અંબાણી-મર્ડોક વિરુધ્ધ જેફ બેઝોસ- આઇપીએલનાં મીડિયા રાઇટ્સ માટે મહારથીઓમાં જંગ

| Updated: June 10, 2022 10:48 am

આઇપીએલમાં ગુજરાત ટાઇટન્સે મેદાન મારીને તમામને ચોંકાવી દીધા હતા. હવે, રવિવારે આઇપીએલના લિનિયર અને ડિજિટલ મીડિયા રાઇટ્સની ઇ-ઓકશન (હરાજી) માટેનો તખ્તો તૈયાર થઈ ગયો છે, ત્યારે હવે જોવાનું છે કે કોઇ નવોદિત ખેલાડી તેના પર કબ્જો કરે છે કે કેમ?

 ઓક્શન પૂલમાં વિશ્વના કેટલાક સૌથી ધનિક અને જાણીતા એવા દસ લોકો મેદાનમાં છે.હરાજીમાં ડિજિટલ રાઇટ્સ માટે મુકેશ અંબાણીનાં વાયાકોમ18/રિલાયન્સ અને એમેઝોનના ચેરમેન જેફ બેઝોસ વચ્ચે સીધી ટક્કરની શક્યતા જોવામાં આવી રહી છે.
બેઝોસ દુનિયાના બીજા નંબરના સૌથી શ્રીંમંત વ્યક્તિ છે. અંબાણી નંબર નવ પર છે. હાલના મીડિયા રાઇટ્સ હોલ્ડર ડિઝની-સ્ટાર પણ સ્પર્ધામાં હશે, જ્યારે એપલ અને ગૂગલની હાજરી પણ બિડિંગ વોરને રસપ્રદ બનાવશે.

એવું મનાય છે કે ડિઝની-સ્ટાર મીડિયા રાઇટ્સને જાળવી રાખવા માટે આક્રમક બિડિંગ કરી શકે છે. કંપનીના ડિજિટલ પ્લેટફોર્મ હોટસ્ટારને તેની વૈશ્વિક આવકનો 30 ટકા હિસ્સો ભારતમાંથી મળે છે, જેમાં આઇપીએલ મહત્વનું ફેકટર છે. બીજી બાજુ એમેઝોન અને નેટફ્લિક્સની વૈશ્વિક આવકનો માત્ર 5થી 10 ટકા હિસ્સો જ ભારતમાંથી આવે છે.

રિલાયન્સ અને વાયકોમ18એ બોધિ ટ્રી સાથે વ્યૂહાત્મક ભાગીદારી કરીને આ પ્રોજેક્ટમાં 1.78 અબજ ડોલરનું રોકાણ કર્યું છે. આ એક ઇન્વેસ્ટમેન્ટ પ્લેટફોર્મ છે, જેનું સંચાલન મીડિયા ટાયકૂન જેમ્સ મર્ડોકની લ્યુપા સિસ્ટમ્સ અને સ્ટાર ઇન્ડિયાના ભૂતપૂર્વ એક્ઝિક્યુટિવ ઉદય શંકર કરે છે. સ્ટારના ચેરમેન-કમ-સીઈઓ તરીકે, શંકરે પાંચ વર્ષ પહેલાં બેઝ પ્રાઈસ કરતાં ચાર ગણી રકમ ચૂકવીને આઈપીએલના મીડિયા રાઇટ્સ મેળવીને આખુ ચિત્ર બદલી નાખ્યું હતું. હવે તે હરિફ કેમ્પમાં છે,રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ આ ટાઇ-અપ બાદ જણાવ્યું હતું કે, જેમ્સ અને ઉદયનો ટ્રેક રેકોર્ડ બેજોડ છે. 40 કરોડથી વધુ ગ્રાહકો સાથે રિલાયન્સની જિયો દેશની સૌથી મોટી ટેલિકમ્યુનિકેશન કંપની છે.

બેઝોસની એમેઝોન ઇંગ્લિશ પ્રીમિયર લીગનું લાઇવસ્ટ્રીમ કરે છે, જે વિશ્વની સૌથી લોકપ્રિય ફૂટબોલ લીગ છે. એમેઝોન વિશ્વની સૌથી લોકપ્રિય ક્રિકેટ લીગના ડિજિટલ મીડિયા રાઇટ્સને પણ હસ્તગત કરવા આગળ વધી શકે છે.
બેઝ પ્રાઈઝ કેટલી છે?

પાંચ વર્ષ પહેલા સ્ટારે 2018-2022ના વર્ષ માટે 16,347 કરોડ રૂપિયામાં આઈપીએલના મીડિયા રાઈટ્સ મેળવ્યા હતા. આ વખતે 2023-2027 માટે બીસીસીઆઈએ બેઝ પ્રાઈઝ 32,890 કરોડ રૂપિયા નક્કી કરી છે. બીસીસીઆઇના ટોચના અધિકારીના જણાવ્યા અનુસાર સૌથી વધુ બોલી 45,000 કરોડ રૂપિયાથી વધુ હોઇ શકે છે. બીસીસીઆઇના એક આંતરિક સૂત્રએ જણાવ્યું હતું કે, હરાજીની બોલી સામાન્ય નફા-નુકસાનના આધારે બોલાતી નથી. તે માર્કેટમાં વર્ચસ્વ માટે હોય છે.


