બનાસકાંઠાના ખેડૂતોએ બટાટાની ખેતીથી બદલેલા નસીબનો હું સાક્ષીઃ મોદી

| Updated: April 19, 2022 3:25 pm

પાલનપુરઃ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ બનાસ ડેરીના પ્લાન્ટનું ઉદઘાટન કરતા જણાવ્યું હતું કે બનાસકાંઠાના ખેડૂતોએ ઓછા પાણીની સ્થિતિમાં બટાટાની ખેતીથી તેમનું નસીબ કેવી રીતે બદલ્યું તેનો હું સાક્ષી છું. ગુજરાતના મુખ્યપ્રધાન તરીકે તેમના આ પરિવર્તનની યાત્રાને નજરોનજર નીહાળી છે. તેમાં મારાથી થાય તેટલું પ્રદાન પણ કર્યુ છે. હવે વડાપ્રધાન તરીકે તેમા વિશેષ પ્રદાન આપવા માંગુ છું.

વડાપ્રધાન સ્ટેજ પર હતા ત્યારે પશુપાલક મહિલાઓ દ્વારા તેમનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને એક પશુપાલક મહિલાએ તેમના ઓવારણા લીધા હતા. વડાપ્રધાને શંકર ચૌધરીની સાથે બનાસ ડેરીની વિવિધ યોજનાઓનું જાત નિરીક્ષણ કર્યુ હતું. તેમણે બનાસ ડેરીના વિવિધ પ્લાન્ટનું લોકાર્પણ કર્યુ હતું.

તેમણે જણાવ્યું હતું કે મા અંબાની પાવન ધરતીને નમન છે. જીવનમાં પહેલી વખત એવો અવસર આવ્યો છે જ્યારે એક જ લક્ષ્યાંક માટે લાખો માતા અને બહેનો મને આશીર્વાદ આપવા હાજર રહી છે. તમારા આશીર્વાદ મારી શક્તિનું કેન્દ્ર છે. બનાસકાંઠાની માતા અને બહેનોને મારા નમન. છેલ્લા કેટલાક કલાકોમાં હું ડેરીની તમામ નવી જગ્યાએ ગયો. અહીં જે કામ થયું તેનાથી હું પ્રભાવિત છું. ભારતની ગ્રામીણ અર્થવ્યવસ્થાને કેવી રીતે બળવત્તર બનાવી શકાય અને માતાબહેનોના સશક્તિકરણને કેવી રીતે વેગ આપી શકાય તેનું ઉદાહરણ બનાસકાંઠાએ પ્રસ્તુત કર્યુ છે. સહકારી ચળવળ આત્મનિર્ભર ભારતના અભિયાનને કેવી રીતે વેગ આપી શકે છે તેનું ઉદાહરણ બનાસ ડેરી છે. કાશીના મારા મતવિસ્તારમાં પણ આવીને બનાસ ડેરીએ સેવાનો સંકલ્પ કર્યો અને હવે તેને મૂર્તિ સ્વરૂપ અપાયું છે. તેથી કાશીના સાંસદ તરીકે હું તમારો ઋણી છું.

તેમણે કહ્યું હતું કે લોકલને ગ્લોબલ બનાવવાની દિશામાં આ મહત્વનો પ્રયાસ છે. ઓછા વરસાદવાળા જિલ્લાની તાકાત, કાંકરેજ ગાય, મહેસાણી ભેંસ અને બટાટાથી ખેડૂતોની સ્થિતિ કેવી રીતે બદલી શકાય તે અહીં જોવા મળ્યું છે. મગફળી અને સરસવને લઈને પણ બનાસ ડેરીએ શાનદાર યોજના બનાવી છે. ખાદ્ય તેલના ઉત્પાદન મોરચે આત્મનિર્ભર બનવાની દિશામાં તેણે પ્રયાસો આદર્યા છે. તેની સાથે આજે બાયો સીએનજી પ્લાન્ટનું પણ વડાપ્રધાને લોકાર્પણ કર્યુ હતું. આવા અનેક પ્લાન્ટ બનાસ ડેરી દેશભરમાં લગાવશે. આ રીતે કચરામાંથી કંચનની ઉક્તિને સાર્થક કરવામાં આવશે. ગોબર ગેસથી અનેક લક્ષ્યાંક સર થઈ રહ્યા છે. તેના લીધે સ્વચ્છતા વધશે. ગોબરથી બાયો સીએનજી અને વીજળી બની રહી છે. પશુપાલકોને આવક થાય છે, જૈવિક ખાધ પણ મળી રહ્યું છે. આ પ્રકારના પ્રયાસ બનાસ ડેરીના માધ્યમથી દેશમાં પહોંચશે તો ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત બનશે. ગામ મજબૂત થશે. ગુજરાત સફળતાની ઊંચાઈએ પહોંચશે.

Your email address will not be published.