મળો 81 વર્ષની ઉંમરે સ્ટાર્ટઅપ લોન્ચ કરનાર ગુજરાતી રોકસ્ટારને!

| Updated: June 24, 2021 10:57 pm

આજે મારા માટે સ્પેશિયલ દિવસ છે. આજે મારા હોમ આઈસોલેશનનો 463મો દિવસ છે. એ પણ મારા સ્વીટ હોમમાં. જે ગુજરાતના મહાનગર અમદાવાદમાં આવેલું છે. 

1 માર્ચ 2020ના રોજ હું લંડનથી ઈન્ડિયા આવ્યો હતો. એ પહેલા હું વેનિસમાં રજાની મજા માણતો હતો, જે મારૂં સૌથી ફેવરિટ સ્થળ છે. પણ છેલ્લા કેટલાક દાયકાથી મારો સમય લંડન, ન્યૂયોર્ક અને અમદાવાદમાં જ પસાર થયો છે. હું જ્યારે અમદાવાદ આવ્યો ત્યારે વિચાર્યું હતું કે, હું ઈન્ડિયામાં ત્રણ અઠવાડિયા સુધી રહીશ, સમય પસાર કરીશ, રજામાં મજા કરીશ અને મારા આખા પરિવારને મળીશ. 

પણ નસીબને કંઈક બીજું જ મંજૂર હતું. કિસ્મતે મારા માટે એકદમ અલગ વિચાર્યું હતું. માર્ચ 2020માં કોરોના વાયરસે ભારતમાં કહેર મચાવ્યો. જેના કારણે ન્યૂયોર્ક અને લંડનની સ્થિતિ પણ ભયાનક થઈ ગઈ. એટલે મેં નક્કી કર્યું કે, ઘરમાં જ રહેવું છે. 

આ નિર્ણય કર્યો એને આજે 463મો દિવસ થયો છે. હું મુલાકાતીઓ મળવા આવે તો મળતો નથી. ડબલ માસ્ક પહેરૂ છું અને જ્યારે પણ કોઈને મદદ કરવાની થાય કે રસોઈ કરવાની થાય ત્યારે ફેસશિલ્ડ પહેરૂ છું. લોકડાઉનનો પહેલો તબક્કો તો જાણે ગુજરાતમાં તાળાબંધી કરી દીધી હોય એવો પસાર થયો. ભારત  ગંભીર રીતે કોરોનાને કારણે અસરગ્રસ્ત થયો. પણ મેં એટલી કેર કરી છે કે, હું હાથ સેનિટાઈઝ ન કર્યા હોય ત્યાં સુધી મોબાઈલ ફોન પણ અડતો નથી. હવે આને વેવલાવેડા કહો કે તકેદારી? એ મને નથી ખબર.

આ સમયમાં મેં થોડું જિંદગી વિશે વિચારવાનું શરૂ કર્યું. એક ચંચળતા, સુંદરતા, એક રહસ્ય પણ આ મહામારી વચ્ચે ફરીથી આ લાઈફ પ્રત્યે મને પ્રેમ થઈ ગયો.

સૂર્યોદયની પહેલી કિરણ સાથે હું જાગી જાવ છું. દરરોજ 10000 થી પણ વધુ પગલાં ચાલું છું. યોગા કરૂ છું, પ્રણાયામ કરૂ છું, આરોગ્યપ્રદ જમું છું અને રાત્રે વહેલો પોઢી જાઉં છું. ઊંઘ સારી આવે  છે, ભૂખ સારી લાગે છે અને ફરીથી સવારે એક નવા જોશ અને ઉત્સાહ સાથે ઊઠી જાવ છું. જે ખરેખર આપણી સાચી સંપત્તિ છે. 463 દિવસ થયા આ આઈસોલેશનને પણ એક પણ ક્ષણ એવી નથી ગઈ કે, મને કંટાળો આવ્યો હોય. જોકે, ઘણા એવા લોકો હોય છે જે હોમ આઈસોલેશન દરમિયાન પોતાની માનસિક ક્ષમતા ગુમાવી બેસે છે. હું મારી આદતોમાં રચ્યોપચ્યો રહેતો અને હું મારી જ કંપનીને એન્જોય કરૂ છું. 

