ભાવનગરમાં બે દિવસથી અનરાધાર વરસાદ : જાણો શું છે સ્થિતિ

| Updated: September 30, 2021 3:50 pm

ભાવનગર જિલ્લામાં ગુલાબ વાવાઝોડાની અસરથી છેલ્લા બે દિવસથી અનરાધાર વરસાદ વરસી રહયો છે. મંગળવારની રાત્રીથી વીજળીના કડાકા,ભડાકા અને ભારે પવન સાથેના વરસાદથી અનેક વિસ્તારો જળબંબાકાર થઇ ગયા છે. વાવાઝોડા પર સવાર થઇને આવેલા હાથીયા નક્ષત્રમાં કૃષિપાકનું ધોવાણ થયું છે. સાથે જ ચેકડેમ, તળાવો, જળાશયો છલકાઈ ગયા છે. તો કેટલાક માર્ગો અવર જવર માટે બ્લોક થઇ ગયા છે. છેલ્લા બે દિવસથી ગોહિલવાડ પંથકમાં સતત વરસી રહેલા વરસાદથી જળબંબાકારની સ્થિતી સર્જાઇ છે. જેથી કૃષિ પાકોને પણ ભારે નુકશાન થવાની સંભાવના વ્યકત કરાઇ છે.

જિલ્લાના અનેક સ્થળોએ 2 થી 6 ઇંચ જેટલા વરસાદથી પાકોનું ધોવાણ થવાની સાથે માર્ગો પણ ધોવાઇ ગયા છે. જેના કારણે વાહન વ્યવહારને ભારે અસર થઇ છે. મગ, મગફળી, કપાસ, બાજરી, તલ સહિતના પાકોનું ઉત્પાદન નહિવત થાય તેવી ખેડૂતોને ભિતી છે. ગ્રામ્ય વિસ્તારોમાં શેરીઓ, મકાનો અને વાડી ખેતરોમાં પાણી ફળી વળ્યા છે. કેટલાક સ્થળેતો મકાન ધરાશાઇ થયાના બનાવો પણ સામે આવ્યા છે. જિલ્લામાં મહુવા, તળાજા, પાલિતાણા, ગારિયાધાર, વલ્ભીપુર, જેસર, સિહોર, ગુંદરાણા, ઘોઘા સહિતના વિસ્તારોમાં ભારે વરસાદ પડ્યો હતો.

ગારીયાધારમાં અઢી ઇંચ વરસાદ

ગારીયાધાર પંથકમાં ધોધમાર અઢી ઇંચ વરસાદ ખાબકતા સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ હતી. મોડી  રાત્રીએ વિજળીનાં કડાકા ભડાકા સાથે વરસાદની તોફાની બેટિંગ થઇ હતી. શહેરનાં પચ્છેગામ રોડ આશ્રમ રોડ વાવ દરવાજા વિસ્તારમાં ખુબ જ પાણી ભરાયા હતા. ગ્રામ્ય વિસ્તારમાં પણ ધોધમાર વરસાદ પડ્યો હતો. જેમાં ડમરાળા ગામનુ તળાવ, રૂપાવટી તળાવ, વિરડી તળાવ છલકાયા હતા.ગારીયાધાર રાણીગામ જેસર રોડ તેમજ ગારીયાધાર ફિફાદ સાવરકુંડલા્ રોડ પર ખુબ જ પાણી ભરાઈ જતા વાહન વ્યવહાર બંધ થયો હતો.

જેસરમાં અનરાધાર છ ઇંચ વરસાદ : રાણીગાળા ડેમ ભરાયો

જેસર તેમજ તાલુકાના ગામડાઓમાં મોડી રાત્રીથી શરૂ થયેલા વરસાદથી જેસરનો રાણીગાળા ડેમ ઓવરફલો થઇ ગયો હતો. તેમજ જેસરના નાના-મોટા ડેમો ભરાઈ ગયા હતા. આખી રાત પડેલા વરસાદથી ખેડૂતોના પાક નિષ્ફળ થઈ ગયા છે. જેથી જેસર તાલુકામાં લીલા દુષ્કાળ જેવી પરિસ્થિતિ ઊભી થઇ છે. જેસરમાં 21 કલાકથી સતત વરસી રહેલા વરસાદથી પાક નિષ્ફળ જવાની ભીતિ સેવાઈ રહી હોવાનું તાલુકાના ખેડૂતોનું કહેવુ છે.

તળાજા પંથકમાં મેઘમહેર : તળાજી નદી ગાંડીતુર

ગુલાબ વાવાઝોડા પર સવાર થઇને મેઘરાજા હાથીયાનું સ્વરૂપ ધારણ કરતા બે દિવસમાં ચાર થી પાંચ ઇંચ વરસાદ નોંધાયો હતો. ભારે વરસાદને પગલે વાડી ખેતરમાં ઉભા પાકો પર પાણી ફરી વળ્યા હતાં. તેમજ તળાજા નજીક વહેતી શેત્રુંજી નદી અને તળાજી નદી ગાંડીતુર બની હતી. રસ્તા પર અને શેરીઓમાં પાણી ફરી વળતા નગરજનો મુશ્કેલીમાં મુકાયા હતાં.

