અવિશ્વાસ પ્રસ્તાવથી હાંકી કઢાયેલા પ્રથમ પાકિસ્તાની વડાપ્રધાનની નામોશી મેળવતા ઇમરાન ખાન

| Updated: April 10, 2022 12:53 pm

ઈસ્લામાબાદ: પાકિસ્તાની સંસદમાં પસાર થઇ ચૂકેલા અવિશ્વાસ પ્રસ્તાવના કારણે ઈમરાન ખાન હવે પાકિસ્તાનના વડા પ્રધાન રહ્યા નથી. તેમના અને તેમની પાર્ટી પાકિસ્તાન તહરીક એ ઈન્સાફ (PTI) ના સભ્યો દ્વારા ગેરબંધારણીય રીત રસમો દ્વારા મતદાનમાં વિલંબ કરવાના પ્રયાસોને શનિવારે પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે ફગાવી દીધા હતા.

સંસદમાં પોતાની સામેની અવિશ્વાસની દરખાસ્તની કાર્યવાહીના વિલંબમાં પસાર થયેલા ગૂંચવાડાભર્યા દિવસ બદલ પાકિસ્તાનની સર્વોચ્ચ અદાલતે તેમના પ્રયાસોને ગેરબંધારણીય જાહેર કર્યા ત્યારે ભૂતપૂર્વ વડા પ્રધાને ભોંઠપનો સામનો કરવો પડ્યો. ઇમરાન ખાને ગૃહના સ્પીકરને રાજીનામું આપવા જણાવ્યું ત્યાર બાદ વિપક્ષી ગઠબંધને ગૃહમાં નવા સ્પીકરની પસંદગી કરી અને સરકાર સામે અવિશ્વાસ મત પ્રસ્તાવ રજુ કર્યો. 172 મતોની જરૂર હતી ત્યારે 174 સભ્યોએ સરકાર વિરુદ્ધ મતદાન કરીને પ્રસ્તાવ પસાર કરી દીધો હતો.

3 એપ્રિલ, 2022 ના રોજ, રાષ્ટ્રીય વિધાનસભાના ડેપ્યુટી સ્પીકર, કાસિમ સૂરીએ ઇમરાન ખાન વિરુદ્ધ વિપક્ષી ગઠબંધનની અવિશ્વાસની દરખાસ્તને એવું કહીને ફગાવી દીધી હતી કે વિપક્ષે પાકિસ્તાનના સાર્વભૌમત્વને નુકશાન થાય એવું વિદેશી કાવતરું રચ્યું હતું. ડેપ્યુટી સ્પીકરે પાકિસ્તાનનના બંધારણની કલમ 5 હેઠળ પોતાના ચુકાદાને યોગ્ય ઠેરવીને બંધારણીય કટોકટી ઊભી કરી હતી જે મુજબ રાજ્ય અને દેશના બંધારણ પ્રત્યે વફાદારી અને આજ્ઞાપાલન દરેક નાગરિકની મૂળભૂત ફરજ ગણવામાં આવેલ છે.

સૂરી દ્વારા થયેલ અવિશ્વાસ પ્રસ્તાવની દરખાસ્તના નિકાલનો સમગ્ર દેશમાં વિરોધ કરવામાં આવ્યો હતો અને વડા પ્રધાન સામે અવિશ્વાસની દરખાસ્ત લાવવાના વિપક્ષના લોકશાહી અધિકારના ઉલ્લંઘન તરીકે જોવામાં આવ્યું હતું. બીજી તરફ, ખાનના સમર્થકોએ, શાસન પરિવર્તનના વડા પ્રધાનના આક્ષેપોને ગંભીરતાથી લેવાની માંગણી કરી, ખાસ કરીને જયારે તેમણે જાહેર કર્યું કે તેમને વિદેશી સત્તા, જે બાદમાં યુનાઇટેડ સ્ટેટ્સ (યુએસ) હોવાનું જાહેર કર્યું હતું, તરફથી ધમકીભર્યો પત્ર મળ્યો છે, જેમાં જો ખાનની સરકાર દૂર કરવામાં આવી ન આવે તો ગંભીર પરિણામોની ચેતવણી આપવામાં આવી હતી.

