મહારાષ્ટ્રમાં મહાઅઘાડી સરકાર પર સંકટ છવાયું છે ત્યારે આ રાજકીય સંકટ અંગે એનસીપી પ્રમુખ શરદ પવારે તેને શિવસેનાનો આંતરિક મામલો ગણાવી પોતાને તેનાથી અલગ કરી દીધા છે. આ ઉપરાંત પવારે પૂછવામાં આવ્યું હતું કે ઠાકરે સરકાર પડી તો ભાજપ સાથે જશે તેના જવાબમાં પવારે પહેલા તો સ્મિત ફરકાવ્યુ હતુ અને જણાવ્યું હતું કે તેઓ તેના બદલે વિપક્ષમાં બેસવાનું પસંદ કરશે.
વાસ્તવમાં મહાવિકાસ અઘાડી સરકાર પર છવાયેલા સંકટ અંગે પવારને પત્રકારે પૂછયું હતું કે ઉદ્ધવ સરકાર પડી તો એનસીપી પાસે કયા રાજકીય વિકલ્પો રહેશે. શું કોઈપણ ભોગે સત્તાની સાથે રહેવા ટેવાયેલા પવાર ભાજપ સાથે જશે. પવારે આ વખતે બધાથી વિપરીત જવાબ આપતા જણાવ્યું હતું કે ના અમે ભાજપ સાથે જવાના બદલે વિપક્ષમાં બેસવાનું પસંદ કરીશું.
પત્રકારે આ સવાલનું પુનરાવર્તન કરતા પવારે ફક્ત સ્મિત કર્યુ. તેના પછી બાકીના લોકો હસવા માંડ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે તેમને વિશ્વાસ છે કે ઉદ્ધવ ઠાકરે તેમની સામે આવેલી આ મુશ્કેલનો જરૂર ઉકેલ લાવશે. આ કંઈ પહેલી વખત તો થયું નથી. મહાવિકાસ અઘાડી સરકાર તોડી પાડી નાખવા માટે ભાજપ અગાઉ પણ પ્રયત્ન કરી ચૂકી છે અને આ તેમનો ત્રીજો પ્રયત્ન છે. તેને અગાઉના બંને પ્રયત્નમાં નિષ્ફળતા સાંપડી હતી.
થોડા સમય પહેલા પણ શરદ પવારને વિપક્ષ રાષ્ટ્પતિ પદના ઉમેદવાર તરીકે ઊભા રાખે તેવી વાત હતી, પણ શરદ પવારે તેનો પણ ઇન્કાર કર્યો હતો. આ સંજોગોમાં પવારે જણાવ્યું હતું કે તેઓ રાષ્ટ્રપતિ પદની રેસમાં નથી. પવારે હવે સ્પષ્ટ કરી દીધું છે કે તેમની હવે વિશેષ રાજકીય મહત્વાકાંક્ષા નથી. તેમના પક્ષ એનસીપીને તેમની પુત્રી અને ભત્રીજો સારી રીતે સંભાળે તે જ તેઓ જોવા માંગે છે. બીજા શબ્દોમાં કહીએ તો તેમની મહત્વાકાંક્ષા તેમનો રાજકીય પક્ષ જીવંત રાખવાની અને તેમનો રાજકીય વારસો પુત્રી અને ભત્રીજાને સોંપીને જવાની છે. તેમનું માનવું છે કે એનસીપીના વિકાસની સારી સંભાવના છે અને તેને સંભાળવું એકલાનું ગજું નથી. તેથી પુત્રી સુપ્રિયા સુળે અને અજીત પવાર બંને પક્ષને સારી રીતે સંભાળશે.