કોરોનામાં સાવરકુંડલાનો વજનકાંટા ઉદ્યોગ ઓક્સિજન પર

| Updated: June 26, 2021 8:50 pm

કોરોના અને લોકડાઉનને લઈને સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ ભાંગી પડ્યો છે. લગભગ 20થી  25 હજાર કારીગરોને રોજગારી પૂરો પાડતો કાંટા ઉદ્યોગ અત્યારે મરણપથારીએ છે તેમ કહી શકાય.

સાવરકુંડલામાં વજનકાંટાના લગભગ 400 કારખાના છે અને ઉત્પાદન ક્ષેત્રે આ શહેર વૈશ્વિક સ્તરે વિખ્યાત છે. ચીનમાં કોરોના તેની ચરમસીમાએ હતો ત્યારે ત્યાંથી લોખંડ સહિતના કાચા માલની આવકને અસર થઈ હતી. હવે થોડો કાચો માલ આવે છે, પરંતુ પહેલાં જેવી સ્થિતિ નથી.

જે કારીગરો રોજના 20થી 25 કાંટા બનાવતા તે હવે માંડ 10 વજનકાંટા બનાવે છે અને પરિવારનું ગુજરાન ચલાવે છે. રોજના 400થી 500 રૂપિયાની કમાણી કરી શકતા કારીગરો હવે રોજના માંડ 200 રૂપિયા કમાઈ શકે છે.

સાવરકુંડલામાં ઇલેક્ટ્રોનિક વજનકાંટા બને છે અને તેના માટેના ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ્સ ચીનથી આવતા હોય છે. ભારતમાં એ ઇલેક્ટ્રોનિક સ્પેરપાર્ટ્સનો ભાવ વધુ હોવાથી ઇલેક્ટ્રોનિક વજનકાંટા બનાવતા કારીગરો પણ લોકડાઉન બાદ 25ના બદલે માંડ 8 કાંટા બનાવી શકે છે.

વજનકાંટાના ઉત્પાદન સાથે સંકળાયેલા લોકોનું કહેવું છે કે સરકારે આ ઉદ્યોગને ટકાવી રાખવા માટે પગલાં લેવા જોઈએ.

કારખાનેદાર કનુભાઈ ડોડીયાએ જણાવ્યું હતું કે, 25 હજાર લોકોને રોજગારી આપતા ઉદ્યોગને બચાવવો હોય તો સરકારે નીતિ વિષયક મદદ કરવી પડશે. કોવિડની ગાઈડ લાઇન પ્રમાણે છૂટછાટ મળતા કારખાના રાબેતા મુજબ શરૂ થઈ ગયા છે. પરંતુ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે.

તેઓ કહે છે કે, લોકડાઉન પહેલાં લોખંડનો ભાવ 40 રૂપિયે કિલો હતો. અત્યારે લોખંડનો ભાવ 80 રૂપિયા થઈ ગયો છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટ પણ મોંઘું થયું છે.

કનુભાઈએ એમ પણ જણાવ્યું કે સાવરકુંડલામાં બનેલા વજનકાંટા જ બંગાળ, બિહાર, તમિલનાડુ, રાજસ્થાન વગેરે રાજ્યોમાં જાય છે, પરંતુ ત્યાં કોરોનાનો વ્યાપ વધુ હોવાથી બહારના રાજ્યોમાં વજનકાંટા ઓછા વહેંચાય છે.

સાવરકુંડલા કાંટા એસોસિએશનના પ્રમુખ જયંતિભાઈ મકવાણાએ જણાવ્યું કે, છેલ્લા એક વર્ષથી સાવરકુંડલાનો કાંટા ઉદ્યોગ મૃતપાય છે. કાચોમાલ મોંઘો થવાથી અમારે નાછૂટકે ભાવવધારો કરવો પડ્યો છે. વેપારીઓ પાસેથી અમારા અગાઉના પેમેન્ટ બાકી છે. કાચા માલમાં ભાવ સતત વધતા જાય છે. ચીનમાંથી આવતો કાચો માલ અમને પોસાતો નથી.

કેતન બગડા, અમરેલી

Your email address will not be published.