મારી સવારની ચા, પલાળેલી બદામ, એક ચમચી મેથીના દાણા, સવારના ઓટ્સના નાસ્તા ખુદ રાંધીને જમું છું. પછી છોડવાને પાણી પીવડાવું, પંખીઓને દાણા નાંખવા અને પાણી પીવડાવવું, મોરને ખવડાવવું અને ઓછામાં ઓછા ચાર છાપા વાચું છું. આ રીતે મારા દિવસની શરૂઆત થાય છે. હું મારા ઘરની બાહર એક ડગલું પણ ન મૂકું તેમ છતાં ઘરમાં પણ વ્યવસ્થિત કપડાં પહેરી તૈયાર થઈને રહું છું. આ વસ્તુ હું હજી પણ ફોલો કરૂ છું. આ એક એવો આઈડિયા છે જે અંદરથી સારૂ ફીલ કરાવે છે. હું દરરોજ તૈયાર થાવ છું અને ભાગ્યે જ એવું  બને કે, એક ડ્રેસ બીજી વાર રીપિટ થાય.

હમણા મને OTT પ્લેટફોર્મમાં ઘણો રસ પડ્યો છે. તાજેતરમાં આવેલી ‘ફેમિલી મેન’ વેબ સીરીઝ જોવાનું શરૂ કર્યું છે. જે ખરેખર પકડી રાખે છે. હું કાયમ મનોજ વાજપેયની એક્ટિંગના વખાણ કરૂ છું. એને ઘણા લાંબા સમય બાદ જોવા મળ્યો છે. 

ઘણી વખત તમારા લોકો જ તમારી ખરી શક્તિ હોય છે. મારા માનસિક આરોગ્યના મહત્ત્વના પાસાઓમાંથી એક મારો સામાજિક દાયરો છે. હું વર્ચ્યુલી મારા પરિવારને મળતો  હતો. જે ત્રણ દેશમાં રહે છે. મિત્રો, પૌત્રો મારી સામાજિક ક્નેક્ટિવિટીને પૂરી કરે છે. હું દરરોજ છ લોકો સાથે વાત કરૂ છું અને ક્યારેય હું મારા અંગત કહેવાતા લોકો સાથે વાત કર્યા વગર રાત્રે સૂતો નથી. 

ટૂંકમાં જ્યારે કોઈ એમ કહે કે, હું એકલો છું, કંટાળો આવે છે અથવા આઈસોલેટ છું તો મને કોઈએ બાંધી દીધો હોય એવી અનુભૂતિ થાય. હંમેશા તમારી બેસ્ટ કંપની તમે પોતે જ છો. જ્યારે તમે અંદરથી ખુશ હોવ ત્યારે જ તમે બીજાને ખુશ રાખી શકો. આ મારી ફિલોસોફી છે. ખુશી એ તો મારી લાઈફનો એક શ્રેષ્ઠ માર્ગ છે. હું સતત કંઈકને કંઈક કરતો રહું છું.

કોરોના શરૂ થયો ત્યારથી એક પ્રોજેક્ટ પર મેં એક કામ કરવાનું ચાલુ કર્યું હતું. છેલ્લા 463 દિવસ તે પ્રોજેક્ટને નક્કર સ્વરૂપ આપવાના પ્રયત્ન કર્યા. હું આપની સમક્ષ વાઈબ્સ ઓફ ઇન્ડિયા પ્રસ્તુત કરતા ગૌરવ અનુભવું છું. આ કંપનીના ચેરમેન હોવાના નાતે હું માનું છું કે ગુજરાત, ભારત અને વિશ્વને એક નીડર, સ્વતંત્ર અને નિષ્પક્ષ સમાચારોનું માધ્યમ મળશે. 

અમારી  એક યુવા અને ઉત્સાહથી છલકાતી ટીમ અમારી એસેટ છે. કોરોનાના કારણે કોઇને વ્યક્તિગત રીતે મળ્યો નથી. પણ ઝૂમ મિટિંગમાં નિયમિત મળું છું. આજે જિંદગીના 81 વર્ષ પૂરા કર્યા છે અને અનહદ ખુશી સાથે અમે વાઈબ્સ ઓફ ઈન્ડિયાને લૉન્ચ કરી છે. 

હું જ્યારે 17 વર્ષનો હતો ત્યારે પત્રકાર બની ગયો હતો. સ્વ. ભૂપત વડોદરિયાની નીચે હું તૈયાર થયો છું. એ સમયના અમારા દાયકામાં પત્રકારત્વ સ્વતંત્ર, નિષ્પક્ષ અને નીડર હતું. મને યાદ છે જ્યારે ગીરીલાલ જૈને મુલાકાત લીધી હતી અને ભાવનગરના ઘરમાં રોકાયા હતા અમે ત્યારે સાથે રજાઓ માણી હતી. હમણા રામનાથ ગોએંકા સાથેની યાદો પણ તાજી થઈ. ઇન્ડિયન એક્સપ્રેસની જર્નાલિઝમ માટેની પ્રતિબદ્ધતા અભૂતપૂર્વ અને ઉદાહરણરૂપ હતી. ગોએન્કાજીએ મને ગુજરાતમાં લોકસત્તા અને જનસત્તામાં એડિટર ઇન ચીફ તરીકે નિયુક્ત કર્યો હતો. મુંબઈ સમાચારના પ્રથમ બિનપારસી તંત્રી બનવાનું સન્માન પણ મને પ્રાપ્ત થયું હતું.

