પવિત્ર શ્રાવણ માસનો આજથી પ્રારંભ; સોમનાથમાં સુરક્ષા વ્યવસ્થાથી માંડીને દર્શનના સમયની વિગતો જાણો

| Updated: July 29, 2022 8:55 am

શુક્રવારથી પવિત્ર શ્રાવણ (Shravan) માસનો પ્રારંભ થયો. શ્રાવણ મહિનાની શરુઆત સાથે હિંદુ ધર્મમાં તહેવારોની સિઝન શરુ થાય છે અને તે દિવાળી સુધી ચાલુ રહે છે. ભગવાન શિવની કૃપા મેળવવા માટે આ મહિનો ખૂબ જ શુભ છે. હિંદુ પંચાંગમાં બધા જ મહિનાનું નામ નક્ષત્રો ઉપર આધારિત છે. દરેક મહિનાની પૂનમે જે નક્ષત્રમાં ચંદ્ર હોય છે તે મહિનાનું નામ તે નક્ષત્રના આધારે રાખવામાં આવ્યું છે. શ્રાવણ નામ પણ શ્રવણ નક્ષત્રને આધારિત છે. શ્રાવણ મહિનાની પૂનમે ચંદ્ર શ્રવણ નક્ષત્રમાં રહે છે. એટલે પ્રાચીન જ્યોતિષીઓએ આ મહિનાનું નામ શ્રાવણ રાખ્યું છે. 

આ પવિત્ર  શ્રાવણ (Shravan) માસના પ્રારંભે સોમનાથ મંદિર ખાતે બે વર્ષ બાદ દર્શનાર્થીઓ મહાદેવના દર્શન કરી શકશે. મંદિરમાં થતી તમામ પૂજા વિધી માટે શ્રદ્ધાળુઓ ટ્રસ્ટની વેબસાઇટ પરથી ઓનલાઇન પૂજા વિધી નોંધાવી શકશે. લાંબા સમય બાદ શ્રાવણ માસમાં દેવાધિદેવના દર્શન થતા હોવાથી સોમનાથ મંદિર ખાતે 10 લાખ શ્રદ્ધાળુઓ ઉમટી પડે તેવી શક્યતા છે. તેના માટે સોમનાથ મંદિર ખાતે સુરક્ષા વ્યવસ્થાથી માંડીને દર્શનની તમામ વ્યવસ્થાઓ પૂર્ણ કરવામાં આવી છે.

ભગવાન સોમનાથના દર્શને આવતા ભક્તોને સવાર, બપોર અને સાંજની આરતીમાં પણ મંદિરમાં પ્રવેશ આપવામાં આવશે, ભક્તોને કોરોના ગાઈડલાઈનનું પાલન કરવાનું રહેશે. કોઈ પણ ભક્ત મંદિરમાં ઉભા રહી શકશે નહીં, સતત ચાલતા જ આરતી, દર્શન કરી શકાશે. ટ્રસ્‍ટની વેબસાઇટ અને સોશિયલ મીડિયાના ઓફિશયલ પેજ પરથી ભાવિકો ઘર બેઠાં સોમનાથ મહાદેવના લાઇવ દર્શન કરી શકે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. સોમનાથ ખાતે મહાદેવને વિશિષ્ટ અલગ અલગ શણગાર કરવામાં આવશે. તો દિવ્યાંગ, અશક્ત યાત્રિકો માટે વ્હિલચેર અને ઇ રીક્ષા પણ  ઉપલબ્ધ રહેશે.

યાત્રિકોને મુશ્કેલી ન પડે તે માટે વિશેષ પોલીસ બંદોબસ્ત તેમજ સ્ટાફની સુવિધા રાખવામાં આવી છે. તો સરદાર પટેલની પ્રતિમા નજીક મંત્રજાપ માટે કુટિર પણ બનાવવામાં આવી છે.

સોમનાથની આસપાસ આવેલા ભાલકા તીર્થ, ગીતા મંદિર, ગોલોકધામ તીર્થમાં શ્રાવણ માસને અનુલક્ષીને એકમથી અમાસ સુધી હિંડોળા દર્શનનું આયોજન કરવામાં આવ્યું છે.

શ્રાવણ (Shravan) માસ દરમિયાન ટ્રાફિકની વ્યવસ્થામાં ફેરફાર કરવામાં આવ્યો છે. આ સમય દરમિયાન ગુરૂકુળ શંખ સર્લથી શ્રીરામ મંદિરનો રસ્તો એકમાર્ગીય રહેશે. પાર્કિંગ સુવિધા ,ક્લોક રૂમ, જૂતાઘરની સુવિધા પણ વધારવામાં આવી છે. મંદિર ટ્રસ્ટ, નગર પાલિકા, પવિત્ર યાત્રાધાર્ વિકાસ બોર્ડ દ્વારા સ્વચ્છતા જાળવવાની અપીલ કરવામાં આવી છે.

પવિત્ર શ્રાવણ માસમાં સોમનાથ મંદિર ખાતે દર્શનનો સમય

  • સવારે 6-15થી પ્રાત મહાપૂજાના પ્રારંભ થશે
  • 7-00 વાગ્યે પ્રાતઃઆરતી થશે
  • 7-45 થી સવાલક્ષ બિલ્વાર્ચન અર્પણ થશે
  • 9-00 વાગ્યાથી યાત્રિકો દ્વારા નોંધાવાવમાં આવેલા રૂદ્રપાઠ તેમજ મૃત્યુંજય મંત્રનો પાઠ કરવામાં આવશે.
  • 11-00 વાગ્યે મધ્યાહન પૂજા અને મહાદુગ્ધ અભિષેક કરવામાં આવશે
  • 12-00 વાગ્યે મધ્યાહન આરતી થશે
  • સાંજે 5 થી 8 દરમિયાન શૃંગાર દર્શન અને દીપમાળાના દર્શન થશે
  • સાંજે 7-00 વાગ્યે સંધ્યા આરતી થશે
  • રવિવાર તથા સોમવાર અને તહેવારના દિવસોમાં દર્શનનો સમય સવારે 4 વાગ્યાથી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે બાકીના દિવસોમાં દર્શનનો સમય સવારે 5-30થી રાત્રે 10-00 વાગ્યા સુધી રહેશે.

આ પણ વાંચો: જાણો ભાવનગર સ્થિત ખોડિયાર મંદિર વિશે વાઈબ્સ ઓફ ઇન્ડિયા દ્વારા

Your email address will not be published.