ગાંધીનગર ખાતેથી સગર્ભા મહિલાઓ અને બાળકો માટે રસીકરણ અભિયાનનો આરંભ કરાવ્યો આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે

| Updated: August 5, 2022 5:06 pm

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે આજે Td-10 અને Td-16  રસીકરણ (vaccination) અભિયાન કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ ગાંધીનગર ખાતેથી કર્યું. આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, રાજ્યવ્યાપી Td-10 વર્ષ અને Td-16 રસીકરણ અભિયાન થકી રાજ્યની અંદાજે 26 લાખ જેટલી સગર્ભા માતાઓ-બાળકો તેમજ અંદાજે 50  હજાર જેટલી શાળાઓના લાખો વિદ્યાર્થીઓને વિવિધ 12 જેટલા ઘાતક રોગોથી આજીવન સુરક્ષિત કરાશે. 

આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે કહ્યું હતું કે, મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના માર્ગદર્શનમાં રાજ્યની લાખો સગર્ભા માતાઓ, એક વર્ષથી નાની વયના બાળકો અને શાળાના વિદ્યાર્થીને 12 જેટલા ઘાતક રોગોથી સુરક્ષિત કરવાના રાજ્યવ્યાપી અભિયાન અંતર્ગત સગર્ભા માતાઓને ધનૂર અને ડિપ્થેરિયા તેમજ બાળકોને થતા 12 ઘાતક રોગો જેવાં કે ઝેરી કમળો, બાળ ટી.બી., પોલીયો, ડીપ્થેરીયા, ઊટાટીયું, ધનુર, હીબ બેક્ટેરિયાથી થતા રોગો જેવાં કે, ન્યુમોનિયા અને મગજનો તાવ, ન્યૂમોકોકલથી થતા ન્યુમોનિયા, રોટા વાયરસથી થતા ઝાડા, ઓરી, રૂબેલા જેવા રોગો સામે સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ થકી જીવનરક્ષક રસીઓ દ્વારા રક્ષિત કરવામાં આવશે. રાજ્યમાં દર વર્ષે અંદાજીત 13.50 લાખ સગર્ભા માતાઓ અને એક વર્ષથી નાની વયના 13 લાખ બાળકોને સાર્વત્રિક રસીકરણ કાર્યક્રમ અંતર્ગત આવરી લેવામાં આવે છે.

મંત્રીએ વધુ વિગતો આપતાં કહ્યું હતું કે, કોવિડ-19ની વૈશ્વિક મહામારીના કારણે છેલ્લાં બે વર્ષથી શાળાઓ બંધ હોવાથી બાળકોનું Td-ધનૂર અને ડિપ્થેરિયાનું રસીકરણ થઇ શક્યું નહતું. આ રસીકરણની ઝૂંબેશના પ્રથમ તબક્કા દરમિયાન ઓગસ્ટ-સપ્ટેમ્બર 2022માં રાજ્યની શાળાઓમાં ધોરણ 5અને ધોરણ 10ના તમામ બાળકોને ટી.ડી. (ધનૂર અને ડિપ્થેરિયા)ની રસી આપવામાં આવશે. આ અભિયાનમાં 1,000 RBSK ટીમ દ્વારા અંદાજે 50,000 શાળાઓના અંદાજીત 23 લાખ બાળકોનું રસીકરણ કરવામાં આવશે.

કેન્દ્ર સરકાર દ્વારા ટી.ડી. રસીકરણ માટેની માર્ગદર્શિકા 2019માં રજૂ કરવામાં આવી હતી. આ માર્ગદર્શિકા પ્રમાણે 10 અને 16 વર્ષના કિશોરો અને કિશોરીઓમાં ધનૂર અને ડીપ્થેરીયાની સામે રક્ષણ માટે TTની રસીની જગ્યાએ Tdની રસી આપવા માટે ભલામણ કરવામાં આવી છે.

મંત્રીએ જણાવ્યું હતું કે, ટી.ડી. રસી હાલમાં તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવશે. આ ટી.ડી.ની રસી સંપૂર્ણપણે સુરક્ષિત છે. તેમ છતાં પણ કોઈ આડઅસર જણાય તો તેની સારવાર માટે દરેક રસીકરણ સેન્ટર તેમજ સરકારી દવાખાના પર એઇ.એફ.આઈ. કીટ ઉપલબ્ધ છે અને શાળાઓમાં પણ રસીકરણ વખતે આ કીટ ઉપલબ્ધ રાખવામાં આવશે. જેથી ત્વરિત સારવાર આપી શકાય. 

વેક્સિનેટેડ વિદ્યાર્થીઓને ‘‘Td વેક્સિનેશન કાર્ડ’’ આપીને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા, તેમજ આરોગ્ય વિભાગની Td10 અને Td16 રસીકરણની માર્ગદર્શિકાનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું.

રસીકરણ અભિયાનના શુભારંભે ગાંધીનગરના મેયર હિતેશભાઈ મકવાણા, ગુરુકુળના પૂજ્ય સ્વામી, આચાર્ય, મહાનગરપાલિકાના કોર્પોરેટરો, આરોગ્ય વિભાગના અધિકારીઓ તબીબો અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા. 

આ પણ વાંચો: વેકસીનેશન અભિયાનમાં ગુજરાત અગ્રેસર: રાજ્યની આશરે 60 ટકા વસ્તી વેકસીનેશન હેઠળ આવી

Your email address will not be published.