વલભીપુરમાં અઢી ઇંચ વરસાદ

વલ્લભીપુર તાલુકામા ભારે વરસાદથી ખેતીને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે. વલભીપુરમાં અત્યાર સુધીનો અઢી ઇંચ વરસાદ નોંધાયો છે. તોફાની વરસાદ અને જોરદાર પવનને કારણે ખેતરોમા ઉભો પાક મુળમાંથી ઉખડી ગયો છે. જુવાર અને શેરડીનો પાક ઢળી પડ્યો છે.તાલુકાના નશીતપુર, હળીયાદ, રતનપુર, રામપુર, પાટણા, પાણવી,  મોણપુર, વાવડી, વીરડી સહિતના ગામડાઓમાં ખેડૂતોને મોટા પ્રમાણમાં નુકશાન થયું છે.

ઘોઘા પંથકના ચાર તળાવ ઓવરફલૉની તૈયારીમાં  

સમગ્ર ભાવનગર જિલ્લામાં હાલમાં અતિભારે વરસાદના કારણે ઘોઘાના બધા તળાવ ઓવરફલૉ થવાની તૈયારીમાં છે. ઘોઘા ગામની સીમમાં આવેલ માતર, આલેસર, સરતળાવ, સોનારીયા તળાવ છેલ્લા પાંચ વર્ષની સૌથી વધુ પાણીની સપાટી પર પહોંચ્યા છે. ઉપરાંત જો દરિયાની ભરતી આવે અને વરસાદ વધે તો ગામમાં દરિયાકાંઠાના લગભગ દરેક વિસ્તારોના ઘરોમાં એકબાજુ વરસાદ અને બીજી બાજુ દરિયાની ભરતીનું પાણી ફરી વળવાની શક્યતા છે.

મહુવામાં 3 ઇંચ વરસાદથી જળબંબાકાર

મહુવામાં અત્યાર સુધીમાં 3 ઇંચ વરસાદ ખાબકી ચુક્યો છે. ભારે વરસાદથી શહેરના નીચાણવાળા વિસ્તારમાં ગોઠણ સમા પાણી ભરાયા છે. મહુવાના ત્રણેય ડેમ માલણ, રોજકી અને બગડ ડેમમાં પાણીની ભારે આવકથી ડેમ ઓવરફલો થયા છે. મહુવામાં અત્યાર સુધી સીઝનનો કુલ 708 મીમી વરસાદ નોંધાયો છે.

ગુંદરણા નજીક બગડ ડેમ ઓવરફલો થતા લોકોને સતર્ક કરાયા

મહુવા તાલુકાના ગુંદરણા પાસે આવેલ બગડ ડેમ પણ ભારે વરસાદને કારણે ઓવરફલો થયો છે. જેને પગલે નીચાણવાળા વિસ્તારોને પણ સાવચેત રહેવા સુચન કરાયું છે. જેમાં મહુવા તાલુકાના મોટી જાગધર, નાની જાગધાર , લીલવણ તેમજ તળાજા તાલુકાના ખારડી, પાદરગઢ , બોરડી, દાઠા, વાલર ગામોના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સૂચન કરાયું છે.

સિહોરનું ગૌતમેશ્વર તળાવ બીજી વખત થયું ઓવરફલો

સિહોરમાં ભારે વરસાદને કારણે ગૌતમેશ્વર તળાવ બે વખત ઓવરફલો થયું હતું. ગૌતમેશ્વર તળાવ ઓવરફલો થવાથી ટાણા ચોકડી પાસે પેવન પરથી પાણી પસાર થવા લાગ્યું હતું. જેથી ભાવનગર-રાજકોટ રાજય ધોરી માર્ગ બંધ કરવામાં હતો. ખોડિયાર ડેમમાં પણ સારા પ્રમાણમાં નવા નીરની આવક થઇ છે.

પાલીતાણાની અનેક સોસાયટીમાં ભરાયા પાણી

પાલિતાણામાં ભારે વરસાદ ખાબકતા ઠેર ઠેર પાણી ભરાવાથી જનજીવન અસ્તવ્યસ્ત થઇ ગયું છે. પાલીતાણાના તળેટી રોડ , ભૈરવપરા, બહારપરા અને અનેક સોસાયટીના નીચાણવાળા ભાગોમાં પાણી ભરાયા ગયા હતા. દુધાળા ગામમાં બે કાચા મકાનો પડી ગયા હોવાની ઘટના પણ સામે આવી હતી. જોકે કોઈ જાનહાની થઇ ન હતી. મોખડકા ગામે રજાવળ અને લિંડીયો નદીમાં પણ પુર જેવી સ્થિતિના કારણે ગામમાં જ બે ભાગ જેવી સ્થિતિ સર્જાઈ હતી.

ભાવનગરમાં 6 ઇંચ વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. બોરતલાવ ઓવરફ્લો થતા આસપાસની 10 જેટલી સોસાયટીના 200 ઘરોમાં પાણી ફરી વળ્યા હતા. પાણી ફરી વળતા લોકોની ઘરવખરી પણ પલળી ગઈ હતી. પાણીના નિકાલ માટે અનેક લોકોએ પોતાની દીવાલ પણ તોડી નાખી હતી. આસપાસના વિસ્તારમાં 25 થી વધુ કાર પાણીમાં ફસાઈ ગઈ હતી.

( અહેવાલ : કરણ મોરી )

Your email address will not be published. Required fields are marked *