લોકોમાં હજી ભય: હિંમતનગરમાં તોફાનો બાદ વધુ બે ભાડુઆતે મકાન ખાલી કર્યા

| Updated: April 15, 2022 1:49 pm

ગુજરાતમાં રામનવમીના દિવસે શોભાયાત્રા નીકાળવામાં આવી હતી. આ શોભાયાત્રામાં હિંમતનગરના છાપરિયા વિસ્તારમાં બે જૂથ વચ્ચે પથ્થરમારો થયાની ઘટના બની હતી. આ ઘટના બાદ લોકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ભયના લીધે વધુ બે ભાડુઆત પરિવારો દ્વારા પલાયન કર્યું છે.

હિંમતનગરના છાપરીયામાં વાસમાં રવિવારના રોજ કોમી રમખાણો બાદ 7 પરિવારોએ સ્થળાંતર કર્યું હતું. ત્યારે આ વિસ્તારમાં હજી પણ લોકો ભય વચ્ચે જીવી રહ્યા છે. ત્યારે ભાડે રહેતા ધનેસિંગ પનસિંગ રાજપુત બુધવારે મકાન ખાલી કરીને બીજે ભાડેથી રહેવા જતા રહ્યા છે તેમણે જણાવ્યું કે માહોલ બહુ ખરાબ છે પરિવાર સાથે રહી શકાય તેમ નથી થોડા અરસા અગાઉ પાંચ લાખથી વધુ મત્તાની ઘરફોડ પણ થઈ હતી. કૈલાશ મંડપ સર્વિસનો વ્યવસાય કરતાં રાહુલભાઈ રતિલાલ મેઘાએ જણાવ્યું કે મકાનમાં ઉપર-નીચે ગાદલા, ખુરશી સહિતનો સામાન ભરેલો હતો જે રીતે ચર્ચાઓ થઈ રહી છે તે જોતાં ગમે ત્યારે આગજની કે હુમલો થવાની સ્થિતિમાં અસુરક્ષા અનુભવાઇ રહી છે એટલે ખાલી કર્યું.

હિંમતનગર શહેરમાં થયેલ તોફાનો મામલે તપાસ કરી રહેલ સાયબરસેલ પી.આઇ. જે.એ. રાઠવાએ જણાવ્યું કે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ ગુનાના આરોપીઓને રિમાન્ડ દરમિયાન ફૂટેજ બતાવીને ઓળખ કરી વધુ 5 આરોપીઓની અટકાયત કરાઇ છે. ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઇન્ટેલીજન્સની મદદથી તમામ સંભાવનાઓ ચકાસાઇ રહી છે.

Your email address will not be published.