ટેન્ડરના ડોક્યુમેન્ટ્સ કોણે મેળવ્યા?
મળતી માહિતી મુજબ ડિઝની-સ્ટાર, સોની, ઝી, વાયકોમ18/રિલાયન્સ, ગૂગલ, એમેઝોન, એપલ, ડ્રીમ11, સ્કાય સ્પોર્ટ્સ યુકે અને સુપરસ્પોર્ટ એસએએ ઇન્વિટેશન ટુ ટેન્ડર (આઇટીટી) ડોક્યુમેન્ટ્સ મેળવ્યા છે.જોકે, તેમાંથી કેટલાકે બેઝ પ્રાઇસમાં ધરખમ વધારા સામે નારાજગી વ્યક્ત કરી છે.

સોની પિક્ચર્સ નેટવર્ક્સ ઇન્ડિયાના મેનેજિંગ ડિરેક્ટર અને સીઇઓ એન.પી.સિંઘે ગયા મહિને જણાવ્યું હતું કે, બેઝ પ્રાઇસ વધારી પડતી છે અને વાસ્તવિકતાને ધ્યાનમાં રાખવી જોઇએ. કારણ કે આઈપીએલની ટીવી વ્યૂઅરશિપમાં 34 ટકાથી વધુનો ઘટાડો થયો છે, અને એ એવા સમયે જ્યારે રાઇટ્સ રિન્યું કરવામાં આવી રહ્યા છે.

બીસીસીઆઈમાં હજુ પણ આટલો આત્મવિશ્વાસ કેમ છે?
બીસીસીઆઇના એક અધિકારીના જણાવ્યા અનુસાર, એક પ્રોડક્ટ તરીકે આઇપીએલનું કોઇ હરીફ નથી. ચેન્નાઈ સુપર કિંગ્સના ચીફ એક્ઝિક્યુટિવ કાસી વિશ્વનાથન આ વાત સાથે સંમત છે.
તેઓ કહે છે કે, જો તમે આઈપીએલમાં રમાતી સ્પર્ધાત્મક ક્રિકેટ પર નજર નાખો તો બધા જાણે છે કે આ વિશ્વની શ્રેષ્ઠ ટી-20 લીગ છે અને કદાચ આ જ કારણ છે કે તેના મીડિયા રાઇટ્સની આટલી બધી માંગ છે.

ડિજિટલ રાઇટ્સ કેટલા મહત્વના છે?
ગત ટર્મથી વિપરીત, કમ્પોઝિટ બિડ્સ દૂર કરવામાં આવી છે. કોઈ કંપની ત્રણેય બકેટ માટે અલગથી બોલી લગાવી શકે છે. આ ઉપરાંત, આ વખતે, બીસીસીઆઈએ ડિજિટલ રાઇટ્સને બે અલગ અલગ બકેટમાં વહેંચી દીધા છે – એક તમામ મેચો માટે, જ્યારે ત્રીજી બકેટમાં ટૂર્નામેન્ટની પહેલી અને પ્લેઓફ સહિત દરેક સિઝનમાં 18 મેચો માટે નોન-એકઝીકયુટીવ રાઇટ્સ હોય છે. આ બાબત એવી કંપનીઓને આકર્ષી શકે છે કે જેઓ રાઇટસનનો નાનો હિસ્સો મેળવવા ઇચ્છુક હોય છે, જેના કારણે ક્રિકેટ બોર્ડને મોટી રકમ મળી શકે છે.

ટીમની સંખ્યામાં વધારો હરાજીની પ્રક્રિયા કેવી રીતે નક્કી કરશે?
બે નવી ટીમોના સમાવેશથી મેચની સંખ્યા વધીને 74 થઈ ગઈ છે અને તેના કારણે આ ટર્મમાં બેઝ પ્રાઇસમાં વધારો થયો છે જે 2017માં વિજેતા બિડ કરતાં બમણો છે. બે નવી ટીમોથી ટૂર્નામેન્ટનાં નવા ચાહકો વધ્યા છે. તેનાથી ટીવી/ઓનલાઈન વ્યૂઅરશિપમાં પણ ઝડપથી વધારો થવાની શકયતા છે.

શું આઇપીએલ વૈશ્વિક અપીલ ધરાવે છે?
ગત વર્ષે માન્ચેસ્ટર યુનાઇટેડના અમેરિકન માલિકો ગ્લેઝર્સે આઇપીએલની ફ્રેન્ચાઇઝીની હરાજીમાં ભાગ લીધો હતો, કારણ કે બે નવી ટીમોનો ઉમેરો કરવામાં આવ્યો હતો. એવું પણ નથી કે ગ્લેઝર્સ ક્રિકેટનાં ખાસ ચાહકો છે, પરંતુ તેમને આઈપીએલનું મોડેલ, જે એનબીએ અને મેજર લીગ બેઝબોલ જેવું જ છે તે આકર્ષક લાગ્યું હતું.

એનએફએલના લેજન્ડ લેરી ફિટ્ઝગેરાલ્ડ અને ડબલ ઓલિમ્પિક ગોલ્ડ મેડાલીસ્ટ બાસ્કેટબોલ સ્ટાર ક્રિસ પોલે રાજસ્થાન રોયલ્સમાં રોકાણ કર્યું છે. બે વર્ષ પહેલા ફોર્બ્સે આઇપીએલને વિશ્વની છઠ્ઠી સૌથી મોટી સ્પોર્ટસ લીગ ગણાવી હતી. વિશ્વના દરેક ભાગમાં રહેતા ભારતીય ડાયસ્પોરા આઈપીએલની વૈશ્વિક અપીલ વધારે છે.

Your email address will not be published.