અમદાવાદીઓને ‘હર્ટ’ કરતી હીટવેવ શરુ, 5 વર્ષ બાદ ગરમી ફરી રેકોર્ડ તોડશે

| Updated: May 8, 2022 6:00 pm

અમદાવાદમાં છેલ્લા બે દિવસથી ગરમીના પ્રમાણમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. એપ્રિલમાં ગરમીએ તમામ રેકોર્ડ તોડી નાખ્યા હતા. ત્યારે મે મહિનામાં ગરમીનો પારો 44 ડિગ્રી વચ્ચે નોંધાયો છે. જયારે છેલ્લા ત્રણ દિવસમાં ગરમીનો પારો ત્રણ ડિગ્રી નીચે જતા પ્રજામાં હાશકારો જોવા મળ્યો હતો. તો બીજી બાજુ હવામાન વિભાગે ફરી એકવાર કાળઝાળ ગરમીની આગાહી આપી છે. જેમાં અમદાવાદમાં ગરમીનો પારો 45 ડિગ્રી પહોંચે તેવી શક્યતાઓ છે.

છેલ્લા કેટલાક દિવસથી અમદાવાદ શહેરમાં ગરમીના પ્રમાણમાં ઘટાડો જોવા મળ્યો હતો. પરંતુ આજથી 14 મે સુધી ઉત્તર-પશ્ચિમના ગરમ પવનો ફૂંકાશે, જેની અસરોથી અમદાવાદમાં ફરી ગરમીનો પારો 44 ડિગ્રી પહોંચશે. આ ચાર દિવસોમાંથી એક દિવસ હિટવેવને લીધે ગરમીનો પારો 45એ પહોંચી શકે છે. શનિવારે અમદાવાદમાં ગરમીનો પારો 41.7 ડિગ્રી અને લઘુતમ તાપમાન 2 ડિગ્રી વધીને 28.4 ડિગ્રી નોંધાયો હતો. 8 શહેરોમાં ગરમીનો પારો 41 ડિગ્રીથી વધુ નોંધાયો હતો.

રવિવારથી ઉત્તર-પશ્ચિમના પવનો શરૂ થશે, જેની અસરથી રવિવારથી ગરમીનો પારો અચાનક ઉંચકાશે. બંગાળની ખાડીમાં એક લો-પ્રેશર રચાયું છે, જે આગામી બે દિવસોમાં મજબુત બનશે. લો-પ્રેશરની અસરથી હાલમાં પવનની પેટર્ન એ રીતની થઇ છે કે, રણ-સુકા પ્રદેશના ઉત્તર અને ઉત્તર-પશ્ચિમના પવનો ખેંચાઇને નીચે થઇને બંગાળની ખાડીમાં જાય છે. જેથી રવિવારથી ગુજરાત-અમદાવાદ ઉપર ગરમ પવનોનો મારો ચાલુ થશે, જેને કારણે પાકિસ્તાન, રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્રના મેદાની વિસ્તારોમાં હિટવેવથી ગરમીનો પારો ઉંચકાશે.

Your email address will not be published.