે કોંગ્રેસમાંથી રાજીનામુ આપનારા ભૂતપૂર્વ કાર્યકારી વડા હાર્દિક પટેલના. હાર્દિક પટેલે કોંગ્રેસ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસની માનસિકતા ગુજરાતી વિરોધી છે અને તેનો ભોગ બન્યા છે સરદાર પટેલ, મોરારજી દેસાઈ, ચીમનભાઈ પટેલ, નરહરિ અમીનની સાથે હાલમાં અદાણી અને અંબાણી તથા દેશના વર્તમાન વડાપ્રધાન. નિરવ મોદી અને મેહુલ ચોક્સી જેવા કૌભાંડીઓ સામે પણ તેમને ફક્ત ગુજરાતી હોવાના લીધે જ વાંધો છે.

ફક્ત આટલુ જ નહી કોંગ્રેસની માનસિકતા હિંદુવિરોધી પણ છે. રામમંદિરનો મુદ્દો હોય, સીએએનો મુદ્દો હોય, એનઆરસીનો મુદ્દો હોય કે હાલમાં જ્ઞાનવાપી મસ્જિદની અંદર શિવલિંગ મળી આવ્યું હોય તે મુદ્દો હોય. કોંગ્રેસ ક્યારેય આ પ્રકારના મુદ્દે ખુલીને બહાર આવી નથી. કોંગ્રેસના નેતાઓ જાણે હિંદુઓની તરફેણમાં કોઈ નિવેદન આપતા ખચકાય છે. કદાચ હિંદુ વિરોધ તે કોંગ્રેસની એક લાઇન છે. કોંગ્રેસ પોતે કોમવાદી અને જાતિવાદી પાર્ટી છે. કોંગ્રેસ જાતિવાદનું રાજકારણ સત્તા માટે તો રમે જ છે, પરંતુ તે પોતે પણ કોમવાદ અને જાતિવાદથી ભરેલી છે. કોંગ્રેસની અંદરની પણ દરેક નિમણૂકોમાં આ જાતિવાદ હાવી રહે છે. હવે મને લાગે છે કે મેં મારા રાજકીય જીવનના ત્રણ વર્ષ કોંગ્રેસ પાછળ બગાડ્યા છે. તેથી આ પહેલા મેં કોંગ્રેસ માટે લોકો સમક્ષ મેં સમર્થન માંગ્યું હતું તે બદલ હું ગુજરાતની જનતાની માફી માંગું છું.

હાલમાં કોંગ્રેસ પાસે ફક્ત બે જ રાજ્યમાં સત્તા છે, છતાં પણ રાહુલ ગાંધી ગુજરાત કોંગ્રેસના વિધાનસભ્યોને સાડા ચાર વર્ષે મળ્યા છે. પછી આ પક્ષ પાછો ગુજરાતમાં સત્તા પર પાછા ફરવાના સ્વપ્ન જુએ છે, ક્યાંથી મેળ પડે.
સત્તાની વાત તો જવા દઈએ કોંગ્રેસે ગુજરાતમાંથી સત્તા પર બહાર થયાના 25 વર્ષ દરમિયાન લોકોને સ્પર્શતા કોઈ મુદ્દા પણ નથી ઉઠાવ્યા. બધા પત્રકારોને ખબર હશે કે ગુજરાતમાં છેલ્લા વીસ વર્ષમાં કોંગ્રેસનો કયો નેતા પ્રજા માટે આંદોલન કરીને જેલમાં ગયો છે, એક પણ નહી. કોંગ્રેસ વિરોધ પ્રદર્શન કરે છે તો પણ તે પોલીસ સાથે સેટિંગ કરીને કરી છે. ભાઈ હાલમાં પકડી લે જે અને થોડા કલાક પછી થોડી દે જે. કોંગ્રેસને સેટિંગ અને પૈસા ખાવા સિવાય કોઈ રસ નથી. તાજેતરમાં જ રાહુલ ગાંધી દાહોદમાં આવ્યા હતા, સભા 25 હજારની થઈ હતી અને બિલ 70 હજારનું બન્યુ હતુ. આમ ઉપરથી પણ આવેલા પૈસામાં મલાઈ ખવાઈ ગઈ. કોંગ્રેસના નેતા મલાઈ ખાવામાંથી ઊંચા આવે તો લોકોના હિત માટે વિચારેને.
કોંગ્રેસને વાસ્તવમાં કશું કરવું જ નથી, બસ ફક્ત ટોચના પાંચ સાત નેતાઓ તેમના સેટિંગ ગોઠવી જાય છે. મને કોંગ્રેસે કાર્યકારી અધ્યક્ષ બનાવ્યો, પણ આટલા વર્ષમાં કાર્યકારી અધ્યક્ષ તરીકે મારી કોઈ જવાબદારી જ નક્કી કરી નથી. કોંગ્રેસમાં હું પત્રકાર પરિષદ કરું તો તે પણ મારે મારા ખર્ચે કરવી પડતી. કોંગ્રેસના મીડિયા ઇન્ચાર્જ મારી પ્રેસનોટ આગળ ધપાવવા સુદ્દાની તસ્દી લેતા ન હતા. આ છે કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ તરીકેની મારી સ્થિતિ. આમ કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષનો હોદ્દો શોભાના ગાંઠિયા સમાન છે.

