ગુજરાતના રેસિડેન્ટ તબીબો હડતાળ પર ઉતરી આવ્યા છે. આ હડતાળ સરકારે કરેલ બોન્ડ સેવા મામલે કરવામાં આવી રહી છે. ત્યારે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવ્યું કે, તબીબોની માંગણી ગેરવ્યાજબી છે જે સ્વીકારવામાં નહીં આવે અને હડતાળ સમેટી ફરજ પર હાજર નહીં થાય તેવા તબીબો સામે કાર્યવાહી કરવા માટેની ચીમકી આપી છે.
આજે રાજયના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ પાટણમાં હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે ગરીબ કલ્યાણ અને સુશાસન કાર્યક્રમમાં હાજરી આપવા માટે પહોંચ્યા હતા.આ કાર્યક્રમમાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું કે, સરકાર હંમેશા ગરીબ, જરૂરિયાતમંદ અને છેવાડાનાં લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને તેમને જરૂરી એવી તમામ સુવિધાઓ જેમ કે પાણી, વીજળી, આવાસ, શૌચાલય, ગેસ જેવી પાયાની જરૂરિયાતો પુરી પાડે છે.
વધુમાં તેઓએ રાજયમાં ચાલી રહેલ તબીબોની હડતાળ પર નિવેદન આપતા જણાવ્યું કે સરકારે ડોકટરોની માંગણીઓ વ્યાજબી હોય તો તે સ્વીકારી છે. સરકાર છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્પેશિયાલિસ્ટ ડોકટરોની સેવા લોકોને મળી રહે તે માટે આ બોન્ડ રાખવા માટે નિર્ણય લેવામાં આવ્યો છે. તેમની જે બોન્ડ દૂર કરવાની માગણી છે તે ગેરવ્યાજબી છે. સરકાર આ બાબતથી સહમત નથી. ડોકટરોની ફરજ છે કે, એક વર્ષનો બોન્ડ આપ્યો છે તો ગામડામાં જઈને લોકોની સેવા કરે.