ટૂંક સમયમાં પોતાની સામે સંસદમાં અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કરવામાં આવશે એવા અહેવાલોનું પ્રમાણ વધવા લાગ્યું ત્યારે એની પ્રતિક્રિયા રૂપે ઇમરાને 31 માર્ચ 2022ના રોજ એક જાહેર સંબોધન દરમ્યાન સૌપ્રથમ વાર આ ‘ગુપ્ત પત્ર’ નો ઉલ્લેખ કર્યો હતો જે પાછળથી એક રાજદ્વારી કેબલ હોવાનું બહાર આવ્યું હતું.

તેમણે કહ્યું કે આ પત્ર એ વાતનો પુરાવો છે કે વિપક્ષે વિદેશી સત્તાઓ સાથે ગઠબંધન કરવાનો દોષ કર્યો છે. ડેપ્યુટી સ્પીકરે 3 એપ્રિલ, 2022 ના રોજ વડા પ્રધાન સામે અવિશ્વાસની દરખાસ્તને ફગાવીને બંધારણીય કટોકટી ઉભી કર્યા પછી દેશની સર્વોચ્ચ અદાલતને આ કથિત ષડયંત્રની ખરાઈ પર નિર્ણય આપવાની ફરજ પડી હતી.

ઇમરાન ખાનની તરફેણમાં નિર્ણય આવે એ માટે ઠાલા વાણીવિલાસથી વધીને નક્કર માહિતીની જરૂર પડશે તેવા સંકેત કોર્ટે આપ્યા પછી, ઇમરાન ખાને 3 એપ્રિલ, 2022 ના ભાષણમાં વિગતવાર જણાવ્યું કે આ સંદેશો, દક્ષિણ અને મધ્ય એશિયાઈ બાબતો માટે અમેરિકાના સહાયક સચિવ, ડોનાલ્ડ લુ સાથેની બેઠકના આધારે, યુ.એસ. ખાતે નિમાયેલા પાકિસ્તાની રાજદ્વારી અસદ મજીદ દ્વારા મોકલવામાં આવ્યો હતો. ઇમરાન ખાને દાવો કર્યો હતો કે પત્રમાં કહેવામાં આવ્યું છે કે વિપક્ષના અમુક સભ્યોએ એમની સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવને સમર્થન આપવાના બદલામાં લાંચ સ્વીકારીને યુએસ સાથે સાંઠગાંઠ કરી હતી. આ આક્ષેપને પીટીઆઈના ભૂતપૂર્વ કેન્દ્રીય માહિતી પ્રધાન ફવાદ ચૌધરી જેવા ઘણા પીટીઆઈ સભ્યોએ દોહરાવ્યો. ઇમરાને રાષ્ટ્રીય સુરક્ષાના સંદર્ભમાં મીડિયા અથવા જાહેર જનતા માટે કેબલ પ્રદર્શિત કરવાની ના કહી, પરંતુ સંસદના સભ્યો, સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશો અને સુરક્ષા દળોને તેની પરખ કરવા નિમંત્ર્યા.

સર્વોચ્ચ અદાલતે આ દલીલોને ફગાવી દીધી અને જાહેર કર્યું કે ખાન પાસે પાકિસ્તાનના બંધારણની કલમ 6 ના અર્થઘટનના આધારે અવિશ્વાસની દરખાસ્તને ફગાવી દેવા માટે પૂરતો આધાર નથી, જે અનુસાર કોઈ પણ વ્યક્તિ રાજ્ય સામે દેશદ્રોહી ન હોઈ શકે. વિપક્ષ પાકિસ્તાન પ્રત્યેની દ્રોહના વિદેશી કાવતરામાં સામેલ હોવાનું સાબિત ન કરી શકાતું હોવાનો ચુકાદો આપીને અદાલતે 3 એપ્રિલે ડેપ્યુટી સ્પીકર કાસિમ સૂરી દ્વારા અવિશ્વાસની દરખાસ્તને ગેરબંધારણીય રીતે ફગાવી દેવાયા પછી લેવાયેલા પગલાંને અમાન્ય કરીને બંધારણીય કટોકટીનો ઉકેલ લાવી દીધો હતો.