કોંગ્રેસ કેવી રીતે ચાલે છે તે જોવું હોય તો રાજીવ ગાંધી ભવનમાં આવીને જોઈ જાવ. તમને સમજાઈ જશે કે કેવી રીતે કોંગ્રેસ ચાલે છે. મીટિંગ કરી, હેલો હાય કર્યુ, ભજિચા ખાધાને છૂટા પડ્યા. પ્રજાના પ્રશ્નોની કોઈ વાત નહી, લોકોને સ્પર્શતા મુદ્દા કેવી રીતે ઉઠાવવા, કેવી રીતે રજૂ કરવા, કેવી રીતે મીડિયા સમક્ષ લઈ જવા તેની કોઈ વાત નહી. આમ તે કંઈ ખાલી ભજિયા ખાઈને કેવી રીતે સત્તા મળી. હાલમાં સત્તા પર બેઠેલા ભાજપે કેટલી આક્રમકતાથી લોકોના મુદ્દા ઉઠાવ્યા છે તે આપણે બધા જાણીએ છીએ ત્યારે આજે તેમને સત્તા મળી છે. કોંગ્રેસને વાસ્તવમાં કશું કરવું જ નથી.

રાહુલ ગાંધી જેવા મોટા નેતા આવવાના હોય તો સામાન્ય રીતે પ્રજાના પ્રશ્નોનો મોટો કાર્યક્રમ બનવો જોઈએ અને તેમની સમક્ષ ગુજરાતની પ્રજાને સ્પર્શતા આટલા મુદ્દાઓ છે તેને ઉઠાવવાની ચર્ચા થવી જોઈએ, તેના બદલે અહીં તો રાહુલ ગાંધી માટે કયા પ્રકારની સેન્ડવિચ લાવવી તેની ચર્ચા થાય છે. આ સંજોગોમાં કોંગ્રેસ ક્યાંથી ઊંચી આવે.
કોંગ્રેસને એવું થઈ ગયું છે કે લોકો ભાજપથી થાકશે ત્યારે તેમની પાસે જ આવશે ને. તેથી તેઓ સત્તા માટે પોતાને ઓટોમેટેડ પસંદગી માને છે. તેથી તેમને મહેનત કરવી જ નથી. મારા જેવું બીજું કોઈ મહેનત કરવા માંગતુ હોય તો કરવા દેવી નથી. કોંગ્રેસે પ્રજાકીય પ્રશ્નોને લઈને ફક્ત ગુજરાતમાં જ નહીં બીજે ક્યાંય જનઆંદોલન જગાવ્યુ છે ના જરા પણ નહી.
કોંગ્રેસમાંથી કોઈપણ જાય તેમને કશી પડી નથી. હું તો નીકળી ગયો છું, મારા પહેલા સિંધિયા ગયા, સુનીલ જાખર ગયા, હમણા ઇન્દ્રનીલ રાજ્યગુરુ ગયા, બંગાળમાંથી સુશ્મિતા ગયા, આસામમાંથી પણ કોંગ્રેસના પ્રદેશ પ્રમુખ ગયા. તેમને કશાની પડી નથી. હજી પણ ગુજરાત કોંગ્રેસમાંથી બીજા કેટલાય જશે તો પણ તેમને તેમની નહી પડી હોય. કોઈપણ વ્યક્તિ જવાથી કોઈ પક્ષ અટકતો નથી, પણ તેના જવાના લીધે પક્ષના કાર્યકરોનો જુસ્સો ઘટે છે તે હકીકત છે. આના લીધે તો દેશમાં કોંગ્રેસ બધે દેખાતી બંધ થઈ ગઈ છે. પક્ષ છોડનારા દરેક જણને બીજા પક્ષને વેચાઈ ગયો તેવું કહેવાના બદલે કોંગ્રેસે ક્યારેક તેમ પણ વિચારવુ જોઈએ કે આટલા બધા લોકો કેમ પક્ષ છોડીને જતા રહ્યા.


