અસારવા વિધાનસભામાં 2017માં ચૂંટાયેલા પ્રદીપ પરમાર કોઈ રાજકીય બેક ગ્રાઉન્ડ વગર માત્ર લોકોની સેવા અને સમાજના મુદ્દે રહેલી સંવેદનાને કારણે આજે ગુજરાત રાજયના સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના કેબિનેટ મંત્રી બન્યા છે.
જીવનમાં સેવા અને સંઘર્ષ કરીને આ મુકામ સુધી પહોંચનાર પ્રદીપ પરમાર મંત્રી બન્યા પછી પણ પોતાના પરિવાર સાથે પોતાના કલાપીનગરમાં આવેલ પરિવારીક મકાનમાં રહે છે. પ્રદીપ પરમારનું માનવું છે કે જે જનતાએ આપણને નેતા બનાવ્યા છે એમની સાથે રહેવું એ પસંદ કરતાં હોય છે. હાલમાં તેઓ પોતાના મત વિસ્તાર અને કાયમી સરનામા કલાપી નગર ચાર રસ્તા આગળ આવેલ મકાનમાં પોતાના પરિવાર સાથે રહે છે. તેઓના પરિવારમાં પત્ની, દીકરો અને એક દીકરી છે.
પ્રદિપ પરમાર હમેશા પોતાના વિસ્તારમાં આવેલી સિવિલ હોસ્પિટલમાં મુલાકાત કરતા હોય છે. પાર્ટીના કાર્યકરો સાથે મળીને દુર દૂરથી આવતા સિવિલના દર્દીઓની સેવા કરતા હોય છે અને જરૂર પડે તો ડોકટરો સાથે રૂબરૂ ચર્ચા કરી દર્દીઓનું ધ્યાન રાખતા હોય છે. આ એ જ પ્રદીપ પરમાર છે જેમણે સિવિલ હોસ્પિટલમાં થયેલ બૉમ્બ બ્લાસ્ટ પોતાની નજરે જોયો હતો અને કહે છે આ ગંભીર ઘટના એ ક્યારેય નહીં ભૂલી શકે કે જે એમના જીવનની સૌથી મોટી દિલ હચમચાવી દેનારી ઘટના હતી.
પ્રદીપ પરમારના પિતા મિલ કામદાર હતા અને તેમના જણાવ્યા મુજબ તેઓ જીવતા ત્યારે તેમનું જીવન ખૂબ સુખમય હતું અને અચાનક તેમના પિતાનું મૃત્યુ થતાં ઘરની જવાબદારી તેમના ઉપર અને તેમના ભાઈ ઉપર આવી પડી. તેમણે જણાવ્યુ કે તેમણે 10માં ધોરણમાં અભ્યાસ અધૂરો છોડવો પડ્યો હતો અને તેમણે મિલમાં નોકરી શરૂ કરી અને ત્યારબાદ રિક્ષા પણ ચલાવવાની ચાલુ કરી. તેમણે પાનનો ગલ્લો નાખ્યો અને પછી નાના મકાન બાંધકામના કામ શરૂ કર્યા હતા.
રાજકીય કારકિર્દી વિષે તેમણે જણાવ્યુ કે તેઓ પેહલાથી જ ભારતીય જનતા પાર્ટીની દેશ સમર્પિત વિચારધારાથી પ્રભાવિત થઈને તેમાં જોઇન્ટ થયા હતા અને 1995 તેમજ ત્યારબાદ 1998માં ભારતીય જનતા પાર્ટીમાંથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ઇલેકશન લડ્યા હતા.
2017માં ભારતીય જનતા પાર્ટી દ્વારા ઘણા બધા સિટિંગ MLAની ટિકિટ કાપવામાં આવી હતી અને તે દરમિયાન અસારવા ( SC અનામત) બેઠક પરથી પણ ધારાસભ્ય અને નિવૃત્ત સનદી અધિકારી આર એમ પટેલની ટિકિટ પણ કાપવામાં હતી. આ ટીકીટ ભારતીય જનતા પાર્ટી દ્વારા પ્રદીપ પરમારને આપવામાં આવી હતી. તેમણે જણાવ્યુ કે પાર્ટીએ મારા પર વિશ્વાસ મૂકી મને ઉમેદવાર બનાવ્યો અને જનતાના આશીર્વાદથી હું આ બેઠક પર 50,000ની લીડથી જીત્યો હતો.
વર્ષ 2021માં જ્યારે વિજય રૂપાણી સરકારે રાજીનામું આપ્યું ત્યાર બાદ નવા મુખ્યમંત્રી અને કેબિનેટનું ગઠન કરવામાં આવ્યું હતું. આ વખતે પણ BJP દ્વારા તેમના પર વિશ્વાસ કાયમ રાખીને પ્રદીપ પરમારને કેબિનેટ કક્ષાનો હવાલો સોંપવામાં આવ્યો અને તેમને સામાજિક ન્યાય અને અધિકારિતા વિભાગના મંત્રી બનાવવામાં આવ્યા હતા.
કેબિનેટ મંત્રી બન્યા બાદ પ્રદીપ પરમારે રાજયના સામાજિક ન્યાય અધિકારિતા વિભાગના લાભક્ષેત્રમાં આવતા સમગ્ર લાભાર્થીઓને લાભ લેવામાં તકલીફ ના પડે એ માટે અંગત રસ લઈને યોજનાઓ અને સ્કીમો સરળ બને એ માટે સુધારા કરવામાં આવ્યા હતા. પ્રદીપ પરમારે અનુસુચિત જાતિ વિભાગની યોજનાઓમાં 70 જેટલી શરતો કે જે લાભાર્થીઓને લાભ લેવામાં માટે નડતરરૂપ હતી એવી શરતો કાઢી નાખીને લાભાર્થીઓનો લાભ લઈ શકે એવી સુવિધા ઊભી કરાવી.