ભારતના ચાર લાખ ગામડામાં રૂફટોપ સોલર એનર્જીના વિકાસની અમાપ સંભાવનાઃ મોદી

| Updated: July 30, 2022 4:56 pm

આઝાદીના અમૃતોત્સવ એટલે કે આઝાદીના 75 વર્ષ પૂરા થવા નિમિત્તે કેન્દ્ર અને રાજ્ય સરકારના ઊર્જા વિભાગ દ્વારા તમામ જિલ્લાઓમાં “વીજળી મહોત્સવ”ના ભાગરૂપે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમા ભારતના વીજ ઉત્પાદન અને વીજ ક્ષેત્રે થયેલી પ્રગતિ ઉપરાંત 2047 સુધીના ભવિષ્યના આયોજન પર ભાર મૂકવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે 2047માં ભારતની આઝાદીના 100 વર્ષ પૂરા થાય છે.

આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રિવેમ્પ્ડ ડિસ્ટ્રિબ્યુશન સેક્ટર સ્કીમ, નેશનલ સોલર રૂફટોપ પોર્ટલ અને એનટીપીસીની ગ્રીન એનર્જીની વિવિધ પહેલનું લોન્ચિંગ કર્યુ હતુ. સરકારની વીજળી પૂરી પાડવા સંલગ્ન યોજનાઓના લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો હતો. વડાપ્રધાન મોદીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે તેમની સરકાર સત્તા પર આવી ત્યારે દેશમાં વીજ ઉત્પાદન દોઢ લાખ મેગાવોટ હતુ અને આજે તે ચાર લાખ મેગાવોટ પહોંચી ગયુ છે. તેમાથી પણ લગભગ એક લાખ મેગાવોટ વીજળીનું ઉત્પાદન રીન્યુએબલ ઊર્જાના સેક્ટર દ્વારા કામ કરવામાં આવ્યું છે.

તેમણે મફતની વીજળી સામે પ્રહાર કરતા જણાવ્યું હતું કે મફતની વીજળીની વાત જવા દો ગુજરાતમાં લોકો હવે રૂફટોપ સોલર અપનાવીને વીજળી સામેથી વેચીને નાણા કમાય છે. રૂફટોપ સોલર એનર્જી સામાન્ય નાગરિકો માટે ફક્ત વીજબચત જ નહી પણ વીજળી કમાવવાનું પણ સાધન બની ગઈ છે. તેમણે આ પ્રસંગે રૂફટોપ સોલર એનર્જી લગાવીને વીજબચત કરવાની સાથે વીજળીમાંથી કમાતા તથા કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો આપનારા લોકો સાથે સંવાદ કર્યો હતો. વડાપ્રધાને તેમને કહ્યું હતું કે તમે ભાવિ પેઢી માટે મોટા પ્રેરણાબળ છો.

તેમણે તેમની સરકાર આવી ત્યારે વીજ ઉત્પાદનની અને વિતરણની સ્થિતિ અને તેની તુલનાએ વર્તમાન સ્થિતિની વાત કરી હતી. તેની સાથે 2047 સુધીમાં વીજ ઉત્પાદન, વપરાશ તથા વિતરણને કયા સ્તરે લઈ જવા તેના અંગે પણ વાત કરી હતી. તેના માટે કયા-કયા પ્રકારની ટેકનોલોજીઓ અપનાવી શકાય તેના સંશોધન પર ભાર મૂક્યો હતો. તેની જોડે દેશનો સામાન્યમાં સામાન્ય નાગરિક અને દરેક કુટુંબ વીજળી વગરનું ન રહે તેની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. તેમણે કહ્યું હતું કે ભારતના ચાર લાખ ગામડાઓમાં રૂફટોપ સોલર એનર્જીના વિકાસની અમાપ સંભાવનાઓ છે. ભારતના ચાર લાખ ગામડા રૂફટોપ સોલર એનર્જી કંપનીઓને આ માટે મોકળુ મેદાન આપે છે.

Your email address will not be published.