ચેતવણીરૂપ કિસ્સો: સેટેલાઇટના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા અને વર્ક ફ્રોમ હોમ કરતાં યુવકનો આઈફોન ચોરાયો

| Updated: July 4, 2021 1:32 pm

પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા ઘણાં લોકોની પોતાના માલસામાનની ચોરી થતી હોવાની ફરિયાદ કરતાં હોય છે. ગત તારીખ 1લી જુલાઈની રાત્રે આવો જ એક બનાવ સેટેલાઈટના જોધપુર ગામ વિસ્તારમાં આવેલા મંગલભવન એપાર્ટમેન્ટમાં નીલેશભાઈના ફ્લેટમાં પેઈંગ ગેસ્ટ તરીકે રહેતા રિષભ મણીલાલ રાઠોડ સાથે બનવા પામ્યો હતો. 25 વર્ષીય રિષભ ઘરેથી કામ કરી સૂઈ ગયા હતા ત્યારે રાત્રે તેમનો આઈફોન ઘરમાંથી જ ચોકાવનારી રીતે ચોરી થઈ ગયો હતો. આ બાબતે તેમણે આનંદનગર પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવી છે.

રિષભ, કે જેઓ બેંગલોરની એક કંપનીમાં નોકરી કરે છે. હાલમાં કોવિડ-19 પેન્ડેમિકના કારણે તેઓ ઘરેથી, એટલે કે જેઓ જયાં પીજી તરીકે રહે છે ત્યાંથી કામ કરે છે.

પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, તેઓ 1લી જુલાઈના રોજ, ઓફિસનું કામ પુરુ કરી રાત્રે સૂઈ ગયા હતા. લગભગ રાત્રે 3 વાગ્યે જ્યારે તેમની આંખ ખૂલી ત્યારે તેમનો મોબાઈલ ફોન જણાયો ન હતો. તેમણે તરત જ તેમની સાથે રહેતા પોતાના મિત્ર રાહુલને જગાડીને તપાસ કરતા મોબાઈલ ફોન કયાંય મળ્યો ન હતો.

રિષભે આ બાબતે બે દિવસ સુધી તપાસ કરી હતી પરંતુ મોબાઈલ ફોન મળી ન આવતા તેમણે અંતે આનંદનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરી હતી.

આ અંગે આનંદનગર પોલીસે કહ્યું હતું કે, તેઓ આ બાબતે પેઈંગ ગેસ્ટ રૂમના માલિક તથાં સીસીટીવી કેમેરાના આધારે તપાસ કરી રહ્યા છે.

Your email address will not be published.