અમદાવાદમાં દરરોજે 70 કિલોગ્રામ સોનાનું રિસાઇકલિંગ થાય છે

| Updated: July 31, 2022 9:41 pm

સોના પરની આયાત જકાતમાં વધારો થવાના પગલે અને સોનાના ભાવમાં તબક્કાવાર ધોરણે વધારો થતાં સોનાના રિસાઇકલિંગનું પ્રમાણ વધ્યું છે. અમદાવાદના ગોલ્ડ રિફાઇનરીઓ અને ઝવેરીઓનો અંદાજ દર્શાવે છે કે અમદાવાદમાં દરરોજે 70 કિલોગ્રામ સોનાનું રિસાઇકલિંગ થાય છે. 2019માં આ પ્રમાણ પ્રતિ દિન 40 કિલોગ્રામ હતું. આમ તેમા છેલ્લા બે વર્ષમાં 75 ટકાનો વધારો થયો છે.

ઇન્ડિયા બુલિયન એન્ડ જ્વેલર્સ એસોસિયેશન (આઇબીજેએ)ના ડિરેક્ટર હરેશ આચાર્યનું કહેવું છે કે સોનાના ભાવમાં વધારો થાય છે ત્યારે સોનાના રિસાઇકલિંગના પ્રમાણમાં વધારો થાય છે. લોકો સોનાના બદલામાં રોકડ લે છે અને સોનાની નવી ખરીદીમાં ઘટાડો થાય છે. લોકો નવુ સોનું પણ જૂનું સોનું ખરીદીને લે છે.

કેટલાય લોકોએ કોરોનાના લીધે અને લોકડાઉનના કારણે તેમની નોકરી ગુમાવી છે. તેના લીધે તેમનો નિયમિત આવકનો પ્રવાહ બંધ થઈ ગયો છે. ઘણા લોકો તેમની રોકડની જરૂરિયાતને સંતોષવા માટે સોનાનું વેચાણ કરે છે. સોનાના ભાવ રીતસરના પ્રતિ દસ ગ્રામે 50,000 રૂપિયાની આસપાસ રહે છે. તેથી સોનામાં રોકાણ કરનારા કેટલાય લોકોને સારું વળતર મળ્યું છે.

વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલનો અંદાજ સૂચવે છે કે ભારતમાં છેલ્લા પાંચ વર્ષ દરમિયાન સોનાનું રિસાઇકલિંગ વધ્યું છે. ભારત સોનાના રિસાઇકલિંગના મોરચે ચોથા નંબરનો સૌથી મોટો દેશ છે. અમદાવાદના ઝવેરીઓએ સોનાના રિસાઇકલિંગમાં વધારો કર્યો છે. આનો સીધો અર્થ એવો થાય કે ઝવેરીઓ સોનાની નવી ખરીદી ટાળવા અને પાંચ ટકા આયાત જકાત ન ચૂકવવા માટે પણ ડિઝાઇનિંગવાળા ઝવેરાતનું રિસાઇકલિંગ કરે છે.

ગોલ્ડ રિફાઇનરીના માલિક નિશાંત સોનીએ જણાવ્યું હતું કે કોવિડના લીધે આર્થિક અનિશ્ચિતતામાં વધારો થતાં સોનાના ભાવમાં નોંધપાત્ર વધારો થયો છે. લોકો નવુ ઝવેરાત ખરીદવા માટે પણ બદલામાં સામે જૂનું ઝવેરાત આપે છે. અમદાવાદમાં દરરોજે 60થી 70 કિલોગ્રામ સોનાનું રિસાઇકલિંગ થાય છે. ઝવેરીઓ 40 ટકા સોનાનું રિસાઇકલિંગ કરીને તેમાથી નવા પીસ બનાવે છે. તેનું ઝવેરાતના પ્રદર્શનોમાં પ્રદર્શન કરે છે અને લગ્નની સીઝનમાં પણ આ રિસાઇકલ કરેલું ઝવેરાત જ બતાવવામાં આવે છે. જેએએના ભૂતપૂર્વ પ્રમુખે જણાવ્યું હતું કે કોરોના પછી ગોલ્ડ રિસાઇકલિંગનું પ્રમાણ 25 ટકા થઈ ગયું છે, જે તેના પૂર્વે 10 ટકા જ હતું.

Your email address will not be published.