ક્રોએશિયામાં રોમા કોન્ફરન્સ યોજાઇ, શું આ સમુદાયને ભારતીય ડાયસ્પોરા કહી શકાય?

| Updated: April 18, 2022 9:19 am

રોમા લોકો કોણ છે? શા માટે તેમને ભારતીય ડાયસ્પોરા કહી શકાય? ગયા વર્ષે ઓક્ટોબરમાં, ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સ (આઇસીસીઆર)એ જાહેરાત કરી હતી કે રિપબ્લિકન ઓફ ક્રોએશિયા આ વર્ષે 8  એપ્રિલે આંતરરાષ્ટ્રીય રોમાની દિવસના બે દિવસ પછી તેની રાજધાની ઝાગ્રેબમાં ઇન્ટરનેશનલ કોન્ફરન્સનું આયોજન કરશે. બે-દિવસીય કોન્ફરન્સનાં એક અઠવાડિયા પહેલા તેના આયોજકોએ જણાવ્યું હતું કે કોન્ફરન્સમાં એક અનોખા વિષય “રોમા એઝ ધ ઇન્ડિયન ડાયસ્પોરા” ચર્ચા થશે.

આઈસીસીઆરની આ જાહેરાત સંસ્થાના ડાયરેકટર જનરલ દિનેશ કે. પટનાયકે ઝાગ્રેબની મુલાકાત લીધી તે પછી કરાઇ હતી. તેમણે ક્રોએશિયાનાં સંસદ સભ્ય વેલ્જકો કજતાઝી સાથે મુલાકાત કરી હતી, જે ક્રોએશિયામાં રોમાની લોકોની એક સંસ્થા કાલી સારાના ભૂતપૂર્વ પ્રમુખ પણ છે.

સેન્ટ્રલ યુનિવર્સિટી ઓફ ગુજરાતના સેન્ટર ફોર ડાયસ્પોરા સ્ટડીઝના પ્રોફેસર ડો.અતનુ મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ડિપ્લોમેટિક સ્તરે રોમા (રોમાની) સમુદાય સાથે ભારત સરકારનું જોડાણ ભલે ખાસ ન હોય, પણ તેમાં કોઇ નવાઇની વાત પણ નથી. 1983માં ચંદીગઢમાં યોજાયેલા રોમા સંમેલનમાં ઇન્દિરા ગાંધીએ આ સમુદાયની પ્રશંસા કરી હતી અને જણાવ્યું હતું કે કહ્યું હતું કે તેઓ રોમા સમુદાય સાથે નાતો અનુભવે છે. લગભગ બે દાયકા બાદ 2001માં, ભારત સરકારના સહયોગથી  યોજાયેલી ઇન્ટરનેશનલ રોમા કોન્ફરન્સમાં ભૂતપૂર્વ વડા પ્રધાન અટલ બિહારી વાજપેયીએ રોમા સમુદાયના નેતાઓ સાથે મુલાકાત કરી હતી. જે આ સમુદાય સાથે બીજુ ઉચ્ચ સ્તરીય ડિપ્લોમેટિક જોડાણ હતું.
2016માં, ભારતના ભૂતપૂર્વ વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજે આંતરરાષ્ટ્રીય રોમા કોન્ફરન્સ અને સાંસ્કૃતિક મહોત્સવમાં સંબોધન કરતા કહ્યું હતું કે રોમા ભારતીય નૈતિકતાના સંપૂર્ણ વાહક છે. આ સંબોધનના અઠવાડિયા પછી, એપ્રિલ 2016માં, લોકસભામાં સંસદ સભ્ય ભોલા સિંહે એક તારાંકિત પ્રશ્ન પુછ્યો હતો કે શું રોમા લોકો ભારતીય ડાયસ્પોરા છે અને રોમા લોકોના મૂળ શોધવા માટે કોઈ અભ્યાસની વિચારણા છે?

ઐતિહાસિક દસ્તાવેજો મુજબ રોમા લોકોનું સ્થળાંતર પાંચમી સદીની આસપાસ ઉત્તર-પશ્ચિમ ભારતમાંથી શરૂ થયું હતું.ભારતમાં આક્રમણ કરનાર સિકંદર તેની સાથે મોટી સંખ્યામાં નિષ્ણાત લુહાર અને ખાસ કરીને ડોમ્સ, બંજારા, ચૌહાણો, ગુર્જરો, સાંચીઓ, ધનગરો અને સિકલીગર જેવા આ પ્રદેશના વિચરતા જૂથોમાંથી મોટી સંખ્યામાં લોકોને સાથે લઇ ગયો હતો.

2016માં, વિદેશ રાજ્ય મંત્રી, જનરલ વી. કે. સિંઘ (નિવૃત્ત)એ ભોલા સિંહના પ્રશ્નનો જવાબ આપતા કહ્યું હતું કે રોમા કોન્ફરન્સનો આશય રોમા સમુદાય સાથે સાંસ્કૃતિક અને ભાષાકીય જોડાણો ફરીથી સ્થાપિત કરવાનો તેમજ વિદ્વાનોના અભ્યાસોની સમીક્ષા કરવાનો છે.જોકે તેમણે  રોમાને ભારતીય ડાયસ્પોરાના એક ભાગ તરીકે માન્યતા આપવાની ભારત સરકારની કોઈ યોજનાનો ઉલ્લેખ કર્યો ન હતો.

