હું પાણી પીવા માટે વલખા મારતી રહી, પણ તેમણે…

| Updated: June 26, 2021 11:22 pm

ગુજરાતની એક આદિવાસી મહિલા ભયથી થરથર ધ્રુજી રહી છે અને પારિવારિક ડખામાં જીવ બચાવવા માટે પોલીસની મદદ માંગી રહી છે. આ મહિલાનું કહેવું છે કે તેના પર શારિરીક અને જાતીય અત્યાચાર થયો છે.

43 વર્ષની વિનિતા (નામ બદલ્યું છે) નામની મહિલાએ છોટા ઉદેપુરમાં ચિચોડ પોલીસમાં નોંધાવેલી એફઆઈઆર પ્રમાણે તેના 21 વર્ષીય દીકરા અજયે પાયલ નામની 19 વર્ષીય છોકરી સાથે લવ મેરેજ કર્યા હતા. પાયલના પરિવારને આ લગ્ન પસંદ ન હતા. વિનિતાએ ‘વાઈબ્સ ઓફ ઇન્ડિયા’ને જણાવ્યું કે તેના પુત્રે 12 જૂને લગ્ન કર્યા હતા. પાયલ પણ સુરત નજીક પલસંદા ગામની આદિવાસી છોકરી છે.

વિનિતાએ જણાવ્યા પ્રમાણે તેના પુત્રના લગ્ન પછી બીજા જ દિવસે પાયલના પરિવારજનો તેમના ઘરમાં ઘુસી આવ્યા હતા. તેણે કહ્યું કે, “પાયલના પિતા રાજુભાઈ પલસંદા સહિત કુલ 11 લોકો આવ્યા હતા. બીજા આરોપીઓમાં રાજુ રાઠોડ, વિપુલ રાઠોડ, કનુ રાઠોડ, માશા રાઠોડ, નીતુ રાઠોડ, ભારુ રાઠોડ, તેરસિંહ રાઠોડ, વિકેસ રાઠોડ, દિલીપ અને રાહુલ સામેલ હતા.”

તેમણે કહ્યું કે મારા પતિ બહાર ગયા હતા ત્યારે મારી પુત્રવધુના પરિવારજનો ઘરમાં ઘુસી આવ્યા અને પાયલ ક્યાં છે તેમ પૂછવા લાગ્યા. અજય અને પાયલ લગ્ન પછી મારી પાસે આવ્યા જ ન હતા. મને તેમના લગ્નની પણ ખબર ન હતી.

વિનિતાની પુત્રીએ જણાવ્યું કે, “મારી માતાએ ભાગી જવાનો પ્રયાસ કર્યો, પરંતુ તે લોકોએ વાળથી પકડીને તેને ઢસડી અને માર માર્યો. તમામ 11 લોકો પાસે લાકડાના દંડા હતા અને લગભગ 30 મિનિટ સુધી મારી માતાને મારતા રહ્યા.”

વિનિતાની પુત્રીએ જણાવ્યા પ્રમાણે વિનિતા પાણી માંગતી રહી. વીઓઆઈ સાથે વાત કરતા વિનિતાએ પણ કહ્યું કે “તેણે પાણી માંગ્યું ત્યારે હુમલાખોર લોકોએ તેના પર પેશાબ કર્યો હતો અને તેને પેશાબ પીવાની ફરજ પાડી હતી. વિનિતાને એટલો માર પડ્યો છે કે તેને ફ્રેક્ચર થયા છે.” તેનું કહેવું છે કે તેની પુત્રવધુના પરિવારજનોએ તેની જાતીય સતામણી પણ કરી હતી અને તેને કેટલાક પુરુષો સાથે ઓરલ સેક્સની ફરજ પાડવામાં આવી હતી.

પોલીસ ઘટનાસ્થળે પહોંચી ત્યાં સુધીમાં પુરુષો પલાયન થઈ ગયા હતા. વિનિતાને તેજગઢની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી, જ્યાંથી તેને શનિવારે રજા અપાઈ હતી. પોતાના જીવની ચિંતા હોવાના કારણે તે અજાણી સ્થળે જતી રહી છે. દરમિયાન અજય અને પાયલ હજુ પણ પરિવારના ભયે ભાગતા ફરે છે.

છોટા ઉદેપુરના એસપી ધર્મેન્દ્ર શર્માએ જણાવ્યું કે “આ કેસમાં મહિલા અને આરોપીઓ બંને એક જ સમુદાયના છે. મહિલાએ છોટા ઉદેપુર પોલીસમાં ત્રણ દિવસ અગાઉ ફરિયાદ કરી હતી. પીડીત મહિલાનો પુત્ર અને તેને જેની સાથે લગ્ન કર્યા છે તે છોકરી પુખ્ત વયના છે તથા રજિસ્ટર્ડ મેરેજ થયા છે. અમે આ કેસ નોંધીને તપાસ શરૂ કરી છે.”

Dharmendra Sharma – SP Chhota Udepur

શર્માએ જણાવ્યું કે “પોલીસે સેક્શન 143 (ગેરકાયદે એકઠા થવું), 147 (રાયટિંગ), 323 (જાણી જોઈને ઇજા પહોંચાડવી), 325 (ગંભીર ઇજા પહોંચાડવી) હેઠળ ફરિયાદ દાખલ કરી છે.

બોડેલી સ્થિત લાઈવ ન્યૂઝના પત્રકાર બરકતુલ્લા ખાને વાઇબ્સ ઓફ ઇન્ડિયા વતી આ અહેવાલની વિગતો આપી હતી અને વિનિતાનો વીડિયો ઇન્ટરવ્યૂ લીધો હતો.

ગુજરાતના ગામડાંઓમાં પ્રેમ માટે ઘણી વખત ભારે કિંમત ચુકવવી પડે છે.

2018માં બચીબેન વસાવા નામની 38 વર્ષની મહિલા પર પણ આવી જ રીતે અત્યાચાર થયો હતો. તેના પુત્ર કલ્પેશ એક છોકરી સાથે ભાગી ગયો હતો.

દલિત કાર્યકર અને વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ VoIને જણાવ્યું કે દલિતો અને આદિવાસીઓ માટે ગુજરાત નરક સમાન છે. 2019માં ગુજરાત સરકારે જણાવ્યું હતું કે 2013થી 2017 દરમિયાન અનુસૂચિત જાતિ સામે ગુનામાં 32 ટકાનો અને અનુસૂચિત જનજાતિ (એસટી) વિરુદ્ધ ગુનામાં 55 ટકાનો વધારો થયો હતો. આ આંકડો હજુ વધી રહ્યો છે.

Your email address will not be published.