અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી, યલો એલર્ટ જાહેર

| Updated: August 4, 2022 12:08 pm

ગુજરાતમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ગત રાતથી અમદાવાદ શહેરના ઘણા વિસ્તારોમાં વરસાદી ઝાંપટા શરુ થઈ ગયા હતા. ત્યારે આજે વહેલી સવારથી અમદાવાદમાં વરસાદી વાતાવરણ છવાયું છે. હવામાન વિભાગે અમદાવાદમાં આગામી બે દિવસ ભારે વરસાદની આગાહી કરી છે.

હવામાન વિભાગ દ્વારા ફરી એકવાર અમદાવાદ શહેરમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જેમાં આગામી શનિ અને રવિવારના દિવસે ભારે વરસાદ વરસી શકે છે જેના કારણે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. કચ્છ-બનાસકાંઠા-પાટણ-મહેસાણા-ગાંધીનગર-અરવલ્લી-સુરેન્દ્રનગર-મોરબીમાં ઓરેન્જ જ્યારે જામનગર-રાજકોટ-બોટા-અમદાવાદ-ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા-પાટણ-મહેસાણા-મોરબી-જામનગર-સુરેન્દ્રનગર-દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ જાહેર કરાયું છે.

હવામાન અંગે આગાહી કરતી ખાનગી સંસ્થાના મતે અમદાવાદમાં આવતીકાલે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં રવિવારે વરસાદની સંભાવના વધીને 90 ટકા દર્શાવવામાં આવી છે. આજે દિવસ દરમિયાન અમદાવાદમાં સરેરાશ મહત્તમ તાપમાન 34 ડિગ્રી નોંધાયું હતું. રાજ્યમાં હજુ સુધી 20 ઈંચ સાથે મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં છેલ્લા કેટલાક સમયથી ભારે બફારો જોવા મળી રહ્યો છે. બફારાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ત્યારે ભારે બફારા બાદ શહેરમાં ફરી એકવાર વરસાદી માહોલ છવાતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ છે. વાતાવરણ ઠંડુગાર બનતા શહેરીજનોએ હાશકારો અનુભવ્યો છે.

Your email address will not be published.