ગુજરાતમાં આગામી 48 કલાકમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, માછીમારોને દરિયો નહીં ખેડવા સૂચના અપાઈ

| Updated: August 6, 2022 12:50 pm

રાજયમાં ફરી એકવાર વરસાદી સિસ્ટમ સક્રિય થઈ છે. ત્યારે હવામાન વિભાગે ફરી એકવાર ભારેથી અતિભારે વરસાદની આગાહી કરી છે. આગામી 48 કલાકમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે, જેમાં દક્ષિણ ગુજરાતમાં ભારે તો સૌરાષ્ટ્રમાં અતિભારે વરસાદ પડવાની શક્યતા છે. તો બીજી બાજુ અમદાવાદ અને ગાંધીનગરમાં સામાન્ય વરસાદ પડવાની શક્યતા છે.

રાજયના 177 તાલુકાઓમાં છેલ્લા 24 કલાકમાં વરસાદી માહોલ છવાયો છે. જેમાં છોટાઉદેપુરના ક્વાંટમાં 6 ઈંચ કરતાં વધુ વરસાદ થયો છે. બીજી તરફ, નવસારીના જલાલપોરમાં 5 ઈંચ અને સાબરકાંઠાના વડાલીમાં સાડાચાર ઈંચ વરસાદ ખાબક્યો છે. એ ઉપરાંત ગઢડા, કપડવંજ, જૂનાગઢ, પલસાણા, તલાલા, સાવરકુંડલા, નવસારી, મહુઆમાં 3થી 4 ઈંચ વરસાદ નોંધાયો છે. તો કચ્છમાં 21 ઈંચ, ઉત્તર ગુજરાતમાં 19 ઈંચ, મધ્ય ગુજરાતમાં 20 ઈંચ, સૌરાષ્ટ્રમાં 18 ઈંચ, દક્ષિણ ગુજરાતમાં 50 ઈંચ વરસાદ થયો છે.

રાજયમાં વરસેલા ભારે વરસાદને પગલે કેટલા જળાશયો ફુલ થઈ ગયા છે અને ઘણા હાઈ એલર્ટ પર છે. સરદાર સરોવર જળાશયમાં 265148 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 79.37% છે. જ્યારે રાજ્યનાં 206 જળાશયમાં 344399 એમ.સી.એફ.ટી. પાણીનો સંગ્રહ છે, જે કુલ સંગ્રહશકિતના 61.70% છે. હાલમાં રાજ્યમાં હાઇ એલર્ટ ૫ર કુલ –57, એલર્ટ ૫ર કુલ-10 તેમજ વોર્નિંગ ૫ર કુલ -16 જળાશય છે. રાજ્યમાં હાલ કુલ NDRFની 13 ટીમ તહેનાત કરાઇ છે, જેમાં અમરેલી-1, બનાસકાંઠા-1, ભાવનગર-1, દેવભૂમિ દ્વારકા-1, ગીર સોમનાથ-1, જામનગર-1, જૂનાગઢ-1, કચ્છ-1, નવસારી-2, રાજકોટ-1, સુરત-1 અને વલસાડમાં-1 ટીમનો સમાવેશ થાય છે. આમ, કુલ -13 NDRFની ટીમો ડિપ્લોય કરવામાં આવી છે.

(પ્રતિકાત્મક તસવીર)

Your email address will not be published.