અમદાવાદમાં પત્ની પરીક્ષામાં ચોરી કરતા પકડાતા પતિએ આપ્યા ડિવોર્સ

| Updated: November 24, 2021 9:01 am

પતિ-પત્ની વચ્ચે છૂટાછેડા લેવા માટે અનેક કારણો હોઇ શકે છે પરંતુ આવું વિચિત્ર કારણ તમે કયારેય નહિ સાંભળ્યું હોય. અમદાવાદ શહેરના તબીબની પત્ની પરીક્ષામાં ચોરી કરતા પકડાઇ જતા પતિએ પત્ની પાસેથી ફેમિલી કોર્ટમાંથી છૂટાછેડા મેળવ્યા છે.

પતિએ કોર્ટ સમક્ષ એવી રજૂઆત કરી છે કે તેની પત્ની પરીક્ષામાં ચોરી કરતા પકડાઇ ગઇ હતી. જેના કારણે તેની પ્રતિષ્ઠા ખરડાઇ છે. પત્ની ચોરીમાં પકડાઇ જતા તેની સાથે માનસિક અત્યાચાર થયો છે. જસ્ટિસ જે.બી પારડાવાલાની ખંડપીઠે એવી ટકોર કરી હતી કે, આ પ્રકારની મેન્ટલ ક્રૂઅલ્ટી છૂટાછેડા માટે મુખ્ય કારણ હોય તેવું મેં પહેલી વખત જોયું છે. 

પત્નીએ પતિને છૂટાછેડા નહીં આપવાની દાદ માંગતી અરજી હાઇકોર્ટમાં કરી છે. જયારે પતિએ કોર્ટ સમક્ષ એવી દલીલ કરી હતી કે, તે તબીબ છે અને તેની પત્ની હંમેશા તેને શરમમાં મૂકે તેવી હરકતો કરતી રહે છે. તેની પત્ની આંબેડકર ઓપન યુનિવર્સિટીમાં પરીક્ષામાં ચોરી કરતા પકડાઇ ગઇ હતી. 

જસ્ટિસ જે.બી પારડીવાલાએ એવી ટકોર કરી હતી કે, આ છૂટાછેડા મેળવવા માટેનું કલાસિકલ ઉદાહરણ છે. પતિને તેના જીવનસાથી અપ્રમાણિક છે તે મુદ્દા પર છૂટાછેડા આપી શકાય. પરીક્ષામાં ચોરી કરતા પત્ની પકડાય તો પતિને શરમ તો આવે ને? તે પતિ પર થયેલો માનસિક અત્યાચાર જ કહેવાય.

હાઇકોર્ટે બન્ને પક્ષ માટે એવી ટકોર કરી હતી કે, પત્ની અને પતિ વચ્ચે પ્રમાણિકતા મુખ્ય પાસું છે, તેમાં પણ કોઇ એક પાત્ર સમાજમાં પ્રતિષ્ઠિત હોય ત્યારે બીજુ પાત્ર ગુનો કરીને ઝડપાય તો અન્ય પાત્ર તેની સાથે કેવી રીતે રહી શકે? પતિની સાથે માનસિક અત્યાચાર જ થયો કહેવાય. 

કોર્ટે બન્ને પક્ષના વકીલોને એવી સલાહ આપી હતી કે પતિ તબીબ હોય અને પત્ની અન્ડર ગ્રેજયુએટ હોય ત્યારે અને બન્ને લાંબા સમયથી અલગ રહે છે તો ફરીથી તેમને સાથે શું કામ રાખવા જોઇએ? દંપતી યુવાન છે હજુ તેમની પાસે અન્ય તક છે.  જોકે કોર્ટે વધુ સુનાવણી બે સપ્તાહ બાદ રાખી છે.

પતિ-પત્નીના વર્ષ 2006માં લગ્ન થયા હતા, ત્યારબાદ વર્ષ 2008માં તેની પત્ની આંબેડકર ઓપન યુનિવર્સિટીમાંથી પરીક્ષા આપતી હતી ત્યારે ચોરી કરતા પકડાઇ ગઇ હતી. તે પછી વર્ષ 2014માં બન્ને અલગ થયા, અને પતિ આગળ વધુ ભણવા રશિયા ગયો હતો. રશિયા ગયો તે પહેલા તેણે પત્ની ચોરી કરતા પકડાઇ તે ગ્રાઉન્ડ પર છૂટાછેડાની અરજી કરી હતી.

Your email address will not be published. Required fields are marked *