કોંગ્રેસની ચિંતનશિબિર અંગે તેમણે કહ્યું હતું કે તેમને ચિંતનની નહી ચિંતા કરવાની જરૂર છે. તેઓએ તે જોવાની જરૂર છે કે કોંગ્રેસ કેમ સતત પ્રજાલક્ષી કાર્યક્રમો આપવામાં નિષ્ફળ જઈ રહ્યા છે. દેશમાં મુદ્દાઓની કમી નથી તો પછી કેમ મુદ્દાઓ ઉઠાવવામાં તે નિષ્ફળ જઈ રહ્યા છે. તે સત્તાની વાત તો જવા દો પણ મજબૂત વિપક્ષ પણ કેમ બની શકતા નથી. ફક્ત શાસક પક્ષને અપશબ્દો કહેવાથી કે કોઈને તેના એજન્ટ બનાવી દેવાથી કશું ન થાય. તેના માટે આક્રમકતાથી પ્રજાને સ્પર્શતા કાર્યક્રમો હાથ ધરવા પડે. કોંગ્રેસે તેની ચિંતનશિબિરમાં અપનાવેલી ફોર્મ્યુલા અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે કોંગ્રેસ અગાઉ પણ આવી ફોર્મ્યુલાઓ આપી ચૂકી છે. 2017માં પણ ફોર્મ્યુલા હતી અને 2012મા પણ ફોર્મ્યુલા હતી. પણ તેનો અમલ થતો નથી, એટલે તો નરહરિભાઈએ પક્ષ છોડવો પડ્યો.
પક્ષ છોડવાના લીધે કોંગ્રેસે તેમને તકવાદી ગણાવ્યા તે અંગે હાર્દિક પટેલે જણાવ્યું હતું કે બધા જાણે છે કે તકવાદી કોણ છે. કોંગ્રેસથી વધારે તકવાદી બીજુ કોઈ નથી. કોંગ્રેસે 2017માં મારો ઉપયોગ કરી લીધો અને 2022માં હવે નરેશ પટેલનો ઉપયોગ કરવા માંગે છે. મેં નરેશ પટેલને મળીને કોંગ્રેસથી આંતરિક સ્થિતિથી માહિતગાર કર્યા છે.


કોંગ્રેસ કહે છે કે ભાજપ હાર્દિકમાં જોડાવવાનો છે તે અંગે હાર્દિકે જણાવ્યું હતું કે હજી મેં પોતે આ નિર્ણય કર્યો નથી, પણ તેની તેમને કેવી રીતે ખબર. જો કે તેઓ પક્ષ છોડીને જનારા દરેક જણ માટે આ પ્રકારના વિશેષણ આપતા રહે છે. મેં હજી સુધી કોઈપણ પક્ષ સાથે જોડાવવાનો નિર્ણય લીધો નથી અને મારો જે પણ નિર્ણય હશે હું તે જણાવીશ. છેલ્લા છ મહિનાથી ભાજપના નેતાઓના સંપર્કમાં હોવાના કોંગ્રેસના દાવા અંગે હાર્દિકે જણાવ્યું હતું કે મારા પર થયેલા કેસો પાછું ખેચવા માટે કોંગ્રેસને કશું કરવું નથી અને આ હું જાતે કરું તો કહે છે કે હું ભાજપના નેતાઓના સંપર્કમાં છું. હવે શું હું મારા પરના કેસો હટાવવા જાતે મહેનત પણ ન કરુ. જો એવું હોય તો કોંગ્રેસે તેના માટે મહેનત કરવી હતીને. આંદોલનના લીધે સરકારે જે-જે જેલોમાં મને મોકલ્યો અને મારા પર જે કેસ થયા તે બધા હું પોતે લડ્યો છું. કોંગ્રેસમાં કાર્યકારી અધ્યક્ષ થયા પછી પણ કોંગ્રેસે મને તેમા જરા પણ મદદ કરી નથી. તમારા ભાજપમાં પ્રવેશની સંભાવનાઓને લઈને તમારા જ કેટલાક ભૂતપૂર્વ સાથીદારો વિરોધ કરી રહ્યા છે તે અંગે હાર્દિકે જણાવ્યું હતું કે મારા આ ભૂતપૂર્વ સાથીદારોને હાર્દિક નામથી જ એલર્જી થઈ ગઈ છે.

Your email address will not be published.