10 એપ્રિલ, 2022 ના રોજ સુપ્રીમ કોર્ટે વિપક્ષની તરફેણમાં ચુકાદો આપ્યા પછી, ઇમરાન ખાને તેમના સ્પીકર અને ડેપ્યુટી સ્પીકરને રાજીનામું આપવાનો આદેશ આપ્યો. અયાઝ સાદિકને તેમના નવા સ્પીકર તરીકે ચૂંટ્યા પછી વિપક્ષે સંસદીય સત્ર ચાલુ રાખ્યું, અને ઇમરાન સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ પસાર કરવા માટે મતદાન કર્યું. 172 મતોની જરૂર સામે 174 સભ્યોએ તેના માટે મતદાન કરતાં પ્રસ્તાવ પસાર થયો. અવિશ્વાસનો પ્રસ્તાવ પસાર થયા બાદ સંસદના વિવિધ સભ્યોએ સંસદના સત્રમાં સંભાષણ કર્યું હતું.

અવિશ્વાસની દરખાસ્ત પસાર થયા પછી, વિપક્ષના સભ્યોએ સંસદ પર ઇમરાન ખાનના નિયંત્રણનો અંત આણવામાં માં પીડીએમના સંયુક્ત પ્રયાસોને બિરદાવ્યા હતા. જ્યારે પાકિસ્તાન તહરીક એ ઈન્સાફના સભ્યો સંસદમાં કરાયેલા તાજેતરના પગલાનો વિરોધ કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. પૂર્વ વિપક્ષી નેતા શાહબાઝ શરીફે કહ્યું, “અમે રાષ્ટ્રના ઘા પર મલમ લગાડવા માંગીએ છીએ; અમે નિર્દોષ લોકોને જેલમાં મોકલીશું નહીં અને બદલાની ભાવનાથી કામ કરીશું નહીં. પાકિસ્તાન પીપલ્સ પાર્ટીના નેતા બિલાવલ ભુટ્ટો ઝરદારીએ ટિપ્પણી કરી, “આજે 10 એપ્રિલ, 2022 ના રોજ, તમારા જુના પાકિસ્તાનમાં તમારું સ્વાગત છે.” તેમણે ઉમેર્યું, “મારો પાકિસ્તાની યુવાનો માટે સંદેશ છે કે તેમણે પોતાના સપનાઓનો પીછો ક્યારેય ન છોડવો જોઈએ કારણ કે દુનિયામાં કશું જ અશક્ય નથી. લોકશાહી એ વેરની શ્રેષ્ટ વસુલાત છે .”

બંધારણીય કટોકટીની તાકીદને કારણે સત્ર મોડી રાત્રે યોજવામાં આવ્યું હતું અને હાલમાં ચાલતા રમઝાન માસ કે જેમાં લોકો સામાન્ય રીતે સવાર સુધી જાગતા રહે છે, તેના કારણે પાકિસ્તાનમાં બદલાયેલા સમયપત્રકથી આ શક્ય બન્યું હતું.

સંભવિતપણે પાકિસ્તાન મુસ્લિમ લીગ (એન) ના શાહબાઝ શરીફના સ્વરુપમાં સંસદના 174 સભ્યો દ્વારા નવા ઉમેદવારની નિમણૂક કરવામાં ન આવે ત્યાં સુધી ઈમરાનની હકાલપટ્ટી બાદ વડા પ્રધાનનું પદ ખાલી રહેશે. દેશનિકાલ કરાયેલ ભૂતપૂર્વ વડા પ્રધાન નવાઝ શરીફના નાના ભાઈ શાહબાઝ શરીફ, ઇમરાન ખાનની સરકારનો વિરોધ કરનાર પાકિસ્તાન ડેમોક્રેટિક મૂવમેન્ટ (PDM) નામના 11 પક્ષના ગઠબંધનના મોભાદાર સભ્ય છે.


આ અહેવાલ પાકિસ્તાનના અરીબા ફાતિમાએ વાઇબ્સ ઑફ ઇન્ડિયા માટે લખ્યો છે

ઈમરાન ખાને નેશનલ એસેમ્બલીમાં વિશ્વાસ મત ગુમાવ્યો; પાકિસ્તાનના પ્રધાનમંત્રી પદેથી હટાવાયા

Your email address will not be published.