પાટણમાં હિટ એન્ડ રન કેસઃ પૂરપાટ જતી જીપ ઝૂંપડપટ્ટીમાં ઘુસી જતા બેના મોત

| Updated: October 14, 2021 2:36 pm

પાટણ શહેરમાં હિટ એન્ડ રનની ચોંકાવનારી ઘટના બની છે. શહેરના જીમખાનાથી અનાવાડા રોડ પર પૂરઝડપે આવી રહેલી એક જીપે બે લોકોને કચડીને મારી નાખ્યા છે.

પોલીસે જણાવ્યા પ્રમાણે ખુલ્લી જીપ ઝૂપડપટ્ટીમાં ધસી ગઈ હતી. જેમાં જીપે સૌથી પહેલા કપડાં ધોતી યુવતીને કચડી નાખી અને પછી ખાટલામાં સૂતેલા વૃદ્ધને કચડ્યા હતા. બંનેના ઘટના સ્થળે જ મોત નિપજ્યા હતા. આ ઘટનાને પગલે સ્થળ પર લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા.

સૂત્રોએ જણાવ્યું કે આજે સવારે પરિવારના કેટલાક સભ્યો ઘરની બહાર બેઠા હતા. તે દરમિયાન અનાવાડા રોડ પરથી અચાનક એક ખુલ્લી જીપ પૂરઝડપે આવી ચઢી હતી. જીપના ચાલકે ગફલત ભરી રીતે જીપ હંકારીને ઝૂપડપટ્ટી વિસ્તારના એક રહેણાંક મકાનમાં ઘુસાવી હતી. આ સમયે ઘરની બહાર બેઠેલ પરિવારના બે સભ્યોને જીપે અડફેટે લીધી હતી. જીપની ટક્કરથી કપડા ધોતી યુવતી ઘવાઈ હતી, તો સાથે જ ઘરની બહાર ખાટલા પર સૂતા વૃદ્ધ પણ અડફેટે આવ્યા હતા. બંને જીપની ટક્કરે ગંભીર રીતે ઘાયલ થયા હતા.

બંને ઇજાગ્રસ્તોને તાત્કાલિક પાટણ સિવિલ અને ત્યાર બાદ ધારપુર સિવિલ હોસ્પિટલે સારવાર માટે લઈ જવાયા હતા. જ્યાં 20 વર્ષિય સાહિસ્તા દાદામિયાં સૈયદ અને 60 વર્ષિય દિલાવર ભાઈ રશીલ બલોચના સારવાર દરમ્યાન મોત નિપજ્યા હતા. જીપનો ચાલક ઘટના સ્થળે જ જીપ મૂકીને ભાગી ગયો હતો. અકસ્માતને પગલે એક મકાનને પણ ભારે નુકસાની થઈ હતી. પોલીસે હાલ ગુનો નોંધી જીપમાં ચાલકની શોધખોળ હાથ ધરી છે.

Your email address will not be published. Required fields are marked *