ગુજરાતમાં મેઘરાજાની ઠંડી એન્ટ્રી, દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી

| Updated: June 22, 2022 6:48 pm

ગુજરાતના મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. આગામી 24 અને 25 જૂને હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદની આગાહી કરી છે. વલસાડ, ઉમરપાડા અને અંબાજીમાં ધોધમાર વરસાદ આજે વરસ્યો છે. સમગ્ર પંથકમાં વરસાદની સારી શરૂઆત થતાં ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં છે.

સુરત ગ્રામ્ય માં ધોધમાર વરસાદ વરસ્યો છે. કામરેજ, બારડોલી, ઓલપાડ, માંગરોળ ઉમરપાડામાં ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો. જેને કારણે કામરેજ સર્વિસ રોડ પર પાણી ભરાયા હતા. તો ડાંગ જિલ્લામાં થોડા દિવસોના વિરામ બાદ વઘઇ આહવા સહિત આજુબાજુના વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ધોધમાર વરસાદને પગલે અનેક જગ્યાએ પાણી ભરાયા, લો લેવલના કોઝવે પાણીમાં ગરકાવ થયા છે. બપોર બાદ ઝરમર વરસાદની હેલી રહેતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વીજળીના કડાકા ભડાકા અને ભારે પવન સાથે વરસાદ સમગ્ર પંથકમાં તૂટી પડ્યો હતો.

ચોમાસાની શરૂઆતમાં જ સારો વરસાદ થતાં દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુશખુશાલ જોવા મળ્યાં છે. સમગ્ર ગુજરાતની વાત કરીએ તો, ઉમરપાડા, વલસાડ, સુરત, તાપી, ડાંગમાં વરસાદ જોવા મળ્યો છે. ઉમરપાડા તાલુકામાં મેઘરાજાની પધરામણી થતા જ લોકો ગરમીથી મુક્ત થયા છે. તાલુકામાં મથકે સવારથી જ ધોધમાર વરસાદ શરૂ થયો હતો. પવન ના સુસવાટા સાથે સીઝનનો પ્રથમ વરસાદ વરસ્યો હતો. કેવડી, ચારણી, તાબદા સહિતના વિસ્તારમાં વરસાદ જોવા મળ્યો હતો. સુરત ગ્રામ્યનો હજુ સુધી માત્ર આ એક જ તાલુકો વરસવાનો બાકી હતો, તે પણ આજે વરસાદ થતાં ખેડૂતો મોજમાં આવ્યા હતા.

Your email address will not be published.