વડાપ્રધાન નરેન્દ્ર મોદી આવતીકાલે વલસાડ અને નવસારીની મુલાકાત લેવાના છે. વડાપ્રધાનની મુલાકાતની વ્યવસ્થાની આ ગોઠવણીનો ચાર્જ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે સંભાળ્યો છે. તેમણે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના અધ્યક્ષ પદે યોજાનારી ગુજરાત ગૌરવ કાર્યક્રમની પૂર્વ તૈયારીઓને આપવામાં આવી રહેલા આખરી ઓપનું નિરીક્ષણ કર્યુ હતુ અને જરૂરી સૂચનો કર્યા હતા.

આરોગ્યમંત્રી ઋષિકેશ પટેલે કાર્યક્રમ સ્થળે પહોંચીને સંલગ્ન અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે સમગ્ર વ્યવસ્થાનો તાગ મેળવ્યો હતો. તેમણે વિવિધ અધિકારીઓ સાથે મળીને કાર્યક્રમની તૈયારીઓની સમીક્ષા કરી હતી અને કાર્યક્રમ અંગે રજેરજ માહિતી મેળવી હતી. વડાપ્રધાન મોદીની સાથે આવનારી કેન્દ્રીય એજન્સીઓ અને રાજ્યની એજન્સીઓ સંકલન સાધીને કામ કરે અને તેમા કોઈ કમી રહી ન જાય તે જોવાનું પણ તેમણે વરિષ્ઠ અધિકારીઓને જણાવ્યું હતું. ફક્ત સુરક્ષા અધિકારીઓ જ નહી પણ વહીવટી અધિકારીઓ વચ્ચે પણ સંકલનમાં કોઈ કમી રહેવી ન જોઈએ તેવી સૂચના આપી હતી.
આવતીકાલે વડાપ્રધાનની સાથે મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલ પણ આવશે. વડાપ્રધાન મોદી મુખ્યપ્રધાન હતા ત્યારે તો વલસાડની મુલાકાત લઈ જ ચૂક્યા છે, પરંતુ વડાપ્રધાન બન્યા પછી તે પ્રથમ વખત આવી રહ્યા છે. કેટલાકનું કહેવું છે કે વડાપ્રધાને તો રીતસરનું ચૂંટણીનું રણશિંગુ ફૂંકી જ દીધું છે.