ભારતીય એરફોર્સના બહાદુર પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદન વર્ધમાનને પ્રમોશન આપીને ગ્રૂપ કેપ્ટનની રેન્ક આપવામાં આવી છે.
બે વર્ષ અગાઉ પાકિસ્તાનમાં બાલાકોટ પર ભારતે એરસ્ટ્રાઇક કરી ત્યાર પછી ભારત અને પાકિસ્તાન એરફોર્સ વચ્ચે આસમાનમાં ટક્કર થઈ હતી, જેમાં પાકિસ્તાનના અત્યાધુનિક એફ-16 વિમાન સામે અભિનંદને પોતાના મિગ વિમાન દ્વારા મુકાબલો કર્યો હતો.
પાક એરફોર્સ સામેની ડોગફાઈટ બદલ તેમને શૌર્ય ચક્ર આપવામાં આવ્યો હતો. પાકિસ્તાનમાં અભિનંદનનું વિમાન તૂટી પડ્યું હતું અને તેમને બંધક બનાવવામાં આવ્યા હતા, પરંતુ ભારતના ભારે દબાણને પગલે પાકિસ્તાને તેમને બીજા જ દિવસે મુક્ત કરી દીધા હતા.
એરફોર્સમાં ગ્રૂપ કેપ્ટનનો હોદ્દો એ આર્મીના કર્નલના હોદ્દાની સમકક્ષ હોય છે.
અભિનંદન શ્રીનગર સ્થિત 51 સ્ક્વોડ્રનનો હિસ્સો હતા અને ફેબ્રુઆરી 2019માં તેમણે પાકિસ્તાનના હવાઈ હુમલાનો પ્રતિકાર કરવા માટે ઉડાન ભરી હતી.
ભારતે પાકિસ્તાનના ખૈબર પખ્તુનવાલા વિસ્તારમાં પાકિસ્તાની ત્રાસવાદી થાણાઓ પર એર સ્ટ્રાઈક કર્યા પછી બંને દેશ વચ્ચે સંબંધોમાં તણાવ આવ્યો હતો અને યુદ્ધની સ્થિતિ પેદા થઈ હતી.