ઝેરી ઔદ્યોગિક કચરાવાળા પાણીના લીધે 43 ગામોની ખેતીની જમીનમાં જોવા મળે છે હેવી મેટલ્સ

| Updated: August 1, 2022 11:20 am

અમદાવાદઃ અમદાવાદ શહેરના મ્યુનિસિપલ નેટવર્કમાં ઝેરી ઔદ્યોગિક કચરાવાળા પાણીના લીધે તેની ગટરલાઇનો, સ્ટોર્મ વોટરલાઇનો અને પમ્પિંગ સ્ટેશનો ખવાઈ જ ગયા છે એટલું જ નહી સાબરમતી નદીના પટમાં આવેલા 43 ગામોની ખેતીની જમીન પણ ઝેરી થઈ ગઈ છે. આજે આ ગામોની જમીનમાં હેવી મેટલ્સ જોવા મળી રહી છે.

ગુજરાત હાઇકોર્ટે સપ્ટેમ્બર 2021માં સોય ઝાટકીને જણાવ્યું હતું કે નદીમાં ઠાલવવામાં આવતા ઝેરી કચરાને અટકાવવામાં આવે, છતાં પણ આ પરિસ્થિતિ યથાવત્ છે. તેમા કોઈપણ પ્રકારનો ઘટાડો થયો નથી. મ્યુનિસિપલ વેસ્ટ વોટર અને સિંચાઈગ્રસ્ત જમીનનો તાજેતરનો રિસર્ચ રિપોર્ટ દર્શાવે છે કે ખેતરોમાં પણ ભારે ધાતુઓ મળી આવવા માંડી છે. વિલાસપુર, ગ્યાસપુર, ખાડા, અસમાલી, કાલોલી, ચંદીસર, સરોડા અને કાસિન્દ્રા એમ આઠ સ્થળોએ જોવા મળેલી ભારે ધાતુનુ પ્રમાણ વિશ્વ આરોગ્ય સંગઠન (હુ) અને યુરોપીયન ધારાધોરણો કરતાં વધારે છે.

ઉદાહરણ તરીકે જોઈએ તો સરેરાશ હેવી મેટલ્સ ઝિંક જમીનમાં 421 ગ્રામ ઝીંક, 336 ગ્રામ મેંગેનીઝ, 201 ગ્રામ તાંબુ, 71 ગ્રામ ક્રોમિયમ, 51 ગ્રામ નિકલ, 42 ગ્રામ સીસુ અને નવ ગ્રામ કોબાલ્ટ મળી આવે છે. પણ જમીનમાંથી આટલી ધાતુઓ કેવી રીતે મળવા લાગી, તેનો જવાબ સાબરમતીમાં છોડવામાં આવતું ઔદ્યોગિક કચરાનું પાણી અને તેના પછી ખેડૂતો દ્વારા ઉપયોગમાં લેવાતા સિંચાઈનું પાણી છે.

પીડીઇયુએ બિભાબાસુ મોહંતી ઓફ સ્કૂલ ઓફ ટેકનોલોજીનો તાજેતરનો અભ્યાસ દર્શાવે છે કે છોડવામાં આવતા ઔદ્યોગિક કચરાના પાણીમાં ભારે ધાતુઓ મોટા પ્રમાણમાં હોય છે. આ જ રીતે ગટરના પાણીના નમૂનામાં પણ ધાતુનું પ્રમાણ ઊંચું જોવા મળ્યું છે. તેમા કોબાલ્ટ પર પ્રતિ મિ.લી.એ 2.1થી 2.2 ગ્રામ, ક્રોમિયમ 1.4થી 1.9 ગ્રામ, તાંબુ 0.1થી 0.9 ગ્રામ, મેંગેનીઝ 0.2થી 0.3 ગ્રામ, નિકલ 0.4થી 1.6 ગ્રામ અને ઝિંક 5.1થી 1.9 ગ્રામ જોવા મળ્યું છે.

મોહંતીએ તેમના રિસર્ચ પેપરમાં જણાવ્યું હતું કે આ પ્રમાણ ભારતીય, હુ અને ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશનના માપદંડ કરતાં પણ વધારે છે. જમીનની માટીમાં આ હેવી મેટલ્સ કઈ રીતે ગઈ તે જણાવતા મોહંતીએ દાવો કર્યો હતો કે અહીં મળતું ક્રોમિયમ સરેરાશ કરતાં ત્રણ ગણું વધારે છે, જ્યારે સીસુ 12 ગણું વધારે છે. જ્યારે તાંબુ બમણુ છે અને મેંગેનીઝ 13 ગણુ અને ઝીંક અઢી ગણું છે.

Your email address will not be published.