આજે જ્યારે હું આજનું પત્રકારત્વ જોઉં છું ત્યારે મને ઘણું દુઃખ થાય છે. દુઃખ થાય છે કે, કેટલાક પત્રકારો એક પ્રકારના દલાલ બની અને સોદાબાજી કરતા થયા છે. મને દુઃખ થાય છે કે, આ કોર્પોરેટ સેક્ટરે પત્રકારત્વને કચડી માર્યું છે. હું તો આજે કોઈ સમાચાર જોતો જ નથી. હા, પણ હું ક્યારેય રવીશ કુમારનો શૉ મિસ નથી કરતો. મેં તેમને વ્યક્તિગત રીતે કહ્યું છે કે, તેઓ મારા ફેવરિટ પત્રકાર છે.

તાજેતરમાં હું જ્યારે પદ્મશ્રી ડૉ. તેજસ પટેલના ક્લિનિકે વાર્ષિક ચેકઅપ માટે ગયો ત્યારે એક યુવાન તબીબે મને પૂછ્યું કે, તમને કેટલા વર્ષ થયા, હું હસ્યો અને કહ્યું કે 81 વર્ષ. પણ હું વાઈબ્સ ઓફ ઈન્ડિયા પ્રોજેક્ટ પર કામ કરી રહ્યો છું. ચોવીસે કલાક વ્યસ્ત રહું છું. તમારા માટે હું 81 વર્ષનો પણ હું તો મારી જાતને 18 વર્ષનો જ માનું છું!

હું ફરી પાછું સારૂં, સ્વતંત્ર અને નિષ્પક્ષ પત્રકારત્વ લાવવાનો પ્રયત્ન કરીશ. સામાન્ય રીતે યંગસ્ટર્સ સ્ટાર્ટઅપ શરૂ કરતા હોય છે. પણ 81 વર્ષની વયે એક સ્ટાર્ટઅપ લોન્ચ કરવાની મને અદભૂત તક મળી છે. તેના માટે હું કુદરતનો આભારી છું. ઉંમર તો આખરે એક આંકડો જ છે ને!

વાઈબ્સ ઓફ ઈન્ડિયા મારો ડ્રીમ પ્રોજેક્ટ છે. મને વિશ્વાસ છે કે તમે તેમાં મને સપોર્ટ કરશો અને જરૂરી સૂચનો આપશો. હું એક સામાજિક પ્રાણી છું અને તમારા સૌની સાથે કનેક્ટ થવામાં મને આનંદ મળશે. મારું ફેસબૂક એકાઉન્ટ છે @girishbhaitrivedi અને મારો ફોન નંબર 7069083305 છે.

આજે વાઈબ્સ ઓફ ઇન્ડિયા લોન્ચ કરવા બદલ મને ગર્વ થાય છે. 81 વર્ષની વયે સ્ટાર્ટઅપ લોન્ચ કરનારો હું ભારતનો સૌથી મોટી વયનો સાહસિક છું કે નહીં તેની મને ખબર નથી, પરંતુ વધતી ઉંમરથી શું ખચકાવાનું? યુવાનો વધારે સ્માર્ટ હોય છે તેવી માર્ક ઝકરબર્ગની વાત સાથે હું જરાય સહમત નથી. હું યુવાનોની ઉર્જા અને આકાંક્ષામાં માનું છું. 81 વર્ષની વયે પણ મને આ સ્ટાર્ટઅપ લોન્ચ કરતા અટકાવ્યો નથી. મને ટેક્નોલોજી પસંદ છે. હું જાણું છું કે આઇફોન કે ફિટનેસ બેન્ડનો ઉપયોગ કરવામાં હું સૌથી સ્માર્ટ નથી, પરંતુ 81 વર્ષની ઉંમર સુધીમાં મેં જીવનના જુદા જુદા રૂપ જોયા છે. આ પ્રોજેક્ટ લોન્ચ કરતી વખતે 81 વર્ષની વયે પણ હું 18 વર્ષના યુવાનનો જુસ્સો અનુભવી રહ્યો છું.

અને હા, આજે મેં મારા જન્મદિવસને ભરપૂર માણ્યો છે. તમારી શુભકામનાઓ બદલ ધન્યવાદ.

Post a Comments

3 Comments

    1. Prem Kandoliya

      સાહેબ ગુજરાતી પત્રકારત્વ ના તાજ છે.
      ગિરીશ ત્રિવેદી તેમનું નામ છે.

Your email address will not be published.