આણંદમાં સુરક્ષાસેતુ સોસાયટી અંતર્ગત પોલીસ દ્વારા મહિલા બુટલેગરને દારૂના વ્યવસાયમાંથી બહાર કાઢી તેને આઈસ્ક્રીમ પાર્લર કરી આપવામાં આવ્યો છે. આ પ્રયોગ આગામી સમયમાં સફળ થશે તો અન્ય શહેરોમાં પણ આવી રીતે પાર્લર ખોલી દેવામાં આવશે.
આણંદના પોલીસ અધિક્ષક અજીત રાજીયણ દ્વારા દેશી દારૂનો ધંધો કરતી મહિલાઓ દારૂના બદનામ વ્યવસાયને કાયમી તિલાંજલિ અર્પિ સામાજિક ક્ષેત્રે માનભેર જીવી શકે તે માટે અનોખી પહેલ કરી કરી છે. શહેરમાં વિદ્યાડેરી ખાતે રહેતા દક્ષાબેન ચૌહાણ અગાઉ દારૂનો વ્યવસાય કરતા હતા અને તેઓએ પોતાના પરિવારનું ગુજરાન ચલાવવા માટે દારુનો ધંધા કરતા હોવાનું સામે આવ્યું હતું. ત્યારે આ કાળાકામથી તેઓને દૂર કરી આણંદના પોલીસ અધિક્ષક અજિત રાજયણએ સુરક્ષા સેતુ સોસાયટી અંતર્ગત આ મહિલાને એસપી કચેરી બહાર આઈસ્ક્રીમ પાર્લર માટે જગ્યા આપી આઈસ્ક્રીમ પાર્લર શરૂ કરવા મદદ કરી છે.
પોલીસ દ્વારા એક પ્રયોગ કરવામાં આવશે અને જો આ પ્રયોગ સફળ થશે તો પોલીસ દ્વારા જિલ્લા ભરમાં દારૂનો વ્યવસાય કરતી મહિલાઓને દારૂના વ્યવસાયમાંથી બહાર લાવી આઈસ્ક્રીમ પાર્લરનાં વ્યવસાય શરૂ કરાવશે. જેથી મહિલાઓ ઉન્નત મસ્તકે સામાજિક જીવન જીવી શકે. આણંદ શહેરમાં આવતીકાલે આ પ્રથમ આઈસ્ક્રીમ પાર્લરનું ઉદઘાટન કરવામાં આવનાર છે.