હરિધામ સોખડા સ્તબ્ધઃ ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી હોવાનો પોલીસ કાર્યવાહીમાં ખુલાસો

| Updated: April 29, 2022 4:48 pm

વડોદરાઃ હરિધામ સોખડાનો વિવાદ શાંત પડવાનું નામ જ લેતો નથી. સંતોના વિવાદની વાત કોર્ટે પહોંચ્યા પછી હવે ગુણાતીત સ્વામીના અચાનક મૃત્યુએ બધાને સ્તબ્ધ કરી દીધા હતા. હવે તેમની હત્યા થઈ છે કે તેમણે આત્મહત્યા કરી છે તેનો જવાબ પોલીસે આપી દીધો છે. પોલીસ કાર્યવાહીમાં ખુલાસો થયો છે કે ગુણાતીત સ્વામીએ આત્મહત્યા કરી છે.

ગુણાતીત સ્વામીએ 27મી એપ્રિલ 2022ના રોજ તેમના રૂમમાં આત્મહત્યા કરી હતી. ગુણાતીત સ્વામીએ પોતાના રૂમમાં હૂંક પર લટકી આત્મહત્યા કરી હોવાનો પોલીસ તપાસમાં ખુલાસો થયો છે. ગુણાતીત સ્વામીએ પોતાના શરીરના વસ્ત્રના ગાતરિયાથી ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી હતી.

પોલીસે ગુણાતીત સ્વામીનું ગાતરિયુ, મોબાઇલ ફોન કબ્જે લીધા, આ સાથે ગુણાતીત સ્વામીના રૂમના બહારના સીસીટીવી ફૂટેજ પણ કબ્જે કર્યા છે. પોલીસ તપાસમાં ગુણાતીત સ્વામી ઘણા મહિનાઓથી તનાવમાં હોવાનું પણ ખૂલ્યું છે. તેઓએ અનેક વખત ભગવા વસ્ત્રો ત્યાગી સાંસારિક જીવનમાં પાછા ફરવાનો પણ વિચાર કરતાં હોવાનું ખૂલ્યું છે.

પોલીસે પ્રભુપ્રિય સ્વામી ગુણાતીત સ્વામીના પરિજનો, મંદિરના સેવકની પૂછપરછ કરી હતી. પોલીસે તેમણે લીધેલો અંતિમ નિર્ણય પાછળ કોઈ ગુનાહિત કાવતરુ હતુ કે નહી તેની પણ તપાસ શરૂ કરી છે. પ્રભુપ્રિય સ્વામીએ પોલીસ સમક્ષ લૂલો બચાવ કરતા જણાવ્યું હતું કે ગુણાતીત સ્વામીના પરિજનોના કહેવાથી આત્મહત્યાની વાત છૂપાવી હતી.

હરિધામ સોખડા મંદિરને લઈને આમ પણ વિવાદ થઈ રહ્યો છે. હરિધામ સોખડા સ્વામીનારાયણ મંદિરની ગાદીને લઈને બે સ્વામી અને તેના અનુયાયીઓના ભાગલા પડી ગયા છે. આ આખો મામલો કોર્ટમાં પહોંચ્યો છે. ગયા સપ્તાહે પણ આ સંદર્ભમાં કોર્ટે સુનાવણી કરતા જણાવ્યું હતું કે જેને બહાર જવુ હોય તેને જવા દેવાય. તેના પછી સંતોનું એક જૂથ બાકરોલ ખાતેના સ્વામીનારાયણ મંદિરે ગયું હતું.

આ વિવાદની વચ્ચે હરિધામ સોખડા સ્વામિનારાયણ મંદિરમાં અચાનક જ ગુણાતીત સ્વામીના મૃત્યુએ બધાને ચોંકાવ્યા હતા. ગુણાતીત સ્વામીના મૃત્યુના સમાચાર વહેતા થવાની સાથે જ સમગ્ર દિવસ દરમિયાન તે જ ચર્ચા ચાલી હતી કે તેમનું સ્વાભાવિક મૃત્યુ થયું છે, આત્મહત્યા કરી છે કે તેમની કોઈ કારણવશ હત્યા થઈ છે. હવે પોલીસ રિપોર્ટ આવ્યા પછી સમગ્ર ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે.

Your email address will not be published.