હીના-સચિનના સંબંધોની બંને પરિવારોને જાણ હતીઃ હીનાએ પોલીસ હેલ્પલાઈનને કેમ ફોન કર્યો હતો?

| Updated: October 14, 2021 11:02 am

હીના હત્યાકેસમાં પોલીસ દ્વારા રોજ નવા ખુલાસા કરવામાં આવે છે. નવી જાણકારી પ્રમાણે હીના અને સચિનના સંબંધો વિશે બંનેના પરિવારોને પહેલેથી જાણ હતી. હીના અને સચિન લગ્ન કર્યા વગર લિવ-ઇન રિલેશનમાં રહેતા હતા અને તેમાં ઝઘડો થવાથી સચિને હીનાની હત્યા કરી હતી.

ગાંધીનગર રેન્જના આઈજી અભય ચુડાસમાએ પત્રકાર પરિષદમાં જણાવ્યું કે હીનાએ શાહીબાગ પોલીસ સ્ટેશનમાં સચિન સામે અરજી કરી હતી. આ અરજી મામલે પોલીસે સચિન સામે અટકાયતી પગલા ભર્યા હતા.

એટલું જ નહીં, હીનાએ એક વખત પોલીસ હેલ્પલાઇનને ફોન કરીને પૂછ્યું હતું કે તેણે કોની સાથે રહેવું? પતિ સાથે કે પ્રેમી સાથે? પોલીસ હેલ્પલાઇને તેને તે સમયે જ પતિ અથવા પરિવાર પાસે જવાની સલાહ આપી હતી.

આ ઉપરાંત અભય ચુડાસનાએ જણાવ્યું હતું કે સચિન અને હીના એકબીજાને પ્રેમ કરે છે તેની જાણ બંનેના પરિવારોને પહેલેથી હતી. સચિન દીક્ષિત પરિણિત હોવાની વાતથી પણ હીના વાકેફ હતી. સચિનના મોબાઈલમાં તેની પત્નીનો ફોન નંબર હીનાના હાથમાં આવી ગયો હતો. આ હકીકત બહાર આવતા હીના અને સચિન વચ્ચે ઝગડા થવા લાગ્યા હતા. અને બન્ને થોડો સમય છૂટા પણ પડી ગયા હતા.

બીજી તરફ સચિનના પ્રેમમાં ગળાડૂબ હીના તેને ભૂલી શકતી ન હતી. પરિણામે એકલી પડી ગયેલી હીના ગત. 1 નવેમ્બર 2019ના રોજ જીવન આસ્થા હેલ્પ લાઈનમાં ફોન કરીને પોતાના અને સચિન સંબંધો વિશે 54 મિનિટ સુધી ચર્ચા કરીને સલાહ પણ મેળવી હતી.

જીવન આસ્થાએ તેને પૂર્વ પતિ સાથે વાતચીત કરીને સમાધાન કરી લેવાની સલાહ આપી હતી. તેને એમ પણ કહેવામાં આવેલું કે તે સચિન દીક્ષિત પાસે ફરી ન જાય.

હીનાએ ત્યાં સુધી પૂછેલું કે સચિન ઉત્તર પ્રદેશનો છે, તો મારે શું કરવું. આ બાબતે વિસ્તૃત ચર્ચા કર્યા પછી જીવન આસ્થાએ તેને સચિન પાસે ન જવાની સ્પષ્ટ સલાહ આપી હતી, પરંતુ હીનાએ સચિન સાથે સંબંધો ફરીથી રાખ્યા. એક સમયે હીનાએ અમદાવાદ મહિલા પોલીસ મથકમાં સચિન દીક્ષિત વિરુદ્ધ અરજી પણ દાખલ કરી હતી.

હીના અને સચિનનું સમગ્ર પ્રેમ પ્રકરણ બંને પરિવારોમાં જાહેર થઈ ગયું હતું. આ દરમિયાન સચિનની બદલી વડોદરામાં થઈ અને તે હીના સાથે બાપોદ ખાતે દર્શનમ ઓએસિસમાં ભાડાના મકાનમાં રહેવા લાગ્યો હતો.

અંતે શુક્રવારે તા. 8 મી ઓક્ટોબરે સચિન દીક્ષિતે હીનાનું ગળું દબાવી લાશને બેગમાં પેક કરી રસોડામાં મૂકી દીધી હતી અને પોતાના સગા પુત્ર શિવાંશને ગૌશાળામાં તરછોડી દીધો હતો.

Your email address will not be published. Required fields are marked *