5400 કરોડના હવાલા કૌભાંડના આરોપી અફરોજ ફટ્ટાને હાઇકોર્ટની રાહતઃ રાજ્ય સરકારની અરજી ફગાવાઈ

| Updated: May 24, 2022 1:34 pm

સુરતઃ સુરતના 5,400 કરોડના હવાલા કૌભાંડના કેસમાં આરોપી અફરોઝ ફટ્ટાને ગુજરાત હાઇકોર્ટે રાહત આપી છે. હાઇકોર્ટે રાજ્ય સરકારની અરજી ફગાવી દેતા આ હવાલા કૌભાંડમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા ન હોવાની વાત સ્વીકારી છે.

હાઇકોર્ટે જણાવ્યું હતું કે અફરોઝ ફટ્ટા સામે જે પણ દાવા કરવામાં આવ્યા હતા તે બધા ખોટા છે અને દસ્તાવેજોમાં પણ કોઈપણ પ્રકારની અધિકૃતતા જોવા મળી નથી. આમ અફરોઝને નિર્દોષ છોડવાના સેશન્સ કોર્ટના આદેશને હાઇકોર્ટે યથાવત રાખ્યો છે. સેશન્સ કોર્ટના હુકમને પડકારતી અરજી હાઇકોર્ટે ફગાવી દીધી છે.

ઉલ્લેખનીય છે કે કરોડોના હવાલાના મુદ્દે અફરોઝ ફટ્ટા સામે પીએમએલએ એક્ટ હેઠળ ફરિયાદ નોંધાઈ હતી. સુરતમાં 5,400 કરોડના કૌભાંડમાં અફરોઝ ફટ્ટાની કોઈ ભૂમિકા ન હોવાની વાત સાથે હાઇકોર્ટ સંમત થઈ છે. અફરોઝ ફટ્ટા સામે પીએમએલએ હેઠળ કેસ થયો હતો, તેના પર હવાલા દ્વારા નાણા મોકલવાનો આરોપ હતો. ઇડી દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. આ કેસ લાંબા સમયથી ચાલી રહ્યો છે. હાઇકોર્ટે હવે અફરોઝ ફટ્ટાને રાહત આપી છે.

સમગ્ર કેસ પર જોઈએ તો ઇડીએ વર્ષો પહેલા સુરતના વેપારી અફરોઝ ફટ્ટા અને તેની બહેન  ફિઝિયાના ઘર તથા અન્ય સ્થળોએ દરોડા પાડીને તથા તેની સાથે સર્ચ ઓપરેશન હાથ ધરીને આંતરરાષ્ટ્રીય હવાલા કૌભાંડ પકડી પાડ્યું હતું. ઇડીએ અફરોઝ સામે કેસ દાખલ કરી તેને જેલના હવાલે કર્યો હતો. આ કેસમાં અફરોઝ ફટ્ટાને સેશન્સ કોર્ટે રાહત આપતા રાજ્ય સરકારે હાઇકોર્ટમાં અરજી કરી હતી.

આ ઉપરાંત ઇડીએ પણ કોર્ટ સમક્ષ એક અરજી દાખલ કરી અફરોઝની 79 જેટલી કંપનીઓના માલિકોને સમન્સ પાઠવવામાં મદદ માંગી છે. અગાઉ કોર્ટે આરોપીઓને કોર્ટ સમક્ષ હાજર રહેવા આદેશ આપ્યો હતો. આમ છતાં તેઓ હાજર ન રહેતા સામો વોરંટ પાઠવવા ઇડીએ માંગ કરી હતી. જો કે અરજી કોર્ટે ફગાવી દેતા તેમની સામે સમન્સ પાઠવવાની માંગ કરવામાં આવી હતી.

Your email address will not be published.