રાજકોટમાં ધોધમાર વરસાદ, જસદણમાં બે કલાકમાં અઢી ઈંચ, નદીઓમાં ઘોડાપુરની સ્થિતિ

| Updated: June 15, 2022 6:33 pm

રાજકોટમાં સતત પાંચમાં દિવસે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. આજે પંથકમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. ત્યારે ગ્રામ્ય વિસ્તારમાં વરસાદને લઈ ધરતીપુત્રોમાં ભારે ખુશીની લાગણી જોવા મળી રહી છે. તો બીજી બાજુ રાજકોટમાં વીજળી પડતા એક યુવાનનું મોત થયા હોવાનું જાણવા મળી રહ્યું છે.

રાજયના ઘણા વિસ્તારોમાં મેઘરાજા મનમુકી વરસી રહ્યા છે. જેમાં સૌરાષ્ટ્રમાં ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ફરી વળ્યા હતા. જસદણના બળધોઈ ગામમાં બે કલાકમાં અઢી ઈંચ વરસાદ પડ્યો છે. જેને પગલે બળધોઈની સરણ નદીમાં પ્રથમ વરસાદમાં જ પૂર આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. નોંધનીય છે કે જસદણના તાલુકાના 54 ગામમાં ચાલુ વર્ષે સૌ-પ્રથમ બળધોઈ ગામની સરણ નદીમાં પ્રથમ વખત પૂર આવ્યું છે.

આટકોટમાં વીરનગર, પાચવડા, જંગવડ સહિતના અનેક વિસ્તારોમાં આજે બપોરે વાતાવરણમાં પલટો આવ્યો હતો. કાળાં ડીબાંગ વાદળો ઘેરાયા હતા અને વિજળીનાં કડાકા-ભડાકા સાથે વરસાદ પડ્યો હતો. આટકોટમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ વરસતા પંથકના રસ્‍તાઓ પર વરસાદી પાણી વહેતા થયા હતા અને વાતાવરણમાં અનેરી ઠંડકનો લોકો અહેસાસ કરી રહ્યા હતા.

ઉપલેટા તાલુકાના ગ્રામ્ય પંથકનામાં ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. ઉપલેટા તાલુકાના પાનેલી,ખાખીજાળીયા, ઢાંક,સેવંત્રા મોજીરા,ગઢાળા સહિતના ગ્રામ્ય વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ વરસ્યો છે જેને લઇને ખેતરો તથા શેરી ગલીઓમાં પાણી વહેતા થયા છે. ગરમીથી રાહત મળતા લોકોમાં ખુશી જોવા મળી છે.

ગઇકાલે રાજકોટ શહેરમાં વરસાદ વરસ્યો હતો. આથી રાજમાર્ગો પર પાણી ભરાયા હતા. આ ઉપરાંત લોધિકા તાલુકામાં પણ વરસાદ વરસતા ખેતરો પાણી પાણી થયા હતા. સારા વરસાદથી આજે ખેડૂતોએ આ વિસ્તારમાં વાવણીના શ્રીગણેશ કર્યા હતા.

ત્યારે આજે અમદાવાદમાં પણ વાદણછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.ત્યારે શહેરના સરખેજ વિસ્તારમાં વરસાદી ઝાંપટા પડી રહ્યા છે. વરસાદી વરસતા લોકોમાં કાળઝાળ ગરમીથી રાહત મળી છે

Your email address will not be published.