હરિયાણામાં ફાયરિંગઃ આરોપીઓ અમદાવાદ પોલીસના સકંજામાં

| Updated: July 16, 2021 5:33 pm

અમદાવાદ પોલીસ દ્વારા શહેરમાં બનતા વિવિધ ગુનાઓનો ભેદ ઉકેલવા માટે અને નાસતા ફરતા આરોપીઓને પકડવા માટે ક્રાઈમબ્રાંચના અધિકારીઓ કાર્ય કરતા હોય છે. આવી જ રીતે અમદાવાદ પોલીસ દ્વારા હરિયાણાના નાગલ ચૌધરી પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા ગુનેગારોને શોધી જેલના હવાલે કરવાનું કામ અમદાવાદ પોલીસે કર્યું છે.

પ્રાપ્ત માહિતી મુજબ, તારીખ ૧૧ જુન,2021 ના રોજ બંને આરોપીઓ નયા ગાંવ ખાતે પોતાના મિત્ર વિશાલ રંગલાલ જાટના ઘરે ભેગા થયા હતા. જ્યાં વિશાલના બીજા ઓળખીતા મિત્રો પણ આવ્યા હતા. અચાનક મોડી રાત્રે રૂપસરાય ગામના રાજેશ જાટ અને ગાંવડી ગામના સુરેન્દ્ર અને બાકીના ઇસમો બોલેરો તથા બીજી ગાડીઓ લઈને પહોચ્યા હતા અને ફાયરિંગ કરવા લાગ્યા હતા. સામા પક્ષે એટલે કે વિશાલ જાટ, સતીષ દ્વારા પણ દેશી તમંચા દ્વારા ફાયરીંગ કરવામાં આવ્યું હતું.

ફાયરીંગ દરમિયાન આરોપી અનિલને જમણા હાથના ખભા પાસે તથા કમરમાં ગોળી વાગી હતી જયારે રાહુલ ઘટના સ્થળેથી નાસી છૂટ્યો હતો. સમગ્ર ઘટનાની પોલીસને જાણ થતાં તે ઘટના સ્થળે પહોચી હતી અને અનિલ તથા રાહુલ સામે ગુનો નોંધ્યો હતો. અનિલને સારવાર હેઠળ સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો પરંતુ સામસામે ફરિયાદ થઇ હોવાની જાણ થતાં તે હોસ્પિટલમાંથી નાસી છૂટ્યો હતો અને તેની સાથે રાહુલ પણ નાસીને અમદાવાદના નારોલ ખાતે આવેલા રશ્મિવિહાર સોસાયટીમાં મિત્રના ઘરે રહેવા લાગ્યા હતા.

અમદાવાદ પોલીસને આ અંગેની બાતમી મળતા તેઓ રશ્મિવિહાર સોસાયટી ખાતે પહોચ્યા હતા અને બંને આરોપીની ધરપકડ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટના અંગે નાગલ ચૌધરી પોલીસ સ્ટેશનને જાણ કરતા તેઓ નાસતાં ફરતા આરોપી હોવા અંગેની ખાતરી હોવાનો સ્વિકાર કર્યો છે.

Your email address will not be published.