નેશનલ જિયોગ્રાફિકના કવર પર ચમકેલી ભૂરી આંખોવાળી અફઘાન છોકરીને ઇટલીમાં આશ્રય

| Updated: November 26, 2021 2:42 pm

1985માં નેશનલ જિયોગ્રાફિકના કવરપેજ પર ચમકેલી લીલી આંખોવાળી અફઘાન છોકરી તાલિબાનથી છુટકારો મેળવવામા સફળ થઇ છે અને હવે તેને ઇટલીમાં આશ્રય આપવામાં આવ્યો છે.

“આઇકનિક ગર્લ” તરીકે દુનિયાભરમાં જાણીતી બનેલી શર્બત ગુલા ત્યારે અફઘાન યુદ્ધનો ચહેરો બની ગઈ હતી જ્યારે તેની લીલી આંખો પાકિસ્તાનના એક શરણાર્થી શિબિરમાં લેવામાં આવેલા આઇકનિક ફોટોગ્રાફમાં કેદ થઈ હતી. ત્યારે તે માત્ર ૧૨ વર્ષની હતી.

વર્ષો પછી, 2016માં પાકિસ્તાનમાં બનાવટી ઓળખકાર્ડ સાથે રહેવા બદલ તેની ધરપકડ કરવામાં આવી હતી અને યુદ્ધગ્રસ્ત અફઘાનિસ્તાનમાં પાછી મોકલી દેવાઇ હતી. પરંતુ તાલિબાનના કબજા બાદ અફઘાનોને સલામત રીતે બહાર કાઢવાના પશ્ચિમના દેશોના  પ્રયાસોના ભાગરુપે ઇટલી પહોંચ્યા બાદ ચાર બાળકોની વિધવા ગુલાને આખરે તેનું સલામત આશ્રયસ્થાન મળી ગયું છે, તેમ ઇટાલિયન સરકારે ગુરુવારે જણાવ્યું હતું.

ઇટલીના વડાપ્રધાન મારિયો ડ્રેગીનાં કાર્યાલયનાં જણાવ્યા અનુસાર ગુલાએ અફધાનિસ્તાનમાંથી તેને બચાવી લેવા ગુહાર લગાવી ત્યારે ઇટલીએ તેને ત્યાંથી સલામત રીતે ખસેડી લીધી હતી. ઇટાલિયન સરકાર હવે તેને ઇટાલીમાં સારી જિંદગી જીવી શકે તે માટે તમામ મદદ કરશે.

ગુલાએ 1984માં અફઘાન શરણાર્થી છોકરી તરીકે આંતરરાષ્ટ્રીય ખ્યાતિ મેળવી હતી, જ્યારે વૉર ફોટોગ્રાફર સ્ટીવ મેકકરીએ લીધેલો તેનો લીલી આંખોવાળો ફોટો નેશનલ જિયોગ્રાફિકના કવર પેજ પર પબ્લિશ થયો હતો.
2014માં તે પાકિસ્તાનમાં દેખાઇ હતી જ્યારે અધિકારીઓએ દેશમાં રહેવા માટે બનાવટી પાકિસ્તાની ઓળખપત્ર ખરીદવાનો આરોપ તેના પર લગાવ્યો હતો.ત્યારે જોકે તે છુપાઈ ગઈ હતી. ૨૦૧૬માં તેની ધરપકડ કરવામાં આવી હતી અને પાકિસ્તાની કોર્ટે તેને અફઘાનિસ્તાન પાછા મોકલવાનો આદેશ આપ્યો હતો.

ગુલા અને તેના ચાર બાળકોને પાકિસ્તાનના પેશાવરથી લગભગ 37 માઇલ ઉત્તરપશ્ચિમમાં ટોરખામ સરહદ પર અફઘાન અધિકારીઓને સોંપવામાં આવ્યા હતા. તે દેખીતી રીતે દુઃખી દેખાતી હતી અને સરહદ ક્રોસ કરતાં પહેલા,એક વખત પાકિસ્તાન તરફ પાછું વળીને જોયું હતું  જે ઘણા વર્ષો તેનું ઘર હતું, ત્યાં હાજર બે કસ્ટમ અધિકારીઓના જણાવ્યા અનુસાર તે પાકિસ્તાની લોકોને દુવાઓ આપતી હતી.

ત્યાંથી તેને કાબુલ લઈ જવામાં આવી હતી.રાષ્ટ્રપતિ અશરફ ગની અને તેમની પત્ની રુલાએ રાષ્ટ્રપતિના મહેલમાં ગુલા માટે રિસેપ્શનનું આયોજન કર્યું હતું અને તેને નવા એપાર્ટમેન્ટની ચાવી આપી હતી. તે સમયે ગનીએ ગુલા વિશે કહ્યું હતું કે, બાળપણમાં તેણે લાખો લોકોના દિલ જીતી લીધા હતા. કારણ કે તે વિસ્થાપનનું પ્રતીક હતી.
અભણ ગુ્લા તેની ઉંમરની ચાલીસીમાં પહોંચી ગઇ છે.તેને 15 દિવસની જેલની સજા અને 1,10,000 પાકિસ્તાની રૂપિયાનો દંડ પણ ફટકારવામાં આવ્યો હતો.

1985માં ગુલાનો ફોટો છપાયો તે નેશનલ જિયોગ્રાફિકનું કવર, મેગેઝિનના ઇતિહાસનું સૌથી પ્રખ્યાત કવર બન્યું હતું.17 વર્ષની શોધ બાદ ફોટોગ્રાફર સ્ટીવ મેકકરીએ ગુલાને 2002માં અફઘાનિસ્તાનનાં ગામમાં શોધી કાઢી હતી. તેના લગ્ન એક બેકરીવાળા સાથે થયાં હતા અને તે સમયે તેની ત્રણ પુત્રીઓ હતી. હેપેટાઇટિસ સીથી પીડાતી ગુલાએ મીડિયાને જણાવ્યું હતું કે તેના પતિનું ઘણા વર્ષો પહેલા નિધન થયું હતું. કેટલાક પશ્ચિમી દેશો સાથે ઇટલીએ પણ ઓગસ્ટમાં તાલિબાનના કબજા બાદ સેંકડો અફઘાનોને દેશની બહાર એરલિફ્ટ કર્યા હતા તેમાં ગુલાનો પણ સમાવેશ થાય છે.

અફઘાનિસ્તાનમાં સત્તા કબજે કર્યા પછી, તાલિબાનના નેતાઓએ કહ્યું છે કે તેઓ શરિયત અથવા ઇસ્લામિક કાયદા અનુસાર મહિલાઓના અધિકારોનું સન્માન કરશે.પરંતુ 1996થી 2001 સુધી તાલિબાનના શાસન હેઠળ મહિલાઓ કામ કરી શકતી ન હતી અને છોકરીઓને શાળામાં ભણવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો.મહિલાઓને ચહેરો ન દેખાય તેવા બુરખા પહેરવાની ફરજ પાડવામાં આવી હતી.આ ઉપરાંત મહિલા તેના પુરુષ સંબંધી વિના ઘર  બહાર પણ નીકળી શકતી ન હતી. 

Your email address will not be published. Required fields are marked *