ગુજરાતની શાંતિ-સલામતીને છિન્‍ન-ભિન્‍ન કરનારા ષડયંત્રકારીઓની ધર્મ-જાતિના ભેદભાવ વગર ધરપકડ કરવા માંગ

| Updated: April 12, 2022 8:17 pm

રાજયમાં રામનવમીના દિવસે શોભાયાત્રા દરમ્‍યાન હિંમતનગર અને ખંભાત ખાતે પથ્‍થરમારો અને આગચંપીની ઘટનાઓ બની હતી. હિંમતનગર ખાતે ચારથી વધુ ધાર્મિક સ્‍થળો સહિત કરોડો રૂપિયાની માલ-મિલ્‍કત સળગાવી દેવામાં આવી હતી. ખંભાતમાં પથ્‍થરમારાની ઘટના બાદ ટોળા દ્વારા ખંભાત શહેરમાં દુકાનો, મકાનો અને લારીઓ સળગાવવામાં આવી હતી. જો કે આ ઘટનામાં એક વૃદ્ધે પોતાનો જીવ ગુમાવવાનો વારો આવ્‍યો હતો. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોએ આ ઘટના પાછળના આરોપીઓ સામે કાયદાકીય કાર્યવાહી કરવા સીએમ ભૂપેન્દ્ર પટેલને લેખિતમાં રજૂઆત કરી હતી.

રામનવમીની શોભાયાત્રા દરમ્‍યાન બે ધર્મના લોકો વચ્‍ચે અશાંતિ ફેલાવવા અને શાંતિ-સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળાવાની શક્‍યતા આણંદના એક સામાજીક આગેવાન દ્વારા વ્‍યક્‍ત કરવામાં આવેલ અને સોશિયલ મીડીયા દ્વારા પણ આશંકા દર્શાવવામાં આવી હતી. આવી ભીતિ અંગે સેન્‍ટ્રલ આઈ.બી.ના અધિકારી અને પોલીસ અધિક્ષક આણંદને ટેલિફોનિક રજૂઆત કરી હતી.

રાજયમાં અશાંતિનું વાતાવરણ ઉભું કરવાના ષડયંત્રના ભાગરૂપે રાજકીય લોકો અને રાજકારણ સાથે સંકળાયેલ સંસ્‍થાઓ બેખોફ રીતે ભડકાઉ ભાષણો આપી રહ્‌યા છે. રેલીઓમાં લોકોની ધાર્મિક લાગણી દુભાવતા ગીતો વગાડવામાં આવે છે અને નારાઓ લગાવવામાં આવે છે, જેના કારણે કોમવાદી ઘટનાઓને અંજામ મળે છે. તંત્ર દ્વારા કોઈ પગલાં ન લેવાતા હોવાથી તોફાની તત્ત્વોને સરકારનું સીધું પીઠબળ છે અને આવી ઘટનાઓ રાજકીય કારણોસર સરકારની શેહ પર થઈ રહી છે તેવી પ્રતીતિ પ્રજાને થાય છે.

રાજયમાં શાંતિ અને સદ્‌ભાવનાનું વાતાવરણ ડહોળવા માટે બનતી ઘટનાઓ સમયે રાજકીય લોકો નિર્લજ્જપણે પોલીસ દ્વારા થતી નિષ્‍પક્ષ કાર્યવાહીમાં હસ્‍તક્ષેપ કરે છે ત્‍યારે સરકાર દ્વારા રાજકીય હસ્‍તક્ષેપ અટકાવી, પોલીસને ધર્મ-જાતિથી પર રહી નિષ્‍પક્ષ અને તટસ્‍થ કાર્યવાહી કરવા દેવી જોઈએ.

રાજયમાં આવી ઘટનાઓ બનતી અટકાવવા માટે તોફાની તત્ત્વોને પ્રોત્‍સાહિત કરવાના બદલે સરકારે સાચા ગુનેગારોને વીણીવીણીને પકડવા જોઈએ અને તેમની સામે ફરિયાદ નોંધી કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. પ્રજા અને મીડીયાને સરકાર અને પોલીસ કામગીરી કરી રહી છે તેવી પ્રતીતિ કરાવવા માટે નિર્દોષ નાગરિકોની થતી ધરપકડ બંધ કરવી જોઈએ. સર્વે સમાજના ધાર્મિક કાર્યક્રમો, રેલીઓ વગેરેનું ચોક્કસ વિડીયો રેકોર્ડીંગ થવું જોઈએ અને આઈ.બી. દ્વારા આવા કાર્યક્રમોમાં વોચ રાખવી જોઈએ. પોલીસ દ્વારા ધર્મ અને જાતિના ભેદભાવ વગર ષડયંત્રકારીઓની ધરપકડ થાય, સાચા ગુનેગારો સામે કડક પગલાં લેવાય અને ઘટનાસ્‍થળે ચુસ્‍ત પોલીસ બંદોબસ્‍ત ગોઠવી નિષ્‍પક્ષ કાર્યવાહી થાય તે માટે ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખ અને ઈમરાન ખેડાવાલાએ રજૂઆત કરી છે.

હિંમતનગર અને ખંભાત શહેરોમાં માલ-મિલ્‍કત સળગાવવાની ઘટનામાં પોલીસ દ્વારા થયેલ FIRમાં આવી ઘટનાઓનો કોઈ ઉલ્લેખ કરવામાં આવેલ નથી કે નુકસાન પામનાર લોકોની ફરિયાદ પણ નોંધવામાં આવી નથી ત્‍યારે આ તમામ ઘટનાઓ અંગે ઘટનાવાર FIR નોંધવી જોઈએ તેવી પણ માંગણી કરી છે.

Your email address will not be published.