સોમવારે કોન્ફરન્સના પ્રથમ દિવસે ક્રોએશિયાના વડાપ્રધાન એન્ડ્રેજ પ્લેન્કોવિક, રોમા નેતાઓ અને રિપબ્લિક ઓફ ક્રોએશિયામાં ભારતના રાજદૂત રાજ કુમાર શ્રીવાસ્તવની હાજરીમાં કાજતાઝીએ જણાવ્યું હતું કે આ કોન્ફરન્સનો એક ઉદ્દેશ રોમાની સમુદાયનું ભારતીય મૂળ શું છે અને આ સમુદાય ભારત પાસેથી શું ઇચ્છે છે તે પ્રશ્નનો જવાબ આપવાનો છે. શું સાંસ્કૃતિક અને પ્રસંગોપાત સહયોગ પૂરતો છે કે પછી આપણે રજુઆત કરવી જોઇએ કે એક સમુદાય તરીકે અમને ઔપચારિક કાનૂની અને રાજકીય માન્યતા મળે.

ઐતિહાસિક પૃષ્ઠભુમિ
સમુદાયના દ્રષ્ટિકોણથી જોકે જવાબો આસાન નથી.કજતાઝીએ તેમના સંબોધનમાં સ્વીકાર્યું હતું કે  રોમા સમગ્ર વિશ્વમાં ફેલાયેલા છે. આ સમુદાયે ઐતિહાસિક રીતે વિશ્વના કેટલાક ભાગોમાં પૂર્વગ્રહ, હિંસા, ભેદભાવ અને જાતિવાદનો સામનો કર્યો છે તેમજ આરોગ્ય સંભાળ, શિક્ષણ, આવાસ, રોજગાર, સરકારી સેવાઓ વગેરેમાં સમાન તકોથી વંચિત રાખવામાં આવ્યા છે. તેમણે આ બધા સામે લડવાનું ચાલું રાખ્યું છે.

ક્રોએશિયામાં ગવર્નમેન્ટ ઓફિસ ફોર હ્યુમન રાઇટ્સ એન્ડ રાઇટ્સ ઓફ નેશનલ માઇનોરિટી્સના ડિરેક્ટર એલન તાહિરી માને છે કે રોમા સમુદાયને આવી મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. લગભગ 1,000 વર્ષના અન્યાયને એક, બે કે ત્રણ દાયકામાં ઉકેલી શકાય છે તેવી અપેક્ષા રાખવી કદાચ અવાસ્તવિક છે.
તાહિરીએ બીજા વિશ્વયુદ્ધ દરમિયાન રોમા લોકોની સતામણી તરફ ધ્યાન દોર્યું હતું. ઘણા રોમા માટે હાંસિયામાં ધકેલાવું, ભેદભાવ, ગરીબી, શિક્ષણનો અભાવ, નબળું આરોગ્ય અને આવાસ જેવા વિષચક્રમાંથી બહાર નીકળવું અશક્ય અથવા ખૂબ મુશ્કેલ છે તેમ તેમણે જણાવ્યું હતું.

કેટલાક સંશોધકોનું માનવું છે કે ખાસ કરીને યુરોપમાં રહેતા રોમા પોતાનું રાજ્ય ન હોય તેવા જૂથોમાંના એક છે. આ તે સ્થાન છે જ્યાં રાષ્ટ્ર-રાજ્ય દ્વારા ઓળખ અને માન્યતાને લગતી ચર્ચાઓ સમુદાય માટે મહત્વપૂર્ણ બને છે. કારણ કે તે સમુદાયના સતામણીના ઇતિહાસ સાથે જોડાયેલી છે.

જન્મ સમયે રોમા બાળકોની નોંધણી થતી ન હતી કારણ કે ઘણી રોમા મહિલાઓએ વિવિધ કારણોસર ઘરે જન્મ આપ્યો હતો. સંઘર્ષના સમય દરમિયાન, જેમાં ક્રોએશિયા, બોસ્નિયા અને કોસોવોમાં તાજેતરના યુદ્ધોનો સમાવેશ થાય છે, તેનાથી રોમાની સમસ્યામાં વધારો થયો હતો. ક્રોએશિયામાં આ સમસ્યા અન્ય ઘણા દેશોની તુલનામાં ઘણી ઓછી  છે, પરંતુ હજુ પણ નોંધપાત્ર છે તેમ તાહિરીએ જણાવ્યું હતું. યુરોપિયન યુનિયનના સભ્ય રાષ્ટ્રો સહિત યુરોપમાં રોમા સૌથી વધુ ભેદભાવનો ભોગ બનતા સમુદાય પૈકીનાં હોવાનું જણાયું છે.

