રંગીલા રાજકોટમાં મેઘરાજની ધમાકેદાર એન્ટ્રી, રસ્તાઓ પર પાણી ફરી વળ્યા

| Updated: June 19, 2022 7:52 pm

રાજકોટમાં ધોધમાર વરસાદ શરુ થયો છે. શહેરના 150 ફુટ રિંગરોડ, રામાપીર ચોકડી,શીતલ પાર્ક અને મારોબી સહિતના વિસ્તારમાં વીજળીના કડાકા ભડાકા સાથે મેઘરાજા વરસી રહ્યા છે. ભારે વરસાદને પગલે રસ્તાઓ પર પાણી ભરાઈ ગયાના દ્રશ્યો જોવા મળ્યા છે.

આ અંગે મળતી માહિતી પ્રમાણે, રાજકોટમાં ભારે વરસાદને પગલે વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી છે. રંગીલા રાજકોટવાસીઓ વરસાદમાં ન્હાવા માટે બહાર નિકળી ગયા હતા. ઠંડકવાળા વાતાવરણની મોજ રાજકોટવાસીઓએ માણ્યો હતો. તો બીજી તરફ ગોંડલના અનેક પંથકમાં પણ વરસાદ નોંધાયો હતો. વેકરીયા પંથકમાં વરસાદ વરસતા ખેડૂતો અને ગામલોકોમાં પણ ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ગઇકાલે રાજકોટના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો. વાવણીલાયક વરસાદના પગલે ખેડૂતોમાં ખુશી જોવા મળી રહી છે.

સૌરાષ્ટ્ર ઉપરાંત દક્ષિણ ગુજરાત, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ અને તાપી સહિતના જિલ્લાઓ અને જુનાગઢ, અમરેલી, ભાવનગર, ગીરસોમનાથ જિલ્લા સહિતના અનેક જિલ્લાઓ અને તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. બનાસકાંઠા અને મહેસાણા તથા સાબરકાંઠાને બાદ કરતા તમામ જિલ્લાઓમાં હળવાથી ભારે વરસાદની આગાહી પણ હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. હાલ તો અમદાવાદીઓ પણ વરસાદની રાહ જોઇ રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, ગુજરાતના ઘણા વિસ્તારોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી જોવા મળી રહી છે. સૌરાષ્ટ્રના ઘણા વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. ભારે વરસાદને લઈ તમામ રોડ પર પાણી ફરી વળ્યા હતા. તો બીજી બાજુ હવામાન વિભાગના નિષ્ણાંત અંબાલાલ પટેલે આગામી 25 જૂનથી રાજયના ઘણા વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી આપી છે.

Your email address will not be published.