અમદાવાદ જુહાપુરાના કુખ્યાત આરોપી કાલુ ગરદનના ગેરકાયદે બાંધાકામ પર અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને લાલ આંખ કરી છે. સંકલિત નગર ખાતે ટીપી-સ્કીમ-83ના સર્વે નંબર-72માં 1500 સ્કવેર ફુટના ગેરકાયદેસર બાંધકામને તંત્ર દ્વારા તોડી પાડવામાં આવ્યું છે.
આ અંગે મળતી માહિતી પ્રમાણે, જુહાપુરાનો કુખ્યાત આરોપી મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જગ્યા પર ગેરકાયદે બાંધકામ ઉભું કરી દીધું હતું જો કે તે બાંધકામ આ પહેલા ડીસીપી દ્વારા તોડાવી નાખવામાં આવ્યું હતું. ત્યારબાદ કાલુગરગદન સામે વેજલપુર પોલીસ સ્ટેશનમાં લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ ગુનો નોંધવામાં આવ્યો હતો અને રિમાન્ડ મેળવવામાં આવ્યા હતા.
જો કે, આજે કાલુ ગરદન દ્વારા જુહાપુરાના સંકલિત નગર પાસે ગેરકાયદેસર બે માળની ઈમારત ઉભી કરી દેવામાં આવી હતી. જે આજરોજ કોર્પોરેશનની દબાણશાખાની ટીમે તોડી પાડી હતી. મ્યુનિસિપલ કોર્પોરેશનની જમીન પર ગેરકાયદેસર રીતે કબજો જમાવી અને બાંધકામ કરી દેતા આ પહેલા લેન્ડ ગ્રેબિંગ એક્ટ મુજબ વેજલપુર પોલીસ સ્ટેશનમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીએ મહંમદ શરીફ ઉર્ફે કાલુ ગરદન સામે ફરિયાદ પણ નોંધાઇ ચૂકી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે જુહાપુરાના માથાભારે કાલુ ગરદન સામે આ પહેલા પણ કેટલાક કેસ નોંધાઈ ચૂક્યા છે તેની સામે 30થી વધુ ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ ચૂકી છે.