રોમાને ભારત સાથે જોડતી કડી પર બહુ ઓછું સંશોધન થયું છે. તાહિરી કહે છે કે કારણ કે આ વિષય જટિલ છે અને ભારતમાં રોમા સમુદાય વિશે હજુ પણ બહુ ઓછી જાગૃતિ અને જાણકારી છે. જોકે ભારત સરકાર છેલ્લાં થોડાં વરસોથી આ સમુદાયમાં વધારે રસ લઈ રહી છે.

2016થી રોમા અંગે પર દ્વિવાર્ષિક કોન્ફરન્સ યોજવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. ઉપરાંત સમયાંતરે રોમા સાંસ્કૃતિક તહેવારોનું આયોજન કરવામાં આવે છે. ઇન્ડિયન કાઉન્સિલ ફોર ઇન્ટરનેશનલ કોઓપરેશને સેન્ટર ફોર રોમા સ્ટડીઝ એન્ડ કલ્ચરલ રિલેશન્સની સ્થાપના કરી છે. જેનો હેતું રોમા સંસ્થાઓ, નાગરિક સંગઠનો અને એનજીઓ સાથે લાંબા ગાળાના સંબંધો વિકસાવવાનો છે તેમ ક્રોએશિયામાં ભારતના રાજદૂત રાજ કુમાર શ્રીવાસ્તવે પોતાના સંબોધનમાં જણાવ્યું હતું.

ડો.મહાપાત્રાએ જણાવ્યું હતું કે, ડાયસ્પોરા શબ્દનો અર્થ વ્યાપક બનતો રહ્યો છે. ડાયસ્પોરાનો  અર્થ એવો જ નથી કે સમુદાય વતન પરત ફરવા માગે છે. તેનો અર્થ એ પણ છે કે સમુદાય વાતચીત કરવાનો અને માતૃભૂમિ સાથે જોડાવાની આશા રાખે છે. રોમા લોકોએ સદીઓ પહેલા સ્થળાંતર કર્યું હતું, તેઓ જ્યાં સ્થાયી થયા હતા તે દેશોમાં હળી-ભળી ગયા છે પરંતુ તેમની આગવી સાંસ્કૃતિક પદ્ધતિઓને વળગી રહ્યા છે. પરંતુ આ સાંસ્કૃતિક પ્રથાઓને જોઇએ તો તે ભારતીય ઉપખંડ સાથેના તેમનો નાતો દર્શાવે છે.

મહાપાત્ર કહે છે કે, હું માનું છું કે તેમને ભારતીય ડાયસ્પોરા અથવા વિસ્તૃત ડાયસ્પોરિક સમુદાય કે પછી પ્રાચીન ડાયસ્પોરિક સમુદાયનો દરજ્જો આપી શકાય છે, કારણ કે તેઓ ઘણા સમય પહેલા સ્થળાંતર કરી ગયા હતા.ડાયસ્પોરિક સમુદાયોની દ્રષ્ટિએ તેઓ ચોક્કસપણે અનન્ય છે.

કજતાઝીએ જણાવ્યું હતું કે રોમાની ઓળખ ભારતીય ડાયસ્પોરાના ભાગ રૂપે વિશ્વભરના સમુદાયને લાગુ પડશે. તેમણે કહ્યું કે તે કારણથી જ કોન્ફરન્સમાં 17 જુદા જુદા દેશોના રોમાના પ્રતિનિધિઓ હાજર રહ્યા હતા. કજતાઝી માને છે કે રોમાની લોકોને ભારતીય ડાયસ્પોરાના એક ભાગ તરીકે સ્વીકારવાથી તેમને વધુ તક મળશે. તેઓ ભારતમાં ખાસ કરીને શિક્ષણ અને વ્યવસાયના ક્ષેત્રોમાં આદાન-પ્રદાન પણ કરી શકશે.રોમા લોકો ઘણા દેશોમાં ફેલાયેલા છે અને તેઓ ઐતિહાસિક રીતે ભારતને તેમના પ્રાચીન વતન તરીકે જુએ છે.

દુનિયાભરમાં ફેલાયેલા લગભગ અઢી કરોડ રોમાને લોકોને ઓળખ આપવી એ એક વિકટ કામ છે.મહાપાત્રા કહે છે કે, હજુ એ સ્પષ્ટ નથી કે આવી માન્યતા વિશ્વભરના તમામ રોમાને કેવી રીતે મદદ કરશે. તે એક કારણ હોઈ શકે છે કે ભારત સરકારે હજી સુધી તે માટેનો કોઇ નક્કર દ્રષ્ટિકોણ રજૂ કર્યો નથી. ઓવરસીઝ સિટિઝનશિપ ઓફ ઇન્ડિયા (ઓસીઆઇ કાર્ડ) જેવી હાલની યોજનાઓમાં ઘણા નિયમો છે જે રોમાના કિસ્સામાં લાગુ પડે તે જરૂરી નથી પરંતું તેમને વિસ્તૃત ડાયસ્પોરિક દરજ્જો ચોક્કસપણે આપી શકાય છે.

Read Also: ભારત સરકારની ટીકાને દબાવી દેવાનાં પ્રયાસનાં વિરોધમાં 14 શિક્ષણવિદોએ એઆઈઆઈ સાથે છેડો ફાડ્યો

Your email address will not be published.