સૌરાષ્ટ્રમાં મેઘો ઘોઘમાર: ધરતીપુત્રોમાં હરખની હેલી, રસ્તાઓ બેટમાં ફેરવાયા

| Updated: June 23, 2022 7:04 pm

સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસી રહ્યો છે. સવારથી વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જૂનાગઢના માંગરોળ તાલુકાના બામણવાડા ગામે વરસાદી માહોલ જોવા મળ્યો હતો. 3 ઇંચ વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા. કૂવા રિચાર્જ થતા પાણીની આવક શરૂ થઇ હતી. ધોધમાર વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા.

રાજકોટના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો. બપોર બાદ વરસાદ વરસવાનો શરૂ થયો. ઉપલેટા તાલુકામાં ધોધમાર વરસાદ થતા ખેતરો પાણી પાણી થયા હતા. ગઢાળા,ખાખરીયા,સેવંત્રા ગામે સારો વરસાદ થતા ખેડૂતો ખુશીથી ઝૂમી ઉઠ્યા હતા. આ તરફ ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ થયો. ભાયાવદર અને આસપાસના ગ્રામ્ય વિસ્તાર ભીંજાઇ ગયા અને શેરીઓ અને બજાર પાણી પાણી થયા. વાવણીલાયક વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા.

પોરબંદર શહેર સહિત જિલ્લાના ઘેડ પંથક અને માધવપુરમાં ધોધમાર વરસાદ વરસ્યો. ગ્રામ્ય પંથકમાં પવન સાથે મેઘરાજાનું આગમન થતા ખેડૂતો વાવણીની શરૂઆત કરશે. સારા વરસાદને પગલે ખેડૂતોએ વાવેતરની તૈયારીઓ કરી લીધી.

પોરબંદરમાં શહેરમાં ધીમીધારે વરસાદનું આગમન થતા શહેરીજનોને ઉકળાટમાંથી રાહત મળી હતી. વરસાદથી વાતાવરણમાં ઠંડકની લહેર પ્રસરી હતી. સિઝનના પહેલા વરસાદથી લોકોમાં આનંદની લાગણી અને હાંશકારો અનુભવતા જોવા મળ્યા.

ઉલ્લેખનીય છે કે, અમદાવાદ શહેરમાં ગત મોડી રાત્રે ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. વરસાદને લઈ વાતાવરણ ઠંડુગાર બન્યુ હતુ જેથી લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ત્યારે આજે પણ સવારથી વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

